17 October, 2025 09:40 AM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે શ્રીસૈલમમાં નરેન્દ્ર મોદીએ શ્રી ભ્રામરામ્બા મલ્લિકાર્જુનસ્વામી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી, ગઈ કાલે નરેન્દ્ર મોદીએ શ્રી શિવાજી સ્ફૂર્તિ કેન્દ્રમાં છત્રપતિ શિવાજી મહારાજને શીશ નમાવ્યું હતું.
આંધ્ર પ્રદેશમાં ૧૩,૪૩૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીને નરેન્દ્ર મોદીએ કહ્યું...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આંધ્ર પ્રદેશના કુર્નૂલમાં ૧૩,૪૩૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યાં હતાં. જોકે એ પહેલાં તેમણે નંદિયાલમાં શ્રીસૈલમમાં ભ્રામરામ્બા મલ્લિકાર્જુનસ્વામી દેવસ્થાનમમાં દર્શન અને પૂજા કર્યાં હતાં. આ મંદિર ૧૨ જ્યોતિર્લિંગો અને બાવીન શક્તિપીઠોમાં સામેલ છે. આ એકમાત્ર મંદિર છે જ્યાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ બન્ને છે. નરેન્દ્ર મોદીએ શ્રીસૈલમમાં શિવાજી મહારાજને સમર્પિત શ્રી શિવાજી સ્ફૂર્તિ કેન્દ્રમાં પણ પૂજા કરી હતી. એમાં એક ધ્યાનકક્ષ છે જેની ચારે બાજુ શિવાજી મહારાજના ચાર પ્રદ્ધિય કિલ્લાઓ પ્રતાપગઢ, રાજગડ, રાયગડ અને શિવનેરીનાં મૉડલ બનેલાં છે.
ગઈ કાલે કુર્નૂલમાં વિકાસકાર્યોના શિલાન્યાસ પછી જનતાને કરેલા સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘૨૦૪૭માં આઝાદીનાં ૧૦૦ વર્ષ પૂરાં થઈ ચૂક્યાં હશે ત્યારે ભારત વિકસિત થઈ ચૂક્યું હશે. હું દાવા સાથે કહું છું કે એકવીસમી સદી હિન્દુસ્તાનની, ૧૪૦ કરોડ હિન્દુસ્તાનીઓની હશે. આજે દુનિયા ભારતને એકવીસમી સદીના નવા મૅન્યુફૅક્ચરિંગ સેન્ટરના રૂપમાં જોઈ રહી છે. આ સફળતાનો મોટો આધાર છે આત્મનિર્ભર ભારતનું વિઝન.’