18 January, 2026 09:04 AM IST | Amritsar | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
અમ્રિતસરના સુવર્ણમંદિરમાં એક મુસ્લિમ યુવક મોઢું ધોઈ રહ્યો છે અને અમ્રિત સરોવરમાં કોગળા કરીને થૂંકી રહ્યો છે એવો વિડિયો જોવા મળ્યો છે. જોકે ત્યાર બાદ એ વ્યક્તિએ એક વિડિયો પોસ્ટ કરીને માફી માગી લીધી છે અને કહ્યું છે કે માફી માગવા માટે હું શ્રી દરબાર સાહિબ પણ જઈશ.
શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ આ ઘટના અને વાઇરલ વિડિયોની નિંદા કરીને જણાવ્યું હતું કે આ કૃત્ય પવિત્ર તીર્થસ્થળ પર સિખ મર્યાદા અથવા આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે
૧૬ જાન્યુઆરીના ૨૫ સેકન્ડના આ વિડિયોમાં એક યુવક શ્રી હરમંદિર સાહિબના પવિત્ર સરોવરના કિનારે બેઠો છે. તે હાથ-પગ ધોતો અને સોશ્યલ મીડિયા માટે પોતાનું રેકૉર્ડિંગ કરતો જોવા મળે છે. એ વિડિયો ઝડપથી વાઇરલ થયો હતો. ઘણા લોકોએ આ કૃત્યને સિખ ધાર્મિક પરંપરાઓનું અપમાન ગણાવ્યું છે.
SGPCએ બધા મુલાકાતીઓને સુવર્ણમંદિરના ધાર્મિક નિયમોનું સન્માન કરવાની અપીલ કરી છે. SGPCના મુખ્ય સેક્રેટરી કુલવંત સિંહે જણાવ્યું હતું કે ફરજ પર સેવાદારોની હાજરી હોવા છતાં આ ઘટના કેવી રીતે બની એની તપાસ કરવામાં આવશે. SGPC તપાસ કરશે કે વિડિયો અસલી છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને એમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ વિવાદ પર પ્રતિક્રિયા આપતાં યુવકે જાહેર માફી માગી હતી અને કહ્યું હતું કે મેં સુવર્ણમંદિરની આદર સાથે મુલાકાત લીધી હતી, પરંતુ સંપૂર્ણ ધાર્મિક પ્રોટોકૉલથી વાકેફ નહોતો. તેણે સિખ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ દિલગીરી વ્યક્ત કરીને કહ્યું હતું કે મેં અજાણતાં આમ કર્યું હતું.