14 October, 2026 08:40 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હૈદરાબાદ પોલીસે વૉટ્સઅૅપ પર ચાલતા એક એવા કૌભાંડ વિશે ચેતવણી આપી છે જેમાં છેતરપિંડી કરનારાઓ નકલી મેસેજ મોકલે છે. આ મેસેજમાં લખ્યું હોય છે કે તમારા ખાતામાંથી પૈસા ડેબિટ થયા છે, જો તમે આ વ્યવહાર ન કર્યો હોય તો ‘NO’ લખીને જવાબ આપો. મેસેજ મેળવનારી વ્યક્તિ ગભરાટમાં આવીને ‘NO’ લખીને જવાબ આપે છે ત્યારે એનાથી માલવેર અટૅક સક્રિય થાય છે, જેના દ્વારા હૅકર્સ ફોનનું નિયંત્રણ મેળવી લે છે અને પૈસા ચોરી લે છે. આ કૌભાંડમાં એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે (CA) લાખો રૂપિયા ગુમાવી દીધા હતા. હૈદરાબાદના પોલીસ-કમિશનર વી.સી. સજ્જનારે ૧૨ ઑક્ટોબરે આ નવા સાઇબર કૌભાંડ વિશે જનતાને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મને તાજેતરમાં સાઇબર ક્રાઇમના એક નવા પ્રકાર વિશે જાણવા મળ્યું છે જેના દ્વારા એક CA સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.
શું કરવું અને શું ન કરવું?
કમિશનરે સૌને અપીલ કરી હતી કે બૅન્ક-વ્યવહારો વિશે અજાણ્યા નંબર પરથી આવતા સંદેશાઓનો જવાબ હા (YES) કે ના (NO)માં ન આપવો. ગભરાટમાં આવીને જવાબ આપવાને બદલે આવા નંબરોને બ્લૉક કરી દેવા જોઈએ અને તેમની સાથેની ચૅટ ડિલીટ કરી દેવી જોઈએ. આવા શંકાસ્પદ સંદેશાઓનો જવાબ આપવાને બદલે બૅન્કિંગ ઍપ પર સીધી તપાસ કરવી જોઈએ કે ખરેખર કોઈ રકમ કપાઈ છે કે નહીં.
કોઈ પણ અધિકૃત બૅન્ક વૉટ્સઅૅપ દ્વારા આવી માહિતી માગતી નથી. જો તમે આ કૌભાંડનો ભોગ બનો તો વિલંબ કર્યા વિના ‘ગોલ્ડન અવર’ દરમ્યાન સાઇબર હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરો અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.