News In Short: વૅક્સિન જીવન બચાવી શકે, પણ સંક્રમણ નથી અટકાવી શકતી:અભ્યાસમાં દાવો

20 July, 2021 03:12 PM IST  |  New Delhi | Agency

નિષ્ણાતો કહે છે, ‘બાળકો સામે સંક્રમણનું જોખમ મોટું છે, કારણ કે તેમને વૅક્સિન લગાવવાની શરૂઆત હજી થઈ નથી’

વૅક્સિન જીવન બચાવી શકે, પણ સંક્રમણ નથી અટકાવી શકતી:અભ્યાસમાં દાવો

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના નવા અભ્યાસમાં શુક્રવારે વધુ એક હકીકત સામે આવી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વૅક્સિનના બે ડોઝ લગાવ્યા બાદ પણ ઇન્ફેક્શન થઈ રહ્યું છે. એનું કારણ કોવિડ-19નો ડેલ્ટા વેરિઅન્ટ છે. એટલે કે વૅક્સિનના બે ડોઝ લગાવ્યા બાદ પણ જોખમ ઘટ્યું નથી.
આ અભ્યાસ ખૂબ જ મહત્ત્વનો છે. ખાસ કરીને બીજી લહેર નબળી પડતાં જ અનેક રાજ્યોમાં અનલૉક થવા લાગ્યું છે. જનજીવન સામાન્ય થવા લાગ્યું છે. પરંતુ છેલ્લાં કેટલાંક સપ્તાહમાં હિલ-સ્ટેશનોની જે તસવીરો સામે આવી રહી છે એમાં હજારોની સંખ્યામાં લોકો માર્ગો પર ઊતરી આવ્યા હતા, એ પણ માસ્ક વગર અને સોશ્યલ ડિસ્ટન્સિંગ તો ભુલાઈ ગયેલું જોવા મળ્યું. આ સ્થિતિને ધ્યાનમાં રાખી મેડિકલ અસોસિએશનથી લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સક્રિય થવું પડ્યું છે. તેમણે લોકોને સલાહ આપી છે કે કોરોનાની લહેર નબળી પડી છે, ખતમ થઈ નથી. જો સાવચેતી દાખવવામાં નહીં આવે તો ત્રીજી લહેર ટૂંક સમયમાં આવી શકે છે અને સ્થિતિ વધારે ખરાબ થવા લાગશે.
અભ્યાસથી એ બાબત સાબિત થઈ ગઈ છે કે વૅક્સિન ફક્ત જીવ બચાવશે. પણ ઇન્ફેક્શન થવાનું જોખમ ટળ્યું નથી. આ વિશે વૅક્સિનેશન બાદ પણ શા માટે સાવચેતી રાખવી જરૂરી છે એ વિશે અમે મુંબઈના ડૉ. ભરેશ દેઢિયા (હેડ ક્રિટિકલ કૅર, પીડી હિન્દુજા હૉસ્પિટલ ઍન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર, ખાર ફૅસિલિટી) અને ડૉ. સુનીલ જૈન (હેડ, ડિપાર્ટમેન્ટ ઑફ ઇમર્જન્સી મેડિસિન, જસલોક હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટર) પાસેથી માહિતી મેળવી હતી.
આ સાથે એ બાબત સ્પષ્ટ છે કે વૅક્સિનનો એક ડોઝ લાગ્યો હોય કે બે ડોઝ, એ તમને મોત થવાથી બચાવી લે છે પણ ઇન્ફેક્શનથી બચાવી શકતી નથી. એનાથી તમારી આજુબાજુના લોકો, ખાસ કરીને બાળકોને સંક્રમણ થવાનું જોખમ વધી જાય છે, કારણ કે તેમને અત્યાર સુધી વૅક્સિન લગાવવાની શરૂઆત થઈ નથી.

બનાસકાંઠામાં કોરોના અટૅક: બીએસએફના ૨૦ જવાનો સંક્રમિત

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે, પરંતુ બીજી બાજુ રાજ્ય સરકારે છૂટછાટ આપતાં લોકો કોરોના નિયમોના ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટન્સિંગનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. લોકો ત્રીજી લહેરને સામેથી આમંત્રણ આપી રહ્યા છે ત્યારે આજે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠામાં બીએસએફના ૨૦ જવાનો કોરોના પૉઝિટિવ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તમામ જવાનોને આઇસોલેટ કરાયા હોવાની માહિતી મળી રહી છે, જેના કારણે થરાદ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે.
રવિવારે રાજ્યમાં કોરોનાના ૪૦ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. એટલે કે કોરોનાની ગતિ ધીમી પડી ગઈ છે. રાજ્યમાં છેલ્લા ૨૪ ક્લાકમાં કોરોનાના નવા ૩૩ કેસ નોંધાયા છે, જ્યારે ૭૧ દરદીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જોકે સતત બીજા દિવસે રાજ્યમાં એક દરદીનું કોરોનાથી મોત નીપજ્યું છે. રવિવારે ગુજરાતના માત્ર ૧૫ જિલ્લામાં જ નવા કેસો રજિસ્ટર થયા છે એમાં સૌથી વધુ વડોદરામાં પાંચ કેસ અને અમદાવાદ, સુરત અને તાપીમાં ૪-૪ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૮,૨૪,૪૯૩એ પહોંચી ગઈ છે, જ્યારે કોરોનાથી કુલ મોતનો આંકડો ૧૦,૦૭૬ થયો છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૩,૯૨૪ દરદીઓએ કોરોનાને હરાવ્યો છે. આમ ગુજરાતનો રિકવરી રેટ વધીને ૯૮.૭૨ ટકાએ પહોંચી ગયો છે.

ગામડાંના ૮૦.૧૦ ટકા અને શહેરના ૩૬ ટકા લોકો વૅક્સિનોફોબિયાના શિકાર

કોરોનાથી બચવા માટેનું બ્રહ્માસ્ત્ર એટલે વૅક્સિન, પરંતુ હજી વૅક્સિન વિશે ઘણા લોકોમાં ખોટો ભય અને ચિંતા રહેલાં જોવા મળે છે. ખાસ કરીને જ્યારે મનોવિજ્ઞાન ભવનની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને કાઉન્સેલિંગ કરતી અને રસી લેવા માટે સમજાવતી ત્યારે મોટા ભાગના લોકોએ ભગવાનની માનતા, શ્રીફળ, લાપસી આગળ ધર્યાં હતાં જેના પરથી એ લોકોએ કહ્યું કે હવે જો અમે રસી લઈએ તો ભગવાન કોપાયમાન થાય અને કંઈક ગુસ્સો કરી બેસે તો કંઈક અપશુકન થશે.
આવા વૅક્સિનના ભયનાં લક્ષણો અને ભગવાનના ભયનાં લક્ષણોને મનોવિજ્ઞાનની ભાષામાં વૅક્સિનોફોબિયા અને ઝ્યુસોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે જેનું વિશ્લેષણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનાં અધ્યાપક ડૉ. ધારા દોશી અને મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસણ દ્વારા કરવામાં આવ્યું, જેમાં ચોંકાવનારાં તારણો સામે આવ્યાં છે.
મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો વૅક્સિનેશન વિશે જાગૃતિ ફેલાવવા ગામડે-ગામડે જઈને લોકોને મળ્યા હતા ત્યારે ગામડાના ૮૦.૧૦ ટકા લોકોને વૅક્સિનોફોબિયા જોવા મળ્યો, જ્યારે શહેરના ૩૬ ટકા લોકોમાં વૅક્સિનોફોબિયા જોવા મળ્યો. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ ૨૭૦૦થી વધુ લોકોને આધારે છેલ્લા ૩ મહિનાના અવલોકનને આધારે આ પરિણામ જોવા મળ્યાં છે.
વૅક્સિનોફોબિયા રસીનો અતાર્કિક ભય છે. આ સ્થિતિથી પીડિત કોઈ વ્યક્તિ ફક્ત રસીના વિચારથી ખૂબ જ ચિંતા અને અસ્વસ્થતાનો અનુભવ કરે છે, પણ અન્યને પણ વૅક્સિન લેવાની ના પાડે છે.

નવા કોવિડ કેસિસમાં ૮૦ ટકા ડેલ્ટા વેરિઅન્ટના કેસ

દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર માટે શરૂઆતમાં ડેલ્ટા વેરિઅન્ટને જવાબદાર માનવામાં આવતો હતો. દેશમાં નોંધાતા કોવિડ-19ના નવા કેસિસમાં લગભગ ૮૦ ટકા કેસ ડેલ્ટા વેરિઅન્ટના હોવાનું ઇન્ડિયન સાર્સ-કોવ-2 જીનોમિક્સ કોન્સોર્શિયમના સહ-અધ્યક્ષ ડૉક્ટર એન. કે. અરોરાએ જણાવ્યું હતું. તેમણે સાવચેતીના સૂરમાં કહ્યું હતું કે જો કોઈ વધુ ચેપી વેરિઅન્ટ આવશે તો કોવિડ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ડેલ્ટા વેરિઅન્ટ એની પહેલાં જોવા મળેલા કોરોના વાઇરસના આલ્ફા વેરિઅન્ટ કરતાં ૪૦થી ૬૦ ટકા વધુ ટ્રાન્સમિસિબલ છે તેમ જ એ બ્રિટન, અમેરિકા અને સિંગાપોર સહિત લગભગ ૮૦ દેશોમાં પહોંચી ચૂક્યો છે.
અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ અને મધ્ય પ્રદેશ સહિત કુલ ૧૧ રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ AY.1 અને AY.55-60 કેસમાં મળી આવ્યા છે તેમ જ હાલમાં એની પ્રસારણક્ષમતા, વિષાણુ તેમ જ વૅક્સિનથી બચાવની ક્ષમતા જેવા મુદ્દાઓ પર અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે, એમ ડૉક્ટર અરોરાએ જણાવ્યું હતું.

સિંગાપોરમાં ફરી કોરોનાના કેસ વધવા લાગ્યા

સિંગાપોરમાં બજારો અને સોશ્યલ ક્લબો ફરી લોકોથી ભરાવા લાગી હોવાથી કોરોનાના કેસ વધવા લાગ્યા છે અને વડા પ્રધાન લી સિએન લુન્ગે લોકોને ખૂબ સાવચેતી રાખવાની અપીલ કરી હતી. રવિવારે ૮૮ સ્થાનિક લોકોને અને ૪ વિદેશી નાગરિકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાના કિસ્સા નોંધાયા હતા. ખાસ કરીને કરાઓકે ટીવી સોશ્યલ ક્લબોમાં લોકો ફરી ઊમટવા લાગ્યા હોવાથી કોવિડના કેસ હજી વધવાની સંભાવના છે.

શ્રીલંકામાં ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે

શ્રીલંકામાં એક તરફ ભારત સાથેની ક્રિકેટ સિરીઝ ચાલી રહી હોવાથી ત્યાંના ભારતીય ખેલાડીઓની કોરોના સામેની સલામતીની કરોડો ભારતીયોને ચિંતા છે ત્યાં એવા સમાચાર આવ્યા છે કે શ્રીલંકામાં ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પાટનગર કોલંબોમાં નોંધાતા નવા કેસમાં ૩૦ ટકા કેસ ડેલ્ટાના હોવાનું જણાવાયું હતું. શ્રીલંકામાં ત્રીજી લહેર વચ્ચે કોરોનાના રોજ લગભગ ૧૦૦૦ કેસ નોંધાય છે.

કોરોના સંક્રમિતે નવ મહિના ડરવાની જરૂર નથી

કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોય એ વ્યક્તિમાં નવ મહિના સુધી ઍન્ટિબૉડીઝ સક્રિય રહેતા હોય છે. ઇટલીના એક શહેરમાં સંશોધન બાદ આવો દાવો કરવામાં આવ્યો છે. ઇટલીની યુનિવિર્સિટી ઑફ પડુઓ અને ઇમ્પીરિયલ કૉલેજ લંડન દ્વારા વો શહેરના ૩૦૦૦ લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું જેઓ ગયા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. મે અને નવેમ્બરમાં તેમના શરીરના વાઇરસ સામેની ઍન્ટિબૉડીઝ ટેસ્ટ કરવામાં આવી હતી. જેમનામાં કોરોનાનાં લક્ષણો દેખાયાં હતાં તેમ જ જેમનામાં નહોતાં દેખાયાં આ બન્નેના ઍન્ટિબૉડીઝના સ્તરમાં કોઈ મોટો ફરક પણ નહોતો. રિસર્ચના જણાવ્યા પ્રમાણે કોઈ પણ પ્રકારની સરખામણી કરતાં પહેલાં ઇન્ફેકશનનું સ્તર, કયા ટેસ્ટ તેમ જ કયા સમયે કરવામાં આવે છે એની કાળજી પણ રાખવી જરૂરી છે.

પેગસસનું પ્રકરણ પાયાવિહોણું, ભારતીય લોકશાહીને કલંકિત કરવાનો નવો પ્રયાસ : આઇટી મિનિસ્ટર

કેન્દ્રીય આઇટી (ઇન્ફર્મેશન ટેક્નોલૉજી) મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે લોકસભામાં ઇઝરાયલી સ્પાયવેર પેગસસના મુદ્દે વિરોધ પક્ષોએ સરકાર પર આક્ષેપ કરવાની સાથે જે હોબાળો મચાવ્યો એ સંદર્ભે ગૃહને કહ્યું કે ‘વૉટ્સઍપ પર પેગસસનો ઉપયોગ કરાયો હોવાના મીડિયાના અહેવાલોમાં કોઈ જ તથ્ય નથી. આ અહેવાલ એ બીજું કંઈ નથી, પણ ભારતીય લોકશાહીને તેમ જ ભારતની સુસ્થાપિત સંસ્થાઓને કલંકિત કરવાનો પ્રયાસમાત્ર છે. ભૂતકાળમાં પણ આવા આક્ષેપ કરાયા હતા અને ત્યારે એમાં પણ કોઈ તથ્ય નહોતું તેમ જ તમામ પક્ષોએ એ અહેવાલ નકાર્યા હતા.’
જાગતિક તપાસલક્ષી પ્રકલ્પમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે ઇઝરાયલની એનએસઓ ગ્રુપની પેગસસ સ્પાયવેર કંપનીએ ભારતમાં નરેન્દ્ર મોદી સરકારના બે મહત્ત્વના પ્રધાનો, ત્રણ વિપક્ષી નેતા, એક બંધારણીય સંસ્થા, કેટલાક પત્રકારો, વિજ્ઞાનીઓ તેમ જ વેપારલક્ષી હસ્તીઓ સહિત કુલ ૩૦૦ જણનાં મોબાઇલ ફોન નંબરને ટાર્ગેટ બનાવ્યા છે. આ તમામ લોકોના ફોન ટેપ થયા અને તેમના કામકાજ સંબંધમાં જાસૂસી કરાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે જેને ગઈ કાલે સંસદમાં આઇટી મિનિસ્ટર વૈષ્ણવે નકાર્યા હતા. કૉન્ગ્રેસે પેગસસ જાસૂસીના મુદ્દે ગૃહ પ્રધાન અમિત શાહને હોદ્દા પરથી ઉતારી દેવાની અને વડા પ્રધાન મોદી સામે તપાસ શરૂ કરવાની માગણી કરી છે.
રાહુલ સહિત અનેક બન્યાં લક્ષ્યાંક : અહેવાલ
 ૅધ વાયર’ નામની ન્યૂઝ પોર્ટલે સોમવારે પેગસસ પ્રૉજેક્ટને લગતા બીજા ઘટસ્ફોટમાં જણાવ્યું હતું કે હેકિંગ માટે સંભવિત લક્ષ્યાંક તરીકે જેમના ફોન નંબરની યાદી બનાવવામાં આવી 
ચૂકી છે એમાં રાહુલ ગાંધી તેમ જ ભાજપના પ્રધાનો અશ્વિની વૈષ્ણવ તથા પ્રહલાદ સિંહ પટેલ, ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસા, મમતા બૅનરજીના ભત્રીજા અભિષેક બૅનરજી, ૨૦૧૯માં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ગોગોઈ પર જાતીય સતામણીનો આક્ષેપ કરનાર સુપ્રીમ કોર્ટની સ્ટાફર અને તેના સગાંવહાલાંઓ તેમ જ ચૂંટણીને લગતા વ્યૂહ બનાવનાર પ્રશાંત કિશોર સહિત કેટલાકનો સમાવેશ છે.
હૅકિંગના અહેવાલો ખોટા  
પેગસસ સ્પાયવેરની મદદથી અનેક ભારતીય પત્રકારો અને ઍક્ટિવિસ્ટોના ફોનના ટેપિંગના અહેવાલ વચ્ચે ઇઝરાયલસ્થિત એનએસઓ ગ્રુપે ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે આ અહેવાલો ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. એનએસઓ ગ્રુપે જણાવ્યું હતું કે આ બાબતે પ્રકાશિત કરવામાં આવેલો રિપોર્ટ વાસ્તવિક નથી અને તેથી એ માનહાનિનો દાવો કરવા વિચારી રહ્યું  છે. તેમના સ્રોતોએ જે માહિતી આપી છે એ વાસ્તવિક નથી પરંતુ દ્વેષપૂર્ણ અને સચ્ચાઈથી ઘણી દૂર છે એમ કંપનીએ જણાવ્યું હતું. 

international news national news