05 January, 2026 11:15 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
થીજેલી ભાગીરથી નદી.
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં રવિવારે તાપમાન માઇનસ ડિગ્રીએ જતું રહ્યું હતું. ઉત્તર કાશીના ગંગોત્રીમાં તો સૌથી ઓછું તાપમાન માઇનસ બાવીસ ડિગ્રી પહોંચવાથી ભાગીરથી નદી થીજી ગઈ હતી. રાજસ્થાનમાં પાંચ જિલ્લાઓમાં શીતલહરને કારણે ધુમ્મસ છવાઈ ગયું હતું. રાજસ્થાનના માઉન્ટ આબુમાં સતત ત્રીજા દિવસે પારો ઝીરો ડિગ્રી પર હતો. દિલ્હીમાં રવિવારે ઘેરા ધુમ્મસને કારણે ૧૧૭ ફ્લાઇટ્સ મોડી પડી હતી.
બે સાધ્વીઓ પર બળાત્કારના ગુના બદલ કુલ વીસ વર્ષની જેલની સજા પામેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને ફરીથી ૪૦ દિવસના પરોલ મંજૂર થઈ ગયા છે. રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. ૨૦૨૫માં રામ રહીમ ત્રણ વાર જેલની બહાર આવ્યો હતો અને હાલમાં પંદરમી વાર તેને ૪૦ દિવસના પરોલ મળ્યા છે.
ભાંડુપમાં સ્ટેશન પાસે BESTની બસ રિવર્સ લેતી વખતે લોકો પર ફરી વળવાની ઘટના હજી તાજી જ છે. એ વખતે એવો પણ આક્ષેપ થયો હતો કે ગેરકાયદે બેસતા ફેરિયાઓને કારણે ત્યાં જગ્યા સાંકડી થઈ ગઈ હતી એટલે લોકોએ પણ રસ્તા પર જ ચાલવું પડતું હોવાથી અકસ્માત થયો હતો. જોકે આવી જ સિચુએશન દાદર-વેસ્ટમાં સ્ટેશન પાસે રોજ જોવા મળે છે. આવી પરિસ્થિતિ અકસ્માતને આમંત્રણ આપે છે એમ અનેક રાહદારીઓનું કહેવું છે. તસવીર : આશિષ રાજે