17 December, 2025 11:58 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચૂંટણીપંચે મંગળવારે પશ્ચિમ બંગાળની મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નું ડ્રાફટ-લિસ્ટ જાહેર કર્યું હતું. રાજ્યમાંથી ૫૮,૨૦,૮૯૮ મતદાતાઓનાં નામ હટાવવામાં આવ્યાં છે. એમાંથી ૨૪,૧૬,૮૫૨ મતદાતાઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે ૧૯,૮૮,૦૭૬ મતદાતાઓ સ્થાયી રૂપથી સ્થળાંતર કરીને બીજે ચાલ્યા ગયા છે. આ ઉપરાંત ૧૨,૨૦,૦૩૮ મતદાતાઓ ગુમ છે અને ૧,૩૮,૩૨૮ મતદાતાઓ ડુપ્લિકેટ અથવા તો નકલી છે. આ ઉપરાંત ૫૭,૬૦૪ લોકોનાં નામ અન્ય કારણોસર મતદારયાદીમાંથી હટાવવાનો પ્રસ્તાવ છે. જેમનું નામ હટાવવામાં આવ્યું છે તેઓ ફૉર્મ-૬ ભરીને દસ્તાવેજો સાથે હજીયે મતદાતાયાદીમાં નામ નોંધાવવાનો દાવો કરી શકે છે.
હવે ઘરે-ઘરે જઈને મતદાતાની જાણકારી એકઠી કરવાનું કામ પૂરું થઈ ગયું છે. હવે કોઈ સમસ્યા હોય તો એની સુનાવણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. SIRનો આ બીજો તબક્કો ૨૦૨૬ના ફેબ્રુઆરી મહિના સુધી ચાલશે અને ફાઇનલ વોટર-લિસ્ટ ૧૪ ફેબ્રુઆરીએ બહાર પડશે.
પૉન્ડિચેરીમાં ૮૫,૦૦૦ નામ હટાવ્યાં
ગઈ કાલે પૉન્ડિચેરીની મતદાતા યાદીનો ડ્રાફ્ટ બહાર પડ્યો હતો. પૉન્ડિચેરીમાં કુલ ૭.૬૪ લાખ મતદાતાઓ નોંધાયા છે. અહીં યાદીમાંથી ૮૫,૦૦૦ નામો હટાવવામાં આવ્યાં છે. અહીં નવાં ૧૧૦ મતદાન કેન્દ્રો જોડવામાં આવ્યાં છે.
રાજસ્થાનમાં ૪૧.૮૫ લાખ નામ હટાવ્યાં
રાજસ્થાનમાં પણ ગઈ કાલે SIRનો ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો. અહીં મતદારયાદીમાંથી ૪૧.૮૫ લાખ નામ હટાવવામાં આવ્યાં છે. ૨૯.૬ લાખ મતદાતાઓ કાયમી ધોરણે શિફ્ટ થયા હોવાથી અથવા તો ગેરહાજર રહેતા હોવાથી હટાવવામાં આવ્યા છે. ૮.૭૫ લાખ મતદાતાઓ મૃત્યુ પામ્યા હોવાથી યાદીમાંથી બાદ થયા છે અને ૩.૪૪ લાખ વોટર્સનાં નામ ડુપ્લિકેટ હોવાથી દૂર કરવામાં આવ્યાં હતાં. રાજસ્થાનમાં પહેલાં ૫૨,૨૦૧ પોલિંગ-બૂથ હતા જે હવે વધીને ૬૧,૧૩૬ થઈ ગયાં છે.