21 June, 2026 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કર્ણાટકના ચિકમંગલુરમાં એક્ઝામ સેન્ટરની બહાર સિક્યૉરિટી ગોઠવી રહેલા પોલીસ-અધિકારીઓ.
દેશભરમાં આજે એટલે કે રવિવારે ૨૧ જૂને યોજાનારી નૅશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ની રીએક્ઝામ માટે સુરક્ષા-વ્યવસ્થા અભેદ્ય બનાવી દેવામાં આવી છે. અગાઉની પરીક્ષામાં પેપર-લીક અને વહીવટી ક્ષતિઓના ગંભીર આક્ષેપો બાદ આ વખતે સત્તાવાળાઓ કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાના મૂડમાં નથી. પરીક્ષા માટે જ્યાં પણ સેન્ટર ફાળવવામાં આવ્યાં છે એ શહેરો સહિત દેશનાં તમામ કેન્દ્રો પર પ્રશાસને મલ્ટિ-લેયર્ડ સુરક્ષા-કવચ તૈયાર કર્યું છે જેમાં પોલીસ-એસ્કોર્ટ અને કડક તપાસનો સમાવેશ થાય છે. આ પરીક્ષામાં ભારત અને વિદેશના મળીને આશરે ૨૨,૭૯,૭૪૩ વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. ભારતની કુલ ૧૩ ભાષાઓમાં આ પરીક્ષા યોજાશે.
આ પરીક્ષા પેન-ઍન્ડ-પેપર મોડમાં બપોરે બે વાગ્યાથી સાંજે ૫.૧૫ વાગ્યા દરમ્યાન ભારતનાં ૫૫૨ શહેરો અને વિદેશનાં ૧૪ મુખ્ય શહેરોમાં આયોજિત કરવામાં આવી છે. નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા વિદ્યાર્થીઓને સવારે ૧૧થી બપોરે ૧.૩૦ વાગ્યા સુધીમાં કેન્દ્ર પર પહોંચી જવાની કડક સૂચના અપાઈ છે, કારણ કે બપોરે ૧.૩૦ વાગ્યે એન્ટ્રી-ગેટ સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કેન્દ્રોમાં દુબઈ, અબુ ધાબી, શારજાહ, કુવૈત સિટી, બૅન્ગકૉક, કોલંબો, દોહા, કાઠમાંડુ, ક્વાલા લમ્પુર, લૅગોસ, મનામા, મસ્કત, રિયાધ અને સિંગાપોરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ૩ મેએ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ બાદ દેશભરમાં ભારે હોબાળો અને વિરોધ-પ્રદર્શનો થયાં હતાં. હાલમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) આ સમગ્ર કૌભાંડની ઊંડી તપાસ કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં અનેક ધરપકડ પણ કરવામાં આવી છે.
દિલ્હીમાં NEET પરીક્ષાકેન્દ્રોની બહાર કૂલિંગ ઝોન
કાળઝાળ ગરમીમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને રાહત આપવા દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. તમામ ૯૭ કેન્દ્રો પર વિશેષ સુવિધાનું આયોજન કરાયું છે. દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ શનિવારે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે રાષ્ટ્રીય પાટનગરમાં યોજાનારી NEET રી-ઍક્ઝામનાં તમામ ૯૭ પરીક્ષાકેન્દ્રોની બહાર વિશેષ કૂલિંગ ઝોન ઊભા કરવામાં આવ્યા છે.
પરીક્ષાના દિવસે કોઈ પણ પરિવારને કાળઝાળ ગરમી, વાહનવ્યવહાર કે સેન્ટર બહાર લાંબા કલાકો સુધી રાહ જોવાની બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે એ માટે સરકારે આ ચુસ્ત આયોજન કર્યું છે. દિલ્હીમાં આ મહત્ત્વપૂર્ણ પરીક્ષા માટે કુલ ૯૭ સેન્ટરો નિયુક્ત કરાયાં છે જ્યાં વાલીઓ માટે પીવાના પાણી, છાંયડા માટે ડોમ અને કૂલર ઉપરાંત બેસવા માટે બેઠકવ્યવસ્થા સહિતની તમામ સુવિધા ઊભી કરવામાં આવી છે.
ડાયાબિટીઝના ઉમેદવારો માટે ખાસ જોગવાઈ
NTAની ગાઇડલાઇન્સ અનુસાર ડાયાબિટીઝની બીમારી ધરાવતા ઉમેદવારોને પરીક્ષાહૉલમાં પોતાની સાથે શુગર ટૅબ્લેટ્સ, ફ્રૂટ્સ અને ટ્રાન્સપરન્ટ વૉટર બૉટલ રાખવાની વિશેષ પરવાનગી આપવામાં આવી છે, જેથી લાંબી પરીક્ષા દરમ્યાન તેમની હેલ્થ જળવાઈ રહે.
1,38,560- ભારત અને વિદેશના મળીને કુલ ૯૫,૦૦૦થી વધુ એક્ઝામ-રૂમ્સમાં આટલા CCTV કૅમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કૅમેરાના લાઇવ ફીડનું માત્ર રાષ્ટ્રીય અને મંત્રાલયના સ્તરે જ મૉનિટરિંગ નહીં થાય, પરંતુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સ દ્વારા પર નજર રખાશે.
51,311 - કોઈ પણ ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ કામ ન કરે એ માટે આટલાં હાઈ-ટેક જૅમર્સ ઍક્ટિવ કરી દેવામાં આવ્યાં છે.
શનિવારે યોજાઈ સઘન મૉક-ડ્રિલ
ગઈ કાલે શનિવારે દેશભરમાં એક વ્યાપક અને સઘન મૉક-ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૉક-ડ્રિલનો મુખ્ય હેતુ તમામ પરીક્ષાકેન્દ્રો પર સુરક્ષાવ્યવસ્થા, ટેક્નિકલ સજ્જતા અને વિવિધ સરકારી એજન્સીઓ વચ્ચેના પરસ્પર તાલમેલની આખરી ચકાસણી કરવાનો હતો. નવી દિલ્હીસ્થિત નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના મુખ્ય મથક ખાતે પણ સુરક્ષાવ્યવસ્થા અભેદ્ય બનાવી દેવાઈ હતી અને કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકો યોજી આખરી તૈયારીઓની સમીક્ષા કરી હતી.
પરીક્ષાની ગોપનીયતા જાળવવા માટે ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રશ્નપત્રો અને સંવેદનશીલ સામગ્રીના પરિવહન માટે ભારતીય વાયુસેનાનાં વિમાનોની મદદ લેવામાં આવી હતી. દેશભરમાં લોખંડી સુરક્ષા જાળવવા માટે બે લાખથી વધુ પોલીસ જવાનો અને જિલ્લા વહીવટી સ્ટાફને તહેનાત કરાયો છે. આ ઉપરાંત, સમગ્ર પ્રક્રિયા પર સીધી નજર રાખવા માટે ૬૭૪ સિટી કોઑર્ડિનેટર્સ અને ૬૬૬૯ ખાસ ઑબ્ઝર્વર્સ મેદાનમાં ઉતારાયા છે. પેપર-કૌભાંડ રોકવા માટે આ વખતે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) સજ્જ વાહનો, કન્ટ્રોલ રૂમ સાથે સીધું જોડાયેલું CCTV લાઇવ મૉનિટરિંગ અને અત્યાધુનિક ડિજિટલ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશન જેવી મલ્ટિ-લેયર્ડ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
NEET-UGના નાગપુરના વિદ્યાર્થીનું સેન્ટર અબુ ધાબીમાં કેવી રીતે આવ્યું?
નાગપુરના એક વિદ્યાર્થીને આજે યોજાનારી નૅશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ની રીએક્ઝામ માટે અબુ ધાબી (UAE)નું સેન્ટર ફાળવવામાં આવતાં મોટો વિવાદ ઊભો થયો હતો. વિદ્યાર્થીના પિતા મોહમ્મદ તાલિબે જણાવ્યું હતું કે તેમની પાસે પાસપોર્ટ પણ નથી અને આટલા ટૂંકા સમયમાં વિદેશ જવાની વ્યવસ્થા શક્ય નથી. આ મુદ્દે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પર આકરા પ્રહારો કરતાં એને દેશના યુવાનોના સમય અને માનસિક શાંતિની જબરદસ્તી વસૂલાત ગણાવી હતી. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન ડૉ. અનીસ અહમદે પણ આને એજન્સીની ગંભીર બેદરકારી ગણાવી હતી.
જોકે આ વિવાદ પર વળતો પ્રહાર કરતાં NTAના અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે આ કોઈ તકનીકી ભૂલ નથી, પરંતુ વિદ્યાર્થીએ પોતે જ પોર્ટલ પર સેન્ટર બદલ્યું હતું. એજન્સીના સત્તાવાર રેકૉર્ડ અનુસાર ૨૧ મેએ નાગપુરના જ એક ઇન્ટરનેટ પ્રોટોકૉલ (IP) ઍડ્રેસ પરથી પ્રોફાઇલ લૉગ-ઇન કરીને પ્રથમ પસંદગી તરીકે અબુ ધાબી શહેર પસંદ કરવામાં આવ્યું હતું. આ જ IP ઍડ્રેસથી અગાઉ ૩ મેની પરીક્ષાનું ઍડ્મિટ કાર્ડ પણ ડાઉનલોડ થયું હતું. હાલમાં વિવાદને જોતાં વિદ્યાર્થીને નાગપુરમાં જ નવું સેન્ટર ફાળવી દેવાયું છે, પરંતુ આ ફેરફાર કોઈ અન્ય વ્યક્તિએ અકાઉન્ટ હૅક કરીને કર્યો છે કે કેમ એની ઊંડી તપાસ સાઇબર ટીમ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ રીએક્ઝામ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા અને ચુસ્ત બાયોમેટ્રિક સુરક્ષા વચ્ચે યોજાવાની છે.
NEET-UG 2026 પરીક્ષાના દિવસ માટેની માર્ગદર્શિકા અને સૂચનાઓ
પરીક્ષાકેન્દ્રનો સમય પરીક્ષાકેન્દ્ર પરીક્ષા શરૂ થવાના અઢી કલાક પહેલાં સવારે ૧૧:૩૦ વાગ્યે ખૂલી જશે.
પ્રવેશની અંતિમ સમયમર્યાદા યાદ રાખો, બપોરે ૧:૩૦ વાગ્યા પછી કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં, એથી કેન્દ્ર પર વહેલા પહોંચવાનો પ્રયત્ન કરો.
આવશ્યક દસ્તાવેજો અને વસ્તુઓ તમારી સાથે NEET 2026નું ઍડ્મિટ કાર્ડ, પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો લગાવેલું પ્રોફોર્મા અને અટેન્ડન્સ શીટ (હાજરીપત્રક) માટે વધારાના પાસપોર્ટ સાઇઝના ફોટો રાખવા અનિવાર્ય છે.
ઍડ્મિટ કાર્ડ ફરજિયાત પરીક્ષાકેન્દ્રમાં પ્રવેશવા માટે ઍડ્મિટ કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે, એના વગર પ્રવેશ મળી શકશે નહીં.
નિયમો અને શિસ્ત ઍડ્મિટ કાર્ડમાં આપવામાં આવેલી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું અને પરીક્ષા ખંડની અંદર સંપૂર્ણ શિસ્ત જાળવવી મહત્ત્વપૂર્ણ છે.
સામાનની જવાબદારી તમારી અંગત ચીજવસ્તુઓ (જેમ કે બૅગ વગેરે) સાચવવાની તૈયારી રાખવી, કારણ કે પરીક્ષાકેન્દ્ર પર સામાન રાખવા માટે કોઈ સ્ટોરેજ સુવિધા આપવામાં આવશે નહીં.
ડ્રેસકોડનું પાલન ઍડ્મિટ કાર્ડમાં જણાવેલા ડ્રેસકોડનું ખાસ પાલન કરો, જેની વિગતો NEETની સત્તાવાર વેબસાઇટ પરથી પણ મેળવી શકાય છે.
રોલનંબરની ચકાસણી તમારી સીટ (બેઠક) પર લખેલો રોલનંબર તમારા ઍડ્મિટ કાર્ડ પરના નંબર સાથે બરાબર મેળ ખાય છે કે નહીં એ અચૂક તપાસી લો.
પરીક્ષાકેન્દ્રો પર ઉપલબ્ધ સુવિધાઓ
પાયાની સુવિધાઓ દરેક પરીક્ષાખંડમાં પ્રૉપર લાઇટિંગ, પંખા અથવા ACની સુવિધા સાથે યોગ્ય વેન્ટિલેશન અને લખવા માટે આરામદાયક બેન્ચની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પાવરકટની સ્થિતિને પહોંચી વળવા માટે મજબૂત પાવર બૅકઅપ રાખવામાં આવશે.
સ્ટેશનરી અને પાણી OMR શીટ ભરવા માટે જરૂરી બ્લુ અથવા બ્લૅક બૉલપૉઇન્ટ પેન પરીક્ષાકેન્દ્ર દ્વારા જ પૂરી પાડવામાં આવશે. ઉમેદવારોને બહારથી પેન લાવવાની મનાઈ છે. જોકે ઉમેદવારો પોતાના માટે પારદર્શક પાણીની બૉટલ પરીક્ષાખંડમાં લઈ જઈ શકશે.
સમય જોવા માટે વ્યવસ્થા પરીક્ષા દરમ્યાન સમયનું ધ્યાન રાખવા માટે મોટા ભાગના રૂમમાં દીવાલ ઘડિયાળ લગાવવામાં આવી છે. ખાસ નોંધનીય છે કે ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની કાંડાઘડિયાળ પહેરીને અંદર જવાની સખત મનાઈ છે.
પ્રાથમિક સારવાર પરીક્ષા દરમ્યાન કોઈ પણ તબીબી કટોકટી કે અચાનક તબિયત બગડવાની સ્થિતિમાં તાત્કાલિક સારવાર માટે દરેક કેન્દ્ર પર બેઝિક ફર્સ્ટ એઇડની સુવિધા હાજર રહેશે.
દિલ્હીના જંતરમંતર પર CJPએ લગાવેલું પોસ્ટર.
ગઈ કાલે દિલ્હીના જંતરમંતર પર વિરોધ-પ્રદર્શન કરવા એકઠા થયેલા કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શનકર્તાઓએ થાળી-ચમચી વગાડીને શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ડિમાન્ડ કરી હતી. તેમને સાંજે સાત વાગ્યા સુધી પ્રદર્શન કરવાની પરવાનગી મળી હતી એટલે એ પછી પોલીસે શાંતિપૂર્વક લોકોને ત્યાંથી હટાવવાનું શરૂ કર્યું હતું. મોટા ભાગના લોકો ત્યાંથી વિખેરાઈ ગયા હતા, પરંતુ CJPના ફાઉન્ડર અભિજિત દીપકે અને તેના સહયોગીઓ મોડી રાત સુધી ત્યાં જ અડગ રહ્યા હતા. મોડી રાતે પોલીસે લાઇટો બંધ કરવાની શરૂઆત કરી હતી અને CJPના કાર્યકર્તાઓએ ભીડ દ્વારા એકઠા થયેલા કચરાને ઉપાડીને જવાબદાર પ્રદર્શનકારી હોવાનું જતાવ્યું હતું.