જેન-ઝી પ્રોટેસ્ટ હૈ યે : થોડા ક્રિકેટ હોગા, થોડા આંદોલન

22 June, 2026 02:27 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સતત બીજા દિવસે પણ યુવા-પ્રદર્શનકારીઓનો મોરચો યથાવત્: જંતરમંતર પર કૉક્રૉચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજિત દીપકેએ ક્રિકેટ રમતો વિડિયો શૅર કરીને યુવાનોને હાકલ કરી

કૉક્રૉચ જનતા પાર્ટીના સમર્થકોએ બીજા દિવસે પણ રોડ પર પોસ્ટર્સ પાથરીને જંતરમંતર પર પ્રદર્શન કર્યું હતું.

નૅશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીક મામલે શરૂ થયેલું આંદોલન સતત બીજા દિવસે પણ યથાવત્ રહ્યું હતું. કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ પરીક્ષા શરૂ થતાં પહેલાં વિદ્યાર્થીઓને શુભકામના આપવાની સાથે-સાથે એક વિડિયો શૅર કર્યો હતો. જેમાં તે જંતરમંતર પર ક્રિકેટ રમતો હતો. એ વિડિયો સાથે CJPના સોશ્યલ મીડિયામાં લખ્યું હતું, ‘કૉક્રૉચીઝ સુબહ હો ગઈ હૈ, આ જાઓ જંતરમંતર. જેન-ઝી પ્રોટેસ્ટ હૈ યે, થોડા ક્રિકેટ હોગા થોડા આંદોલન. ’ 

CJPએ ખેડૂતો પાસે પણ સમર્થન માગ્યું હતું અને પ્રદર્શનમાં તંત્ર દ્વારા થતી પરેશાની મામલે પણ સવાલો ઉઠાવ્યા હતા. સ્થાનિક તંત્ર ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ મોરચો ખોલ્યો હતો. આ સાથે જ દિલ્હીના જંતરમંતર ખાતે ચાલી રહેલું વિરોધ-પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું છે. 

આંદોલનનો બીજો દિવસ : CJPના નેતૃત્વમાં શનિવારે શરૂ થયેલું આ અનિશ્ચિત મુદતનું આંદોલન ગઈ કાલે બીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું, જેમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ જંતરમંતર પર યથાવત્ છે. આ ઉપરાંત અભિજિત દીપકેએ સમગ્ર દેશના ખેડૂતો પાસે પણ સમર્થન માગ્યું છે. તેમણે ખેડૂતોને મોટા પ્રમાણમાં જંતરમંતર ખાતે આવવા માટે આહવાન કર્યું છે. 
રાજીનામાની મક્કમ માગણી : CJPના સ્થાપક અભિજિત દીપકેએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેઓ આ સ્થળ છોડશે નહીં અને આખી રાત પ્રદર્શન ચાલુ રાખશે. જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણપ્રધાનપદેથી નહીં હટાવે તો તે ઇતિહાસના સૌથી અસમર્થ વડા પ્રધાન સાબિત થશે.

થાળી-ચમચી અને મીમ્સ પ્રોટેસ્ટ : આ યુવા આંદોલનમાં વિદ્યાર્થીઓ કોવિડ સમયની યાદ અપાવતા હાથમાં થાળી અને ચમચી વગાડીને અનોખો વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત ‘ગોપી વહુ’ અને ‘#Melodi’ જેવાં પૉપ કલ્ચર મીમ્સ ધરાવતાં પોસ્ટર્સ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

સોનમ વાંગચુકનું સમર્થન : જાણીતા પર્યાવરણવાદી સોનમ વાંગચુકે પણ પ્રદર્શનમાં જોડાઈને ચેતવણી આપી છે કે જો સરકારે શિક્ષણપ્રધાન સામે પગલાં ન લીધાં તો તેઓ ૨૭ જૂનથી ભૂખહડતાળ પર ઊતરશે. 

પ્રશાસન સામે આક્ષેપ : પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો છે કે તેમને નબળા પાડવા માટે વહીવટી તંત્રે વિરોધ સ્થળનાં જાહેર શૌચાલયોમાં લગભગ ૪ કલાક સુધી પાણીનો પુરવઠો બંધ કરી દીધો હતો અને રાત્રે ભોજન લાવવામાં પણ અડચણો ઊભી કરી હતી.

જંતરમંતર પર કૉક્રૉચ ક્રિકેટ : અભિજિત દીપકે પ્રદર્શનકારીઓ સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. CJP દ્વારા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર શૅર કરાયેલા વિડિયોમાં તેઓ આંદોલન વચ્ચે નાનો બ્રેક લઈને ક્રિકેટની મજા માણતા દેખાયા હતા. આ અનોખા પ્રયાસનો મુખ્ય હેતુ જેન-ઝી અને યુવાનોને આંદોલન તરફ આકર્ષિત કરવાનો છે.

national news india cockroach janata party abhijit dipake delhi news new delhi neet exam