✕

જાહેર જીવનની સિલ્વર જ્યુબિલી પર નરેન્દ્ર મોદીએ દિલ્હીના શ્રી વિનાયક મંદિરમાં પૂજા કરી

08 October, 2026 11:28 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઑક્ટોબર ૨૦૦૧માં ગુજરાતના મુખ્ય પ્રધાનપદેથી શરૂઆત કરનાર વડા પ્રધાને દેશવાસીઓની સુખાકારી માટે પ્રાર્થના કરી

જાહેર જીવનમાં પચીસ વર્ષ પૂરાં થવાના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીના સરોજિનીનગરમાં આવેલા શ્રી વિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી

જાહેર જીવનમાં પચીસ વર્ષ પૂરાં થવાના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીના સરોજિનીનગરમાં આવેલા શ્રી વિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ઑક્ટોબર ૨૦૦૧માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળીને રાજકીય સફર શરૂ કરનાર નરેન્દ્ર મોદી ૨૦૧૪થી દેશના વડા પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે.

વડા પ્રધાને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર મંદિરની મુલાકાત અને પૂજાની તસવીરો શૅર કરતાં લખ્યું હતું કે ‘આજે મેં નવી દિલ્હીના શ્રી વિનાયક મંદિરમાં પૂજા અને વિધિ કરી હતી. મેં ભગવાન 
શ્રી ગણેશને દેશભરના મારા પરિવારજનો (દેશવાસીઓ)નાં સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. વિઘ્નહર્તાની કૃપાથી સૌનું કલ્યાણ થાય અને દેશ સતત પ્રગતિના પંથે આગળ વધતો રહે.’

નવી દિલ્હીમાં દક્ષિણ ભારતીય સમુદાય માટે આસ્થાનું પ્રતીક એવું આ શ્રી વિનાયક મંદિર પારંપરિક ધાર્મિક વિધિઓ માટે જાણીતું છે. આ સમુદાય સાથે ગાઢ ધાર્મિક નાતો ધરાવતા મંદિરમાં વડા પ્રધાને જઈને દેશની પ્રગતિ માટે વિશેષ આશીર્વાદ લીધા હતા. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિષ્ણુના અવતાર સમાન છે

નરેન્દ્ર મોદીના જાહેર જીવનનાં પચીસ વર્ષ પૂરાં થવા પર ભુતાનના વડા પ્રધાન શેરિંગ તોબગેએ તેમની ૨૦૧૯ની મુલાકાત યાદ કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનનાં પચીસ વર્ષ પૂરાં થવાના અવસરે ભુતાનના વડા પ્રધાન શેરિંગ તોબગેએ બુધવારે એક સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા તેમને ‘વિષ્ણુના અવતાર’ ગણાવ્યા હતા. શેરિંગ તોબગેએ ૨૦૧૯ની તેમની મુલાકાતને યાદ કરતાં કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીની શાસનશૈલી અને જનસેવાની ભાવના જોઈને મને વિશ્વાસ થયો છે કે આ સરખામણી બિલકુલ યોગ્ય છે. ૨૦૧૯ની ૨૭ જુલાઈએ જ્યારે હું દિલ્હીમાં નરેન્દ્ર મોદીને મળ્યો હતો ત્યારે હું પોતે વડા પ્રધાન કે સંસદસભ્ય નહોતો અને મારી પાર્ટી ચૂંટણી હારી ચૂકી હતી છતાં નરેન્દ્ર મોદીએ મને નાના ભાઈ જેવો પ્રેમ આપ્યો હતો. ત્યારે જ મેં તેમને કહ્યું હતું કે હું તમને હંમેશાં મોટા ભાઈ અને વિષ્ણુના અવતાર તરીકે જ જોઈશ.’

નરેન્દ્ર મોદીએ રાજકીય ગુરુ લાલ કૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા

નરેન્દ્ર મોદીએ ગઈ કાલે BJPના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને જઈને તેમના આશીર્વાદ લીધા હતા. વડા પ્રધાને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર મુલાકાતની તસવીરો શૅર કરતાં લખ્યું હતું કે અડવાણીજીની દાયકાઓની જનસેવા અને રાષ્ટ્ર માટેના તેમના યોગદાને એક અમીટ છાપ છોડી છે, ભારતની પ્રગતિને મજબૂત કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. 

national news india narendra modi religious places delhi news new delhi