23 March, 2026 07:06 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીની સત્તાયાત્રા દર્શાવતી એક પિક્ચર-પોસ્ટ ગઈ કાલે BJPએ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.
ભારતીય રાજકારણમાં દાયકાઓથી ચાલતો એક રેકૉર્ડ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તોડ્યો હતો. સિક્કિમના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પવન કુમાર ચામલિંગે સતત ૮૯૩૦ દિવસ સુધી સરકારનું નેતૃત્વ કર્યું હતું અને એ ભારતની કોઈ પણ સરકારના વડાનો સૌથી લાંબો કાર્યકાળ હતો. ચામલિંગ ૧૯૯૪થી ૨૦૧૯ સુધી પૂરાં પચીસ વર્ષ સુધી સિક્કિમના મુખ્ય પ્રધાન રહ્યા હતા. આ એક અસાધારણ સિદ્ધિ હતી, પરંતુ રવિવારે વડા પ્રધાન મોદીએ સરકારના હેડ તરીકે તેમનો ૮૯૩૧મો દિવસ પૂર્ણ કર્યો અને આ રેકૉર્ડ તેમના નામે થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ યાત્રા બે ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેનો છે. તેમણે ૨૦૦૧થી ૨૦૧૪ સુધી લગભગ ૧૩ વર્ષ સુધી ગુજરાતમાં સત્તા સંભાળી હતી. આ સમયગાળા દરમ્યાન ગુજરાતના વિકાસ મૉડલની ચર્ચા સમગ્ર દેશમાં થઈ હતી. બીજો ભાગ ૨૦૧૪માં જ્યારે તેઓ પહેલી વાર દેશના વડા પ્રધાન બન્યા હતા ત્યારથી આજ સુધી. જ્યારે આ બે કાર્યકાળને જોડવામાં આવે છે ત્યારે આ આંકડો ગઈ કાલે ૮૯૩૧ દિવસનો થયો હતો.