17 September, 2025 02:45 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુકેશ અંબાણી (તસવીર: X)
દેશના મોટા અને અગ્રણી ઉદ્યોગપતિઓએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ જ્યારે દેશ તેની 100મી સ્વતંત્રતા વર્ષગાંઠની ઉજવણી કરશે ત્યારે પણ વડા પ્રધાન મોદીને દેશનું નેતૃત્વ કરતા જોવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમ જ, આરપી સંજીવ ગોએન્કા ગ્રુપના ચૅરમૅન સંજીવ ગોએન્કાએ કહ્યું કે પીએમએ દેશના નાગરિકોને નવો આદર અને નવી દિશા આપી છે. આ ઉપરાંત યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ અતુલ કેશપે પણ પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
આજે દેશવાસીઓ માટે ઉજવણીનો દિવસ છે- મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ કહ્યું, "આજે 1.45 અબજ ભારતીયો માટે ઉજવણીનો દિવસ છે. આ આપણા સૌથી આદરણીય અને પ્રિય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ છે. ભારતના સમગ્ર વેપારી સમુદાય, રિલાયન્સ પરિવાર અને અંબાણી પરિવાર વતી, હું વડા પ્રધાન મોદીને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મોદીનો અમૃત મહોત્સવ ભારતના અમૃત કાળ સાથે એકરુપ છે તે કોઈ સંયોગ નથી. મારી હાર્દિક ઇચ્છા છે કે સ્વતંત્ર ભારત 100 વર્ષ પૂર્ણ કરે ત્યારે પણ મોદી ભારતની સેવા કરતા રહે."
`મોદી અમર રહો`- સંજીવ ગોએન્કા
RP-સંજીવ ગોએન્કા ગ્રુપના ચૅરમૅન અને IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના માલિક સંજીવ ગોએન્કાએ કહ્યું, "વડા પ્રધાનને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. તમે દેશ અને તેના નાગરિકોને એક નવું સન્માન, નવી પ્રતિષ્ઠા, નવી દિશા આપી છે. તમારા માટે ગમે તેટલી પ્રશંસા પૂરતી ન હોય. તમારી નીતિઓ અભૂતપૂર્વ રહી છે. તમારું વિઝન આ દેશમાં ક્યારેય ન જોયું હોય તેવું છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે, મોદી અમર રહો."
કુમાર મંગલમ બિરલાએ તેમને યુગપુરુષ તરીકે વર્ણવ્યા
આદિત્ય બિરલા ગ્રુપના ચૅરમૅન કુમાર મંગલમ બિરલાએ કહ્યું, "મોદીજી એક યુગપુરુષ છે. તેઓ એવા લોકોમાંના એક છે જેમણે આપણા દેશના ઇતિહાસમાં વિકાસ અને પ્રગતિ પર સૌથી વધુ અસર કરી છે. હું લગભગ 30 વર્ષ પહેલાં પીએમ મોદીને પહેલી વાર મળ્યો હતો, જ્યારે તેઓ મુખ્ય પ્રધાન હતા અને હું 25 વર્ષનો હતો. હું તેમને મળવા માટે થોડો ગભરાયો હતો, પણ ખૂબ જ ઉત્સાહિત પણ હતો. હું ગુજરાતમાં એક પ્રૉજેક્ટ અંગે તેમને મળવા ગયો હતો. અમારી મુલાકાતની પહેલી થોડી મિનિટોમાં, મને સમજાયું કે તેઓ પ્રૉજેક્ટ વિશે મારા કરતાં વધુ જાણે છે. તેમણે તરત જ સમસ્યા સમજી લીધી અને સંબંધિત લોકો સાથે વાત કરીને તેનો ઉકેલ લાવ્યો. હું આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે હું જાહેર જીવનમાં ક્યારેય આવી સમજણ અને ઊંડી દૂરંદેશી ધરાવતા કોઈને મળ્યો નહોતો. મને ખૂબ પ્રેરણા મળી. તેઓ ખૂબ યાદ કરે છે."