નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ

07 July, 2025 06:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

CBI-EDએ પ્રત્યર્પણની વિનંતી કરી હતી : નીરવ મોદીનાં કાળાં નાણાંને સફેદ કરવા અને છુપાવવામાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા, PNB-કૌભાંડમાં વૉન્ટેડ છે : ૧૭ જુલાઈએ પ્રત્યર્પણની વિનંતી વિશે કોર્ટમાં સુનાવણી

નેહલ મોદી

હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદીના નાના ભાઈ નેહલ મોદીની ૪ જુલાઈએ અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે નેહલ મોદીની ધરપકડની પુષ્ટિ કરી છે. ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની પ્રત્યર્પણની વિનંતી બાદ અમેરિકન અધિકારીઓ દ્વારા તેની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. નેહલ સામે ન્યુ યૉર્કમાં ૨.૬ મિલ્યન ડૉલર (આશરે ૨૨.૨૩ કરોડ રૂપિયા)થી વધુની છેતરપિંડીનો આરોપ છે.

મૅનહટન સ્થિત હોલસેલ કંપની LLD ડાયમન્ડ્સ USA પાસેથી છેતરપિંડીથી ૨.૬ મિલ્યન ડૉલરના હીરા મેળવવા બદલ નેહલને ૨૦૨૨માં અમેરિકાની કોર્ટે ૩થી ૯ વર્ષની જેલની સજા ફટકારી હતી. તે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના પંજાબ નૅશનલ બૅન્ક (PNB) કૌભાંડમાં પણ આરોપી છે.

કાળાં નાણાંને સફેદ કરવામાં ભૂમિકા

નેહલ મોદી ભારતના સૌથી મોટા બૅન્કિંગ-કૌભાંડોમાંના એક PNB-કૌભાંડમાં વૉન્ટેડ છે. તેણે પોતાના ભાઈ નીરવ મોદી માટે કાળાં નાણાંને સફેદ કરવામાં અને છુપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ED અને CBI-તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે નેહલ મોદીએ ઘણી બોગસ કંપનીઓ દ્વારા વિદેશમાં મોટી માત્રામાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં. એનો હેતુ છેતરપિંડી દ્વારા કમાયેલાં નાણાંને ટ્રેકથી દૂર રાખવાનો હતો.

આગામી સુનાવણી ૧૭ જુલાઈએ

નેહલ મોદીના પ્રત્યર્પણની સુનાવણીની આગામી તારીખ ૧૭ જુલાઈ નક્કી કરવામાં આવી છે. એ દિવસે અમેરિકન કોર્ટમાં સ્ટેટસ-કૉન્ફરન્સ થશે. એવી અપેક્ષા છે કે નેહલ મોદી પણ તે દિવસે જામીન માટે અરજી કરશે, પરંતુ અમેરિકન સરકારના વકીલો એનો વિરોધ કરશે. ભારત સરકાર નેહલ મોદીને શક્ય એટલી વહેલી તકે ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે, જેથી તેના પર દેશના કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે.

બે આરોપો પર પ્રત્યર્પણની કાર્યવાહી

અમેરિકન પ્રોસિક્યુશન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર બે આરોપોના આધારે પ્રત્યર્પણની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલો આરોપ મની-લૉન્ડરિંગનો છે જે ભારતના પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ, ૨૦૦૨ની કલમ ત્રણ હેઠળ આવે છે. બીજો આરોપ ગુનાહિત કાવતરાનો છે જે ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ 120-B અને 201 હેઠળ નોંધાયેલો છે.

Nirav Modi central bureau of investigation crime news united states of america international news news world news directorate of enforcement reserve bank of india