ભારતને સેમી-કન્ડક્ટર મૅન્યુફૅક્ચરિંગ માટે ભરોસાપાત્ર ગ્લોબલ હબ ગણાવ્યું નરેન્દ્ર મોદીએ

18 September, 2026 11:32 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

નવી દિલ્હીમાં જન્મદિવસે સેમિકૉન ઇન્ડિયા 2026નું ઉદ્ઘાટન કરીને વડા પ્રધાને ભારતમાં બનેલી ચિપ્સ વિદેશી ગ્રાહકો સુધી પહોંચ્યાની જાહેરાત કરી

ગઈ કાલે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે આયોજિત સેમિકૉન ઇન્ડિયા 2026માં પંજાબની એક કંપનીમાં કમર્શિયલ પ્રોડક્શનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતા નરેન્દ્ર મોદી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તેમની ૭૬મી વર્ષગાંઠે નવી દિલ્હીની યશોભૂમિ ખાતે સેમિકૉન ઇન્ડિયા 2026ના પાંચમા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારતને વૈશ્વિક મૅન્યુફૅક્ચરિંગ માટે એક ભરોસાપાત્ર વિકલ્પ તરીકે રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વિશ્વ હાલમાં નવા અને વિશ્વાસપાત્ર મૅન્યુફૅક્ચરિંગ ડેસ્ટિનેશનની શોધમાં છે અને ભારત આ જરૂરિયાત પૂરી કરવા માટે સતત તૈયારી કરી રહ્યું છે.

આ સંમેલનની થીમ ‘સિલિકૉન ટુ સિસ્ટમ્સ : બિલ્ડિંગ ધી ઇકોસિસ્ટમ’ રાખવામાં આવી છે જે ૧૭થી ૧૯ સપ્ટેમ્બર દરમ્યાન યોજાઈ રહી છે. વડા પ્રધાને એક મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ભારતમાં બનેલી ચિપ્સ હવે દેશ અને દુનિયાના ગ્રાહકો સુધી પહોંચવા લાગી છે.

૨૦૨૨માં શરૂ થયેલા સેમી-કન્ડક્ટર કાર્યક્રમ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘ભારતમાં ૨૦૨૨માં સેમી-કન્ડક્ટર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ ક્ષેત્ર હવે પૉલિસી અને પ્લાનિંગથી આગળ વધીને કમર્શિયલ મૅન્યુફૅક્ચરિંગ સુધી પહોંચી ગયું છે. મોહાલી અને સુરતના નવા પ્લાન્ટ્સમાં વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ થઈ ગયું છે અને ભારતમાં બનેલી ચિપ્સ વિદેશોમાં પણ પહોંચી રહી છે.’

national news india narendra modi new delhi indian government