કૉન્ગ્રેસ સત્તામાં આવી તો કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦નો નિર્ણય બદલાશે: દિગ્વિજય સિંહ

13 June, 2021 01:30 PM IST  |  New Delhi | Agency

ક્લબ હાઉસ ચેટનો એક ઑડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કૉન્ગ્રેસના નેતા અને રાજ્યસભાના સંસદસભ્ય દિગ્વિજય સિંહે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-૩૭૦ હટાવવાના નિર્ણય પર બોલી રહ્યા છે.

દિગ્વિજય સિંહ

ક્લબ હાઉસ ચેટનો એક ઑડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કૉન્ગ્રેસના નેતા અને રાજ્યસભાના સંસદસભ્ય દિગ્વિજય સિંહે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-૩૭૦ હટાવવાના નિર્ણય પર બોલી રહ્યા છે. તેમના કથિત ઑડિયોમાં તે બોલી રહ્યા છે કે અહીંથી જ્યારે આર્ટિકલ-૩૭૦ હટાવવામાં આવી ત્યારે લોકશાહીનાં મૂલ્યોનું પાલન કરવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત કાશ્મીરિયત પણ રાખવામાં આવી નથી. બધાને એક અધારું ધરાવતા રૂમમાં પૂરવામાં આવ્યા. જો કૉન્ગ્રેસ સરકાર સત્તામાં આવી તો અમે આ નિર્ણય બાબતે ફરીથી વિચારીશું અને આર્ટીકલ-૩૭૦ને લાગુ કરીશું.

દિગ્વિજય દેશ-વિદેશના કેટલાક પત્રકારો સાથે વર્ચ્યુઅલી વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનના પત્રકાર શાહજેબ જિલ્લાનીએ કલમ-૩૭૦ સાથે જોડાયેલો એક સવાલ કૉન્ગ્રેસ જનરલ સેક્રેટરીને પૂછ્યો. જિલ્લાનીએ પૂછ્યું હતું કે જ્યારે હાલની સરકાર જશે અને ભારતને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી બીજા વડા પ્રધાન મળશે ત્યારે કાશ્મીર પર આગળનો રસ્તો શું હશે? મને ખ્યાલ છે કે હાલ ભારતમાં જે થઈ રહ્યું છે એના કારણે તે ખતમ થવાની નજીક છે. જોકે આ એક એવો મુદ્દો છે, જે બંને દેશોની વચ્ચે આટલા લાંબા સમયથી છે.

કૉન્ગ્રેસનો પહેલો પ્રેમ પાકિસ્તાન : ગિરિરાજ સિંહ
દિગ્વિજય સિંહની ક્લબ હાઉસ ચેટ લીક થયા બાદ કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે વાઇરલ ચેટ ટ્વીટ કરતાં કહ્યું કે ‘કૉન્ગ્રેસનો પહેલો પ્રેમ પાકિસ્તાન છે. દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીનો સંદેશ પાકિસ્તાન સુધી પહોંચાડ્યો છે. કૉન્ગ્રેસ કાશ્મીરને હડપવામાં પાકિસ્તાનની મદદ કરશે.

national news digvijaya singh jammu and kashmir