29 July, 2026 07:38 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશના કરોડો મોટરિસ્ટો માટે સારા સમાચાર છે. તેમને દર વર્ષે કઢાવવું પડતું પૉલ્યુશન અન્ડર કન્ટ્રોલ (PUC) સર્ટિફિકેટ દર ૩ વર્ષે કઢાવવાની સુવિધા મળે એવો પ્રસ્તાવ છે. ૬ વર્ષ જૂનાં ભારત સ્ટેજ નૉર્મ્સ BS6 (BS-VI) પ્રાઇવેટ વાહનો માટે આ પ્રસ્તાવ છે. કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવે મંત્રાલયે આ માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે અને એના નિયમોમાં બદલાવ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
આ પ્રસ્તાવ અનુસાર ૬ વર્ષ જૂનાં વાહનોને દર ૩ વર્ષે, છથી ૧૦ વર્ષ જૂનાં વાહનોને દર વર્ષે અને ૧૦ વર્ષથી વધુ જૂનાં વાહનોને દર ૬ મહિને અને BS-I, BS-II અને BS-III વાહનો માટે દર ૩ મહિને PUC સર્ટિફિકેટ કઢાવવાનો પ્રસ્તાવ છે.
આ પ્રસ્તાવ હેઠળ BS-VI કમર્શિયલ વ્હીકલ માટે અલગ વિકલ્પનો પ્રસ્તાવ છે. ૬ વર્ષ જૂનાં કમર્શિયલ, ગુડ્સ કૅરિયર BS-VI ધરાવતાં વાહનો માટે PUC સર્ટિફિકેટ બે વર્ષ માટે હશે; જ્યારે ૬-૧૦ વર્ષ જૂનાં કમર્શિયલ વ્હીકલ માટે એ દર વર્ષે અને ૧૦ વર્ષ કરતાં જૂનાં વાહનો માટે દર ૬ મહિને PUC સર્ટિફિકેટ કઢાવવું પડશે. સરકારે આ માટેનું નોટિફિકેશન બહાર પાડીને વાંધાવચકા, સૂચનો મગાવ્યાં છે. એ પછી સરકાર એના પર અંતિમ નિર્ણય લેશે.