છત્તીસગઢમાં નક્સલવાદીઓ સમર્પણ કરવા તૈયાર

18 September, 2025 10:30 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

શાંતિ-વાટાઘાટોની તૈયારી દર્શાવી, સંગઠનના પ્રવક્તાનો પત્ર વાઇરલ, નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે પત્રની સત્યતાની તપાસ કરવાની જરૂર

પ્રતીકાત્મક તસવીર

છત્તીસગઢમાં નક્સલવાદી સંગઠન કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPI-માઓવાદી)એ શાંતિ-વાટાઘાટો કરવાની તૈયારી દર્શાવીને પોતાનાં શસ્ત્રો સમર્પણ કરવાનો સંકેત આપ્યો છે. સંગઠનના પ્રવક્તા અભયનો એક પત્ર વાઇરલ થયો છે જેમાં વિડિયો-કૉલ દ્વારા વાતચીત કરવા જણાવ્યું છે અને એક મહિનાનો સમય માગવામાં આવ્યો છે. નક્સલીઓએ યુદ્ધવિરામની પણ માગણી કરી છે અને સંપર્ક માટે એક ઈ-મેઇલ સરનામું પણ આપ્યું છે. પત્રમાં નક્સલવાદીઓએ જણાવ્યું હતું કે ‘અમે વિકાસ અને શાંતિ ઇચ્છીએ છીએ એટલે સરકારે અમારી સાથે વાતચીત કરવી જોઈએ. આ સમય દરમ્યાન કોઈ પોલીસ-કાર્યવાહી ન કરવી જોઈએ. આ માહિતી રેડિયો અને ટીવી દ્વારા પ્રકાશિત કરવામાં આવે. અમે ઇચ્છીએ છીએ કે સરકાર અમને અમારી સલામતી અને પ્રામાણિક વાતચીતની ખાતરી આપે.’

જાન્યુઆરી ૨૦૨૪થી સુરક્ષા દળોએ નક્સલવિરોધી કામગીરી વધુ તીવ્ર બનાવી છે અને ઘણા વિસ્તારોમાં નક્સલવાદીઓને નબળા પાડ્યા છે. મોટી સંખ્યામાં નક્સલવાદીઓ પકડાયા છે, એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે અને આત્મસમર્પણ કર્યું છે. 

પત્ર સામે આવ્યા પછી છત્તીસગઢના નાયબ મુખ્ય પ્રધાન વિજય શર્માએ જણાવ્યું હતું કે ‘સરકારના ઇરાદા હંમેશાં સ્પષ્ટ રહ્યા છે. રાજ્ય સરકાર ક્યારેય ગોળીબાર કરવા કે લોહી વહેવડાવવા માગતી નથી. અમારી પ્રાથમિકતા એ છે કે વિકાસ દરેક ગામ સુધી પહોંચે. સરકાર જીત અને હારની લાગણીઓને પાર કરીને વાતચીત માટે તૈયાર છે. જોકે વાઇરલ પત્રની ચકાસણી કરવાની જરૂર છે જેથી એ નક્કી કરી શકાય કે એ સંગઠનના સત્તાવાર વલણનું પ્રતિનિધિત્વ કરે છે કે કોઈ અન્ય હેતુ માટે ફેલાવવામાં આવ્યો છે.’

national news india chhattisgarh naxal attack Crime News