NEET-UGની રીએક્ઝામ શાંતિપૂર્વક સંપન્ન

22 June, 2026 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશનાં મોટા ભાગનાં રાજ્યોના વિદ્યાર્થીઓના મતે આ વખતનું પેપર અગાઉના પ્રયાસ કરતાં ઘણું અઘરું રહ્યું હતું

દેશનાં વિવિધ પરીક્ષાકેન્દ્રોમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓના વાળની પિનથી લઈને જૂતાં સુધ્ધાંની તપાસ કરવામાં આવી હતી.

નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના ડિરેક્ટર જનરલ અભિષેક સિંહે જણાવ્યું હતું કે રવિવારે યોજાયેલી નૅશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ની પુનઃ પરીક્ષા ચુસ્ત સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ હતી અને પેપર-લીકની કોઈ ફરિયાદ મળી નથી. દેશનાં ૫૪૪૦ તથા વિદેશનાં ૧૪ સેન્ટર પર ૨૦ લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
દેશનાં મોટા ભાગનાં રાજ્યોના વિદ્યાર્થીઓના મતે આ વખતનું પેપર અગાઉના પ્રયાસ કરતાં ઘણું અઘરું રહ્યું હતું. ખાસ કરીને ફિઝિક્સ સેક્શન અત્યંત પડકારજનક, ફૉર્મ્યુલા-આધારિત અને સમય માગી લે એવું રહ્યું હતું. એની સરખામણીમાં બાયોલૉજીનું પેપર સરળથી મધ્યમ અને કેમિસ્ટ્રીનું પેપર મૅનેજેબલ રહ્યું હતું. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ફિઝિક્સે તેમની 
ટાઇમ-મૅનેજમેન્ટ સ્કિલની આકરી પરીક્ષા લીધી હતી.

હડતાળ વચ્ચે વિદ્યાર્થીઓ માટે દોડી BESTની બસ

બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગના કર્મચારીઓની હડતાળના ત્રીજા દિવસે NEET-UGના વિદ્યાર્થીઓ માટે ૧૮૦ સ્પેશ્યલ બસ-ટ્રિપ્સ ઑપરેટ કરવામાં આવી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા મુજબ મુંબઈનાં ૬૩ પરીક્ષાકેન્દ્રો પર વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકે એ માટે ૨૪ રૂટો પર ૬૦ બસ દોડાવવામાં આવી હતી.

હૈદરાબાદમાં ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

હૈદરાબાદના મિયાપુરમાં પોતાની બહેનો સાથે રહેતી NEET-UGની તૈયારી કરતી ૧૯ વર્ષની એક વિદ્યાર્થિનીએ શનિવારે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પ્રાથમિક તપાસના આધારે પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી એક સુસાઇડ-નોટ મળી હતી, જેમાં તેણે પોતાના મોત માટે કોઈને જવાબદાર ગણાવ્યા નહોતા.

હિસારની વિદ્યાર્થિનીએ પરીક્ષા પહેલાં કર્યો આપઘાત

રવિવારે સવારે ૧૧ વાગ્યે પરીક્ષાના થોડા કલાકો પહેલાં જ એક વિદ્યાર્થિનીએ ઘરે જંતુનાશક દવા પી લીધી હતી. મૂળ હિસારની અને રાજસ્થાનના સીકરમાં પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થિનીનો આ ત્રીજો પ્રયાસ હતો. તે પ્રથમ પ્રયાસમાં અસફળ રહી હતી, જ્યારે પેપર-લીક વિવાદને કારણે તેનો બીજો પ્રયાસ રદ થયો હતો.

ગંભીર ઈજા છતાં કલકત્તાની સૃષ્ટિ દુબેએ આપી પરીક્ષા

માર્ગ-અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થવા છતાં કલકત્તાની વિદ્યાર્થિની સૃષ્ટિ દુબેએ પરીક્ષા આપી હતી. તેના માટે પરીક્ષા સેન્ટર પર વિશેષ મેડિકલ અને સુરક્ષા-વ્યવસ્થા કરવામાં આવી હતી એટલે તે આ પરીક્ષામાં સફળતાપૂર્વક સામેલ થઈ શકી હતી.

બુરખો મહત્ત્વનો, પરીક્ષા નહીં
અજમેરમાં પરીક્ષામાં પહોંચેલી કુલસુમ બાનો નામની એક વિદ્યાર્થિનીએ બુરખો પહેર્યો હોવાથી પ્રવેશવા દેવાનો ઇનકાર કરી દેવાયો હતો એટલે આ વિદ્યાર્થિની પરીક્ષા છોડવા તૈયાર થઈ ગઈ હતી. જોકે દરમ્યાન એક અધિકારીએ નિયમના મામલે કોઈ ગૂંચવાડો થયો હોવાની માહિતી સાથે તેને પરીક્ષાકેન્દ્રમાં પ્રવેશ આપ્યો હતો. જોકે વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે મારા માટે મારો બુરખો મહત્ત્વનો છે, નહીં કે પરીક્ષા.

NEET-UGની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓની હેરાનગતિ ન થાય એ માટે નરેન્દ્ર મોદીએ ઍરપોર્ટ પર ૪૫ મિનિટ રાહ જોઈ
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે દિલ્હી ઍરપોર્ટ પર ૪૫ મિનિટ રોકાઈ ગયા હતા, કારણ કે વિદ્યાર્થીઓ નૅશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ની પુનઃ પરીક્ષા આપવા માટે તેમનાં પરીક્ષાકેન્દ્રો પર જઈ રહ્યા હતા. આ પગલાનો હેતુ ટ્રાફિક સુવ્યવસ્થિત રાખવાનો અને ઉમેદવારોને તેમનાં કેન્દ્રો પર જતા કોઈ પણ વિક્ષેપને ટાળવાનો હતો. વડા પ્રધાન બપોરે ૧.૧૫ વાગ્યે દિલ્હી ઍરપોર્ટ પર પહોંચ્યા હતા. NEET-UG બપોરે બે વાગ્યે શરૂ થવાની હોવાથી તેઓ તાત્કાલિક તેમના નિવાસસ્થાને જવાને બદલે તેમણે ઍરપોર્ટ પર જ રહેવાનું પસંદ કર્યું હતું. રાજધાનીમાં ટ્રાફિકની અવરજવર એ મહત્ત્વપૂર્ણ સમયગાળા દરમ્યાન સુગમ રહે એ સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. NEET-UGની પુનઃ પરીક્ષા બપોરે બે વાગ્યે શરૂ થયા પછી વડા પ્રધાન ઍરપોર્ટથી તેમના નિવાસસ્થાન માટે રવાના થયા હતા.
national news india neet exam indian government bihar Education hyderabad hisar