મોદી સરકારની જાહેરાતઃ મેડિકલ ક્ષેત્રમાં OBCને ૨૭% અને EWSને ૧૦% અનામત

29 July, 2021 04:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

અનામતનો આ નિર્ણય ૨૦૨૧-૨૨ના સત્રથી લાગુ થશે

પ્રતીકાત્મક તસવીર

મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની સરકારે આજે એક મહત્વની જાહેરાત કરી છે. સરકારે પછાત જાતિ (OBC) અને આર્થિક રીતે નબળા (EWS) માટે અનામતની જાહેરાત કરી છે. ઓબીસીને ૨૭% અને આર્થિક રીતે નબળા વર્ગને ૧૦% અનામત આપવાની જાહેરાત કરી છે. અનામતનનો આ નિર્ણય ૨૦૨૧-૨૨ના સત્રથી લાગુ થશે.

અનામતની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, આ નિર્ણય મેડિકલ ક્ષેત્રમાં આવનારા વિદ્યાર્થીઓ માટે મદદગાર સાબિત થશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ એક પછી એક કરેલા ટ્વીટમાં લખ્યું હતું કે, દેશમાં મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રમાં સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા કોટા અંતર્ગત અંડરગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ તથા ડેન્ટલ શિક્ષામાં OBC વર્ગના વિદ્યાર્થીઓને ૨૭% અને અને નબળા વર્ગ વિદ્યાર્થીઓને ૧૦% ટકા અનામત આપવામાં આવશે.

આ અનામતનો ફાયદો દર વર્ષે ઓલ ઈન્ડિયા કોટા સ્કીમ (AIQ) અંતર્ગત MBBS, MS, BDS, MDS, ડેન્ટલ, મેડિકલ અને ડિપ્લોમામાં ૫,૫૫૦ કેન્ડિડેટને મળશે.

મેડિકલ એડમિશનની ઓલ ઈન્ડિયા કોટાની સીટોમાં ઓબીસીને અનામત આપવાની માંગણી ઘણાં સમયથી કરવામાં આવતી હતી. અનામત માટે નરેન્દ્ર મોદીએ ૨૬ જુલાઈએ બેઠક કરી હતી. આ પહેલાં પણ તેમણે અનામત આપવા વિશે કહ્યું હતું. આખરે આજે આ નિર્ણય આવી ગયો છે.

national news new delhi