ફ્રૉડના નવા પ્રકારથી સાવધાન

21 February, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજાણ્યા નંબર પરથી ફોન આવે અને બીજો ફોન મર્જ કરવાની માગણી કરે તો ચેતી જજો

પ્રતીકાત્મક તસવીર

ઑનલાઇન છેતરપિંડીમાં એક નવી મોડસ ઑપરૅન્ડી બહાર આવી છે જેમાં લોકોને ફોન મર્જ કરવાનું કહેવામાં આવે છે અને આમ કરતી વખતે ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન દ્વારા નાણાં કપાઈ જતાં જોવા મળે છે. સરકારે આવી છેતરપિંડીથી બચવા માટે લોકોને જણાવ્યું છે. આવા ફોનમાં યુઝરને ખબર ન પડે એમ જનરેટ થતો વન ટાઇમ પાસવર્ડ (OTP) ફ્રૉડ કરનારા સુધી પહોંચી જાય છે અને તેના ખાતામાંથી રકમ કપાઈ જાય છે.

આ સંદર્ભમાં નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)એ તૈયાર કરેલી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ના મુદ્દે ગ્રાહકોને ચેતવણી આપતાં કહેવામાં આવ્યું છે કે સ્કૅમ કરનારા લોકો હવે તમને ફોન કરીને બીજા એક નંબર સાથે ફોન મર્જ કરવા કહે છે અને એના દ્વારા તેમને OTP મળી જાય છે. આવું કરશો નહીં, તમારાં નાણાં સુરક્ષિત રાખો. 

કેવી રીતે કામ કરે છે?

આ સ્કૅમમાં ફોનધારકને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે છે અને સામેની વ્યક્તિ એમ કહે છે કે તમારા મિત્ર પાસેથી તમારો નંબર તેને મળ્યો છે. ત્યાર બાદ તે વ્યક્તિ એમ કહે છે કે તમારો મિત્ર બીજા કોઈ નંબરથી તમને ફોન કરે છે અને એ ફોન તમારે આ ફોન સાથે મર્જ કરવાનો છે. એક વાર ફોનધારક ફોન મર્જ કરે એટલે તેની જાણ બહાર બૅન્કમાંથી આવતો OTP સામે છેડે ફોન કરનાર વ્યક્તિને મળી જાય છે. આવું સ્કૅમ કરનારા લોકો એટલા સચોટ ટાઇમિંગ સાથે ફોન કરતા હોય છે કે છેતરપિંડીનો ભોગ બનનારી વ્યક્તિ અજાણતાં જ OTP શૅર કરી દેતી હોય છે. OTP આપવામાં આવતાંની સાથે જ બૅન્ક-ટ્રાન્ઝૅક્શન થઈ જાય છે અને છેતરપિંડીનો ભોગ બનનારને એની જાણ પણ થતી નથી અને તેની બૅન્કમાંથી નાણાં કપાઈ જાય છે.

કેવી રીતે બચવું?

આ સંદર્ભમાં UPIએ સેફ્ટી ટિપ્સ શૅર કરી છે. અજાણ્યા નંબર પરથી આવતા ફોન સાથે ક્યારે પણ કોઈ નંબર સાથેનો ફોન મર્જ કરશો નહીં. સામે છેડે કોણ બોલી રહ્યું છે એની ખાતરી કરી લેવી વધારે જરૂરી છે. સામે છેડે બૅન્કમાંથી કોઈ હોય તો પણ એની આઇડે​ન્ટિટી ચેક કરી લેવી જરૂરી છે. જો તમને એમ લાગે કે તમારી સાથે OTP સંદર્ભની છેતરપિંડી થઈ છે તો તાત્કાલિક તમે ૧૯૩૦ નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો. આમ તમે બૅન્કને સાવચેત કરી શકો છો, જે જરૂરી પગલાં લઈ શકે છે.

national news india cyber crime Crime News social media