11 September, 2026 11:09 AM IST | karnataka | Gujarati Mid-day Correspondent
નંદન નીલેકણી
કર્ણાટકમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ વોટર-લિસ્ટની ચકાસણી દરમ્યાન અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર દેશને યુનિક આઇડેન્ટિફિકેશન આપનારા અને આધાર કાર્ડના જનક ગણાતા ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીનું જ નામ વોટર-લિસ્ટમાં જોવા ન મળતાં ચૂંટણીપંચે તેમને નોટિસ ફટકારી દીધી હતી. બૅન્ગલોર સાઉથ સિટી કૉર્પોરેશનના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે ૨૦૦૨ના ચૂંટણી-રેકૉર્ડમાં તેમનું નામ અનમૅપ્ડ કૅટેગરીમાં હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ ગરબડ માત્ર નીલેકણી પૂરતી સીમિત નથી. ઝીરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથ અને કન્નડા ઍક્ટર શિવ રાજકુમાર સહિત અનેક નામાંકિત હસ્તીઓને પણ SIRની નોટિસ મળી છે. ભારત રત્ન વિજેતા અને મહાન વૈજ્ઞાનિક પ્રો. સી. એન. આર. રાવના નામમાં પણ ગરબડ જોવા મળી હતી. જોકે ચૂંટણીપંચે સ્પષ્ટતા કરી છે કે VIP લોકો માટે ખાસ સુવિધા છે અને સંબંધિત અધિકારીઓ ઘરે જઈને વેરિફિકેશન પૂરું કરશે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકનું નવું ડ્રાફ્ટ વોટર-લિસ્ટ ૨૪ ઑગસ્ટે જાહેર કરવામાં આવ્યું હતું. એમાંથી અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકોનાં નામ હટાવી દેવામાં આવ્યાં છે. SIRની યાદીમાં નામ ન હોય એવા લોકોમાં જજ, સંસદસભ્ય, વિધાનસભ્ય, વરિષ્ઠ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ચૂંટણીપંચે ખાતરી આપી છે કે કોઈ પણ VIPને વ્યક્તિગત રીતે ઑફિસના ધક્કા ખાવા નહીં પડે.