25 February, 2025 06:04 PM IST | Guwahati | Gujarati Mid-day Online Correspondent
મુકેશ અંબાણી (ફાઇલ તસવીર)
Reliance in Assam: `ગુવહાટી ઍડવાંટેજ આસામ 2.0 સમિટ`માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણીએ આસામમાં આગામી પાંચ વર્ષમાં રિલાયન્સ કંપનીનું રોકાણ ચાર ગણું વધારી પચાસ હજાર કરોડ સુધી પહોંચાડવાની જાહેરાત કરી છે. અંબાણીએ કહ્યું કે રિલાયન્સ પહેલેથી જ રાજ્યમાં રૂપિયા 12,000 કરોડથી વધુનું રોકાણ કરી ચૂક્યું છે, જે તેની રૂપિયા 5,000 કરોડની પ્રારંભિક પ્રતિબદ્ધતા કરતાં વધુ છે.
રિલાયન્સ તરફથી આસામને શું શું મળશે?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આ મુદ્દે વિશેષ વાત કરતાં જણાવ્યું કે કંપની આસામને AI-રેડી (કૃત્રિમ બુદ્ધિમત્તા માટે સજ્જ) બનાવશે. વિશ્વસ્તરીય કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યા બાદ રિલાયન્સ હવે રાજ્યમાં કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરશે. રિલાયન્સની પ્રાથમિકતાઓની વિષે વાત કરતાં મુકેશ અંબાણીએ કહ્યું કે તેઓ આસામને AI-રેડી બનાવવા માગે છે. (Reliance in Assam)આસામમાં વિશ્વસ્તરીય કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યા પછી રિલાયન્સ હવે અહીં કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ સ્થાપશે. અંબાણીએ જાહેરાત કરી કે રિલાયન્સ આસામમાં AI-રેડી એડ્જ ડેટા સેન્ટર (AI-Ready Edge Data Center) બનાવશે. રિલાયન્સ રિટેલ રાજ્યમાં તેના સ્ટોર્સની સંખ્યા ચારસોથી વધારીને આઠસો કરવા જઈ રહી છે. આનાથી યુવાનો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની હજારો તકો ઊભી થશે.
બાયોગૅસ પ્લાન્ટ પણ સ્થાપશે
અંબાણીએ આસામને સ્વચ્છ અને હરિયાળી ઊર્જાનું કેન્દ્ર બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી. પરમાણુ ઉર્જાની સાથે આસામની ઉજ્જડ જમીન પર બે બાયોગૅસ પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવશે. (Reliance in Assam) આનાથી વાર્ષિક આઠ લાખ ટન સ્વચ્છ બાયોગૅસ ઉત્પન્ન થશે, જે દરરોજ બે લાખ પેસેન્જર વાહનોને ઇંધણ આપશે. મુકેશ અંબાણીએ આસામમાં એક મેગા ફૂડ પાર્કના નિર્માણની પણ જાહેરાત કરી, જે આસામને દેશ અને વિદેશમાં ખાદ્ય અને અખાદ્ય ગ્રાહક ઉત્પાદનોનો સપ્લાયર બનવામાં મદદ કરશે. તેમણે આસામમાં તાજેતરમાં બનેલા કેમ્પા (CAMPA) બોટલિંગ પ્લાન્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ટાટા ગ્રૂપ પણ કરશે મોટું રોકાણ
ટાટા ગ્રુપના ચેરમેન નટરાજન ચંદ્રશેખરનના જણાવ્યા મુજબ ટાટા ગ્રુપ પણ આગામી વર્ષોમાં આસામમાં રાજ્ય સરકાર સાથે મળીને વિશાળ ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ યુનિટ અને ગ્રીન એનર્જી સેક્ટરમાં રોકાણ કરશે. ટાટા ગ્રૂપ 27,000 કરોડના રોકાણથી જાગીરોડમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે, જે રાજ્યના ઈતિહાસમાં સૌથી મોટું રોકાણ સાબિત થશે. ટાટા ગ્રૂપ સોલાર અને અન્ય રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રાજ્ય સાથે ભાગીદારી કરશે ગ્રીન એનર્જી સેક્ટરમાં રોકાણ કરશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આસામમાં અર્થતંત્રને ઉચ્ચતમ સ્તરે વેગ આપવા માટે રિલાયન્સ રાજ્યની વચોવચ એક વૈભવી સેવન સ્ટાર ઓબેરોય હોટેલ તેયાર કરવામાં આવશે. આ તમામ પહેલ થકી આસામના યુવાનો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની હજારો તકોનું સર્જન કરવામાં આવશે. રિલાયન્સ ફાઉન્ડેશન તેના `સ્વદેશ` સ્ટોર સાથે રાજ્ય સરકારના સહયોગથી `ગ્રીન ગોલ્ડ` અથવા વાંસ અને રેશમ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે.