ઉત્તર પ્રદેશમાં ૨.૮૯ કરોડ વોટરોનાં નામ કપાયાં

07 January, 2026 10:14 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

રાજ્યના કુલ ૧૮ ટકા મતદાતાઓની બાદબાકી થઈ ગઈ- ઉત્તર પ્રદેશના લોકો ચૂંટણીપંચની વેબસાઇટ પર જઈને ડ્રાફ્ટ મતદારયાદીમાં તેમનું નામ છે કે નહીં એ ચેક કરી શકે છે

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે ઉત્તર પ્રદેશમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નું ડ્રાફ્ટ-લિસ્ટ બહાર પડ્યું હતુ, જેમાં ૨.૮૯ કરોડ મતદાતાઓનાં નામ કપાઈ ગયાં હતાં. SIR પહેલાં ૧૫.૪૪ કરોડ મતદાતા હતા અને હવે માત્ર ૧૨.૫૫ કરોડ મતદાતા રહ્યા છે. મતલબ કે મતદાતાઓમાં લગભગ ૧૮ ટકાનો ઘટાડો થયો છે. કપાયેલા ૨.૮૯ કરોડ મતદાતાઓમાંથી ૪૬.૨૩ લાખ મતદાતાઓ મૃત્યુ પામ્યા છે, ૨.૧૭ કરોડ લોકો સ્થળાંતર કરી ગયા છે અને ૨૫.૪૭ લાખ ડુપ્લિકેટ વોટર હતા. લખનઉમાં સૌથી વધુ ૧૨ લાખ અને લલિતપુરમાં સૌથી ઓછા ૯૫,૦૦૦ મતદાતાઓનાં નામ કપાયાં હતાં. 

ઉત્તર પ્રદેશના લોકો ચૂંટણીપંચની વેબસાઇટ પર જઈને ડ્રાફ્ટ મતદારયાદીમાં તેમનું નામ છે કે નહીં એ ચેક કરી શકે છે અને કોઈ પણ આપત્તિ હોય તો ૬ ફેબ્રુઆરી સુધીમાં ફૉર્મ ૬ કે ૭ ભરી શકે છે. 

૧૧ રાજ્યોનું લિસ્ટ આવી ચૂક્યું છે 

ઉત્તર પ્રદેશ પહેલાં જે ૧૧ રાજ્યોની ડ્રાફ્ટ મતદારયાદી આવી ચૂકી છે એમાં કુલ ૩.૬૯ કરોડ વોટર્સનાં નામ હટાવવામાં આવ્યાં છે. મધ્ય પ્રદેશમાં ૪૨.૭૪ લાખ, છત્તીસગઢમાં ૨૭.૩૪ લાખ, કેરલામાં ૨૪.૦૮ લાખ, આંદામાન અને નિકોબારમાં ૩.૧૦ લાખ, પશ્ચિમ બંગાળમાં ૫૮.૨૦ લાખ, રાજસ્થાનમાં ૪૧.૮૫ લાખ, ગોવામાં ૧૧.૮૫ લાખ, પૉન્ડિચેરીમાં ૧.૦૩ લાખ, લક્ષદ્વીપમાં ૧૬૧૬, તામિલનાડુમાં ૯૭ લાખ અને ગુજરાતમાં ૭૩ લાખ વોટર્સનાં નામ કપાઈ ચૂક્યાં છે.

માઘમેળામાં પરિણીત મહિલાઓએ કરી વેણીદાનની વિધિ

પ્રયાગરાજના માઘમેળામાં ગઈ કાલે પરિણીત સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્ય માટે વેણીદાનની વિધિ કરી હતી. કહેવાય છે કે ત્રિવેણી સંગમ પર શાસ્ત્રોક્તવિધિ સાથે સ્ત્રી પોતાના વાળની એક લટ કાપીને પવિત્ર જળને ધરાવે તો ત્રણ નદીઓની દેવી એ સ્ત્રીના પતિને લાંબું જીવન બક્ષે છે અને પરિવારમાં સમૃદ્ધિ આવે છે. આ વિધિ કરનાર યુગલને ૭ જનમનો સાથ મળે છે એવી માન્યતા છે. ગઈ કાલે સંગમતટ પર અનેક મહિલાઓએ વાળની લટ દાન કરવાની વેણીદાનની વિધિ કરી હતી.

national news india delhi news new delhi election commission of india indian government