News In Short : ભારતનાં ૯૧ ટકા ગામોમાં સહકારી મંડળીઓ : અમિત શાહ

26 September, 2021 12:03 PM IST  |  New Delhi | Agency

આઝાદીના અમૃત મહોત્સવમાં નવી સહકારી નીતિ બનાવવાની અમે શરૂઆત કરીશું. તેમણે કહ્યું કે ભારત સરકારનું સહકારી મંત્રાલય દરેક રાજ્યોને સાથે લઈને ચાલવામાં માને છે. 

અમિત શાહ (ફાઇલ તસવીર)

કૃષિ ક્ષેત્રમાં સરકારની સફળતા ગણાવતાં ગૃહપ્રધાને કહ્યું કે છેલ્લાં સાત વર્ષમાં મોદીજી ઘણાં પરિવર્તન લાવ્યાં છે. ૨૦૦૯-૧૦માં કૃષિ બજેટ ૧૨,૦૦૦ કરોડ રૂપિયા હતું. ૨૦૨૦-૨૧માં કૃષિ બજેટ વધારીને ૧,૩૪,૪૯૯ કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. અમિત શાહે એવું પણ કહ્યું કે ભારતમાં ૯૧ ટકા ગામડાંઓમાં સહકારી મંડળીઓ છે. દેશની પાંચ ટ્રિલ્યનની ઇકૉનૉમી માટે સહકારી મંડળીઓની જરૂર છે. એમાં તેમણે મહિલાઓનાં યોગદાનનાં પણ વખાણ કર્યાં છે. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અમુક સમયમાં નવી સહકારી નીતિ જે પહેલાં ૨૦૦૨માં અટલજી લઈને આવ્યા હતા અને હવે ૨૦૨૨માં મોદીજી લઈને આવશે. આઝાદીના અમૃત મહોત્સવમાં નવી સહકારી નીતિ બનાવવાની અમે શરૂઆત કરીશું. તેમણે કહ્યું કે ભારત સરકારનું સહકારી મંત્રાલય દરેક રાજ્યોને સાથે લઈને ચાલવામાં માને છે. 
 
ખેડૂતોના ભારત બંધને કૉન્ગ્રેસનો ટેકો
 
સંસદ દ્વારા ગયા વર્ષે પાસ કરવામાં આવેલા નવા કૃષિ કાયદાના વિરોધમાં આ વર્ષે ૨૭ સપ્ટેમ્બરના રોજ સંયુક્ત કિસાન મોરચાએ ભારત બંધનું એલાન આપ્યું છે, જેને કૉન્ગ્રેસે પોતાનો ટેકો જાહેર કર્યો છે. કૉન્ગ્રેસના પ્રવક્તાએ કહ્યું હતું કે છેલ્લાં સાત વર્ષથી મોદી સરકાર કૃષિ ક્ષેત્રને ભારે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ ૨૦૧૪માં જમીન અધિગ્રહણનો ખરડો લાવી હતી, જેને વિરોધને કારણે પાછો ખેંચવો પડ્યો હતો, હવે કૃષિ કાયદો લાવી છે જેનો અમે વિરોધ કરીએ છીએ.
 
ઓડિશા અને આંધ્રને વાવાઝોડાની ચેતવણી
 
બંગાળની ખાડીમાં હવાના દબાણની તીવ્રતા વધતાં ગઈ કાલે વાવાઝોડા ‘ગુલાબ’ને લઈને આંધ્ર પ્રદેશ તેમ જ ઓડિશાના દરિયાકિનારે વસતા લોકોને ઑરેન્જ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડું રવિવારે સાંજ સુધીમાં કિનારા પર ત્રાટકે એવી શક્યતા છે. હવામાન ખાતાની ચેતવણી મુજબ ગઈ કાલે એની ઝડપ કલાકના ૭ ​કિલોમીટરની હતી, જે વધી શકે છે. 

પંજાબ કૅબિનેટના નવા પ્રધાનોનું આજે શપથગ્રહણ

પંજાબ પ્રધાન મંડળના વિસ્તરણને લઈને હજી કૉન્ગ્રેસ હાઈ કમાન્ડ મૂંઝવણમાં છે. રાહુલ ગાંધીના ઘરે શુક્રવારે રાત્રે ૨ વાગ્યા સુધી ૪ કલાક મંથન ચાલ્યું. આમાં સૌથી મોટો ખતરો હવે કૅપ્ટન અમરિન્દર સિંહનો છે. હાઈ કમાન્ડને આશંકા છે કે જો જૂના પ્રધાનોને દૂર કરવામાં આવે તો તેઓ કૅપ્ટન સાથે મળી શકે છે.
પંજાબ કૅબિનેટના નવા પ્રધાનોની યાદી ફાઇનલ થઈ ગઈ છે. કૅપ્ટન અમરિન્દર સિંહના નજીકના પ્રધાનોની બાદબાકી કરવામાં આવી છે. આ સિવાય ૮ પ્રધાનોની વાપસી કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન ચરણજિત ચન્નીએ રાજ્યપાલ બી. એલ. પુરોહિત સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આજે સાંજે ૪.૩૦ વાગ્યે તમામ પ્રધાનોના શપથગ્રહણ યોજાશે. 

national news