નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ૩૬૦ ડિગ્રી ફરતી બાવીસ ફ‍ુટ લાંબી અને ૧૧ ફ‍ુટ પહોળી ધજા ફરકાવશે

27 October, 2025 11:11 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

પચીસમી નવેમ્બરે મુખ્ય સમારોહ: આ અનુષ્ઠાન અયોધ્યા અને કાશીના આચાર્યો દ્વારા થશે સંપન્ન

રામ મંદિર

૩૦ ઑક્ટોબર સુધીમાં મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થશે: પાંચ દિવસ સુધી ચાલનારો ધ્વજારોહણ સમારોહ પ્રાણપ્રતિષ્ઠા સમારોહ જેટલો જ ભવ્ય હશે: પચીસમી નવેમ્બરે મુખ્ય સમારોહ: આ અનુષ્ઠાન અયોધ્યા અને કાશીના આચાર્યો દ્વારા થશે સંપન્ન

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય પૂર્ણ થવાના આરે છે અને એની સાથે રામલલાના મંદિરના શિખર પર ધ્વજારોહણ અનુષ્ઠાનની તૈયારીઓ પણ ગતિમાન થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચીફ મોહન ભાગવત આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. પચીસમી નવેમ્બરે રામ મંદિરના શિખર પર બાવીસ ફુટ લાંબી અને ૧૧ ફુટ પહોળી ધજા ફરકાવવામાં આવશે. શિખર પર લાગેલો ધ્વજસ્તંભ ૩૬૦ ડિગ્રી ફરનારો બૉલબેરિંગ સિસ્ટમ પર આધારિત છે. ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને પણ ઝીલી શકે એવો આ ધ્વજસ્તંભ છે 

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિએ કહ્યું હતું કે ‘વાલ્મીકિ રામાયણમાં વર્ણિત સૂર્ય, ઓમ અને કોવિદાર વૃક્ષના પ્રતીક સમાન ભગવા રંગનો ધ્વજ ૨૫ નવેમ્બરે રામ મંદિર પર ફરકાવવામાં આવશે. ૧૬૧ ફુટ ઊંચા શિખર પર લાગેલા ૪૨ ફુટ ઊંચા ધ્વજસ્તંભ પર એ ધજા ફરકાવવામાં આવશે. આ માટે પાંચ દિવસનો સમારોહ થશે જે ૨૧ નવેમ્બરથી શરૂ થશે અને ૨૫ નવેમ્બરે સંપન્ન થશે. આ અનુષ્ઠાનને અયોધ્યા અને કાશીના આચાર્યો સંપન્ન કરાવશે.’

કામ કેટલું બાકી? 
મંદિરમાં પથ્થર સંબંધિત તમામ નિર્માણકાર્ય પૂરું થઈ ચૂક્યું છે. સફાઈ, ફિનિશિંગ અને ફ્લોરિંગ જેવાં કામ ૩૦ ઑક્ટોબર સુધીમાં પૂરાં થઈ જશે. રામ મંદિર અને પરકોટાની મધ્યમાં ટાઇલ્સનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ કૉરિડોર પાસે જૂતાં-ચંપલઘર બન્યા પછી એનું ફિનિશિંગ કરવામાં આવશે. 

national news india ayodhya ram mandir culture news hinduism