૨૩૨ કરોડ રૂપિયાના ખર્ચે લખનઉમાં બનેલા રાષ્ટ્ર પ્રેરણા સ્થલને નરેન્દ્ર મોદીએ કર્યું લોકાર્પણ

26 December, 2025 10:22 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયીની ૬૫ ફુટ ઊંચી મૂર્તિઓનું કર્યું અનાવરણ

લખનઉમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થલમાં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની મૂર્તિને પ્રણામ કરી રહેલા નરેન્દ્ર મોદી.

નરેન્દ્ર મોદીએ ગઈ કાલે લખનઉ જતાં પહેલાં ન્યુ દિલ્હીમાં સદૈવ અટલ સ્થળ પર જઈને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. 

ગઈ કાલે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૧મી જન્મજયંતી હતી. આ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખનઉમાં બનેલા રાષ્ટ્ર પ્રેરણા સ્થલનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ ખાસ પ્રસંગે અટલજીની પ્રતિમા આપીને નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.  

રાષ્ટ્ર પ્રેરણા સ્થલમાં નરેન્દ્ર મોદીએ જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને અટલ બિહાર વાજપેયીની ૬૫ ફુટની પ્રતિમાઓનું પણ અનાવરણ કર્યું હતું. આ પ્રત્યેક પ્રતિમા ૪૨ ટન વજનની છે. આ ત્રણેય મૂર્તિ તાંબામાંથી બનાવવામાં આવી છે જે પદ‌્મશ્રી અને પદ્મવિભૂષણ મૂર્તિકાર રામ સુતાર અને મંટુરામે બનાવી હતી. મૂર્તિઓના અનાવરણ પછી નરેન્દ્ર મોદીએ અહીં બનાવવામાં આવેલા રાષ્ટ્ર પ્રેરણા મ્યુઝિયમની મુલાકાત પણ લીધી હતી.

રાષ્ટ્ર પ્રેરણા સ્થલ બનાવવાની શરૂઆત ૨૦૨૨માં થઈ હતી અને ૬૫ એકરમાં ફેલાયેલા આ પ્રેરણાસ્થળના નિર્માણમાં ૨૩૨ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

રાષ્ટ્ર પ્રેરણા સ્થલ પર જનસંઘના સંસ્થાપકો ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી, પંડિત દીનદયાલ ઉપાધ્યાયઅને અટલ બિહાર વાજપેયીની ૬૫ ફુટની પ્રતિમાઓ. 

ગઈ કાલે રાષ્ટ્ર પ્રેરણા સ્થલ પર અટલ બિહારી વાજપેયીની મૂર્તિ સાથે નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ. 

સૅન્ડ-આર્ટિસ્ટ સુદર્શન પટનાઈકે ગઈ કાલે પુરીના બીચ પર ભારતરત્ન અટલ બિહારી વાજપેયીનું રેતશિલ્પ બનાવીને શ્રદ્ધાંજલિ આપી હતી.

શું છે રાષ્ટ્ર પ્રેરણા સ્થલમાં?

જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને અટલ બિહાર વાજપેયીની ૬૫ ફુટની પ્રતિમા. ૬૪૦૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલો રાષ્ટ્રપુરુષોના જીવન-વિચાર અને યોગદાન પર આધારિત આધુનિક સંગ્રહાલય. બે લાખ લોકોને સમાવી શકે એટલી ક્ષમતાનનો પાર્ક અને રૅલી-મંચ. ૩૦૦૦ લોકોની ક્ષમતાવાળું ઍમ્ફીથિયેટર, મેડિટેશન સેન્ટર, વિપાસના યોગ કેન્દ્ર, કૅફે. ભારત માતાની પ્રતિમા પણ અહીં લગાડવામાં આવી છે. કમળ જેવી આકૃતિનું આકર્ષક લૅન્ડસ્કેપ.

પાકિસ્તાની પત્રકાર અટલજી સાથે લગ્ન કરવા માગતી હતી અને મુંહદિખાઈમાં કાશ્મીર જોઈતું હતું,  અટલજીએ દહેજમાં માગી લીધેલું આખું પાકિસ્તાન- રક્ષાપ્રધાન રાજનાથ સિંહે સંભળાવ્યો અટલ બિહારી વાજપેયી વિશેનો રોચક કિસ્સો

ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની લોકપ્રિયતા ભારતમાં જ નહીં, બીજા દેશોમાં પણ એટલી જ હતી. તેમની ૧૦૧મી જયંતી નિમિત્તે લખનઉમાં રાજનાથ સિંહે તેમને યાદ કરીને એક કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘અટલજીનું વ્યક્તિત્વ એટલું વિરાટ હતું કે તેમની કાર્યશૈલી અને નિર્ણયો પર પૂરી દુનિયા કાયલ હતી. તેઓ જ્યારે પાકિસ્તાનની મુલાકાતે ગયેલા ત્યારે એક મહિલા પત્રકારે તેમને મોં પર કહેલું, ‘મૈં આપસે શાદી કરના ચાહતી હૂં, લેકિન આપ મુઝે મુંહદિખાઈ મેં કશ્મીર દે દેં.’ એના પર અટલજીએ મંદ મુસ્કાન સાથે તરત જ કહેલું, ‘મૈં આપસે શાદી કરને કો તૈયાર હૂં, અગર આપ દહેજ મેં મુઝે પૂરા પાકિસ્તાન દે દેં.’

ક્રિસમસ નિમિત્તે દિલ્હીના કથીડ્રલ ચર્ચની મૉર્નિંગ પ્રેયરમાં પહોંચ્યા નરેન્દ્ર મોદી

દેશભરમાં ક્રિસમસ ઊજવાઈ રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે દિલ્હીના કથીડ્રલ ચર્ચ ઑફ રિડમ્પ્શન’ની સવારની પ્રાર્થનામાં સામેલ થયા હતા. આ સમયે પ્રેયર અને કૅરોલ્સ સૉન્ગ ગવાતાં હોય છે. દિલ્હીના બિશપ ડૉ. પૉલ સ્વરૂપે નરેન્દ્ર મોદી માટે વિશેષ પ્રાર્થના કરી હતી.

national news india lucknow narendra modi indian government atal bihari vajpayee