27 October, 2025 10:34 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયામાં આ વિડિયો વાઇરલ થતાં મોટો સવાલ એ ખડો થયો છે કે શું આ વડા પ્રધાનની જ કાર છે? જો હા, તો પ્રાઇમ મિનિસ્ટરની સુરક્ષા પ્રત્યે આવી બેદરકારી કોણે કરી?
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઑફિશ્યલ કાફલામાં વપરાતી કાર બિહારના સમસ્તીપુરમાં કોઈ સ્થાનિક ક્લીનિંગ-સ્ટેશન પર ધોવાઈ રહી હોય એવું જોવા મળે છે. આ હાઈ-એન્ડ બ્લૅક ગાડી વડા પ્રધાનની ગાડી સાથે મળતી આવે છે એટલું જ નહીં, એના પર જે કારનો નંબર DL2CAY8167 છે એ વડા પ્રધાનની બ્લૅક ફૉર્ચ્યુનર કારના નંબર સાથે મેળ ખાય છે. કાર વૉશિંગ-સ્ટેશનના માલિકે આ વિડિયો વિશ્વકર્મા મોટર વિજય નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મૂક્યો હતો. ચિંતાનો વિષય એ છે કે આ કાર વડા પ્રધાનના કાફલામાં વપરાતી કોઈ અન્ય કાર નથી, ખુદ નરેન્દ્ર મોદી જેમાં ટ્રાવેલ કરે છે એ કાર છે.
આ વિડિયો વાઇરલ થયા પછી વડા પ્રધાનની કાર લોકલ સ્તરે ધોવાય એ બાબતે હોબાળો મચતાં કાર ક્લીનિંગ-સ્ટેશને પાછળથી વિશ્વકર્મા મોટર વિજયનું ઇન્સ્ટાગ્રામ પેજ જ ડિલીટ કરી દીધું હતું.
વાઇરલ વિડિયો બાબતે પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ કે સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. એને કારણે હજીયે સવાલ ઊભો જ છે કે શું આ ખરેખર વડા પ્રધાનની કાર છે કે એના જેવી દેખાતી બીજી કાર હતી?