05 February, 2026 09:13 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૬ના પહેલા ૧૫ દિવસમાં દિલ્હીમાં ૮૦૦થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ મળ્યા હતા, જેમાં લગભગ બેતૃતીયાંશ કેસ મહિલાઓ અને છોકરીઓના હતા. પહેલીથી ૧૫ જાન્યુઆરી દરમ્યાન કુલ ૮૦૭ લોકો ગુમ થયા હતા. આમ દરરોજ સરેરાશ ૫૪ લોકો ગુમ થાય છે. આમાંથી ૫૦૯ મહિલાઓ અને છોકરીઓ અને ૨૯૮ પુરુષો હતાં.
ગુમ થયેલા કુલ કેસોમાં ૧૯૧ સગીરો હતા, જ્યારે ૬૧૬ પુખ્ત વયના લોકો ગુમ થયા હતા. લગભગ ૫૭૨ લોકો હજી પણ ગુમ છે, જ્યારે પોલીસ ગુમ થયેલી ૨૩૫ વ્યક્તિઓને શોધી કાઢવામાં સફળ રહી છે. માહિતી દર્શાવે છે કે પહેલીથી ૧૫ જાન્યુઆરી દરમ્યાન દરરોજ સરેરાશ ૧૩ બાળકો ગુમ થયાં હતાં. કુલ ૧૯૧ ગુમ થયેલા સગીરોમાંથી ૧૪૬ કેસ છોકરીઓના હતા. પોલીસને ૨૯ છોકરીઓ અને ૧૯ છોકરાઓ શોધવામાં સફળતા મળી છે, પરંતુ લગભગ ૭૧ ટકા હજી પણ ગુમ છે.
જાન્યુઆરીના પહેલા ભાગમાં ૬૧૬ પુખ્ત વયના લોકો ગુમ થયાની જાણ કરવામાં આવી હતી, જેમાં ૩૬૩ મહિલાઓ અને ૨૫૩ પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસ ૯૦ પુરુષો અને ૯૧ મહિલાઓને શોધી કાઢવામાં સફળ રહી હતી, જ્યારે ૪૩૫ લોકોને હજી સુધી શોધી શકી નથી.
છેલ્લા એક દાયકામાં દિલ્હીમાં ૨,૩૨,૭૩૭ લોકો ગુમ થયા હતા, જેમાં આશરે ૧.૮ લાખને શોધી કાઢવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના રેકૉર્ડ મુજબ લગભગ ૫૨,૦૦૦ કેસ વણઉકેલાયેલા રહ્યા છે. ૨૦૧૬થી દર વર્ષે સરેરાશ ૫૦૦૦થી વધુ કિશોરો ગુમ થયા છે, જેમાં વાર્ષિક આશરે ૩૫૦૦ છોકરીઓ છે. ૨૦૨૫માં ૫૦૮૧ કિશોરીઓ ગુમ થયાની જાણ થઈ હતી. એમાંથી ૩૯૭૦ છોકરીઓ હતી, જેમાંથી ૧૦૧૩ મળી નથી.
૨૦૨૫માં દિલ્હીમાં કુલ ૨૪,૫૦૮ લોકો ગુમ થયા હોવાની જાણ કરવામાં આવી હતી, જેમાં ૧૪,૮૭૦ કેસમાં મહિલાઓનો હિસ્સો ૬૦ ટકાથી વધુ હતો. ૯૬૩૮ કેસ પુરુષોના હતા. પોલીસ ૧૫,૪૨૧ વ્યક્તિઓને શોધી કાઢવામાં સફળ રહી હતી, પરંતુ ૯૦૮૭ કેસ હજી પણ વણઉકેલાયેલા છે.