ન્યૂઝ શોર્ટમાં: ભારતીય રેલવેની ૧૦૬૮ હેક્ટર જમીન પર છે ગેરકાયદે કબજો

15 July, 2026 07:56 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

૪૨ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેટલી વિશાળ સરકારી જમીન માફિયાઓના સકંજામાં

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રેલવેની જમીન પર થયેલા ગેરકાયદે કબજા વિશેનો એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ રેલવે બોર્ડ પાસેથી મળેલી માહિતી મુજબ દેશમાં રેલવેની ૧૦૬૮ હેક્ટરથી વધુ જમીન પર ગેરકાયદે કબજો થયેલો છે. આ જમીન એટલી વિશાળ છે કે એમાં આશરે ૪૨ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહેલાઈથી સમાઈ શકે છે. છેલ્લાં પાંચ વર્ષમાં રેલવેની જમીન પર થયેલા ગેરકાયદે કબજાના વિસ્તારમાં આશરે ૩૨ ટકાનો જંગી વધારો નોંધાયો છે.સરકારે સંસદમાં આપેલા જવાબ મુજબ રેલવે પાસે કુલ ૪.૯૯ લાખ હેક્ટર જમીન છે, જેમાંથી આશરે ૦.૨૧ ટકા ભાગ પર ગેરકાયદે કબજો છે.

જપાનમાં સોયબીન ખાવાની સ્પર્ધામાં ૪૦૦ લોકોએ ભાગ લીધો

જપાનના નિગાતા પ્રાંતના નાગાઓકા શહેરમાં શનિવારે વર્લ્ડ એડમામે સ્પીડ-ઈટિંગ ચૅમ્પિયનશિપનું આયોજન થયું હતું. એડમામે એટલે કુમળી અને કાચી સોયબીનની ફળી. આ વર્ષે આ સ્પર્ધાની નવમી સીઝન હતી. સોયબીન અહીં ખૂબ મોટી માત્રામાં પાકે છે અને જૅપનીઝ ફૂડમાં પણ એનો મબલખ ઉપયોગ થાય છે. જેમ તુવેર કે વટાણાની ફળી હોય છે એવી જ સોયબીનની ફળીઓ હોય છે અને સ્પર્ધકોએ એ ફોલીને ઝટપટ ખાવાની હોય છે. આ ઇવેન્ટમાં સ્થાનિક બજારોમાં ઊગેલી જાતજાતની સોયબીનનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવ્યું હતું. ઘણા સ્પર્ધકો તો એડમામેની જેમ ગ્રીન રંગનાં કપડાં પહેરીને આવ્યા હતા. 

પાકિસ્તાનમાં ધડાકો બલૂચિસ્તાને કરી આઝાદી જાહેર: સોશ્યલ મીડિયા પર રિપબ્લિક આ‍ૅફ બલૂચિસ્તાનનો પત્ર વાઇરલ, જેમાં ૮૫ ટકા વિસ્તાર પર કબજો કર્યાનો અને નવી કરન્સી-ધ્વજ અપનાવ્યાનો દાવો

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક પત્રએ પાકિસ્તાન સરકાર અને સૈન્યમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. ‘રિપબ્લિક ઑફ બલૂચિસ્તાન’ના નામે વાઇરલ રહેલા આ પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ પ્રદેશે પાકિસ્તાનથી પોતાની સંપૂર્ણ આઝાદી જાહેર કરી દીધી છે. વાઇરલ નિવેદન અનુસાર બલૂચિસ્તાન આર્મીએ પ્રદેશના ૮૫ ટકા હિસ્સા પર પોતાનું નિયંત્રણ જમાવી લીધું છે અને નવો રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત તેમજ નવી કરન્સી સાથે સ્વતંત્ર વહીવટી તંત્ર અમલી બનાવ્યું છે. જોકે આ દાવા વિશે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.આ વાઇરલ પત્રમાં એવો પણ દાવો કરાયો છે કે નવી વહીવટી પાંખે પ્રદેશનાં ખનિજ સંસાધનો, ગૅસ ફીલ્ડ્સ અને કોલસાની ખાણો પર પોતાનો કબજો મેળવી લીધો છે અને પાકિસ્તાની 
સુરક્ષા-એજન્સીઓના અનેક જવાનો રાજીનામું આપીને બલૂચિસ્તાન સાથે જોડાયા છે. 

અંબાલાલકાકાએ ફરી આગાહી કરવાનું કર્યું શરૂ: ખેડૂતો અને લોકલાગણીને માન આપીને નિર્ણય પાછો ખેંચ્યો

વરતારા કરનારા પર ભરોસો નહીં કરવા માટે ગુજરાતમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ લોકોને અપીલ કર્યા બાદ અેનાથી વ્યથિત થયેલા ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે તેઓ આગાહી નહીં કરે અેવી જાહેરાત કરી હતી, પરંતુ ખેડૂતો અને લોકોની લાગણીને માન આપીને અંબાલાલ પટેલે ગઈ કાલથી ફરી પાછી આગાહી કરવાનું શરૂ કરી દીધું છે જેના પગલે ખડૂતો સહિત તેમના ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. અંબાલાલ પટેલે આગાહી કરવાની ના પાડ્યા બાદ ખેડૂતો સહિત ઘણાબધા લોકો તેમના સમર્થનમાં આવ્યા હતા. ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ કાકાને સપોર્ટ કર્યો હતો. નીતિન પટેલે ગઈ કાલે આ મુદ્દે વાત કરતાં મીડિયાને કહ્યું હતું કે ‘અંબાલાલકાકાને મેં ફોન પર આગ્રહ કર્યો હતો કે તમે તમારું નિવેદન પરત લો અને આગાહી કરવાનું ચાલુ રાખો. ખેડૂતોની પણ આવી જ લાગણી છે. તેમણે ખેડૂતોની લાગણીને માન આપીને આગાહી કરવાનું ચાલુ રાખવાનું કહ્યું છે. અેનાથી સૌને આનંદ છે.’ 

નાથની યોજાઈ નેત્રોત્સવ વિધિ :અમદાવાદમાં ૧૫ દિવસ બાદ નિજ મંદિર પાછા ફરેલા જગન્નાથ ભગવાનની આંખે રેશમી પાટા બંધાયા 

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના મંદિરમાં ગઈ કાલે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી. મામાના ઘરેથી નિજ મંદિર પાછાં ફરેલાં ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીને મંદિરના ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠા કરાઈ હતી. ત્યાર બાદ નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી. ભગવાનનાં તેજસ્વી સ્વરૂપનાં નવયૌવન દર્શન સાથે પ્રભુની આંખો પર રેશમી પાટા બાંધવાની પરંપરાગત નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભક્તોએ સોનાવેશના શણગારમાં પ્રભુનાં દર્શન કરીને ધન્યતા અનુભવી 
હતી. નેત્રોત્સવ વિધિ બાદ દેશભરમાંથી આવેલા સાધુ-સંતોનો ભંડારો યોજાયો હતો. 

BMCની ૧૦૦+ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણની જાણકારી આપવામાં આવી

મુંબઈ પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ (ANC) દ્વારા ચલાવાઈ રહેલા ‘ડ્રગ્સ-ફ્રી મુંબઈ’ અભિયાન હેઠળ રવિવારે મુંબઈની ૧૦૦ કરતાં વધુ BMCની સ્કૂલોના ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણ બાબતે માહિતી આપીને એનાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પૂર્ણિમા ચૌગુલે શ્રીંગીએ વિદ્યાર્થીઓને સતર્ક રહેવા અને જવાબાદારીભર્યો નિર્ણય કરવા જણાવ્યું હતું. મનોચિકિત્સક ડૉ. નીલેશ મોહિતેએ ડ્રગ્સનાં જોખમો વિશે જાણકારી આપી હતી. 

પાનની દુકાનવાળા ભેગા થયા આઝાદ મેદાનમાં, MCOCA હેઠળ થનારી કાર્યવાહીનો વિરોધ

તમાકુનાં પ્રતિબંધિત ઉત્પાદનો વેચનારા પાન શૉપ ઓનર્સ પર મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA) હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવાનો ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‍‍મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ આદેશ આપ્યો એના વિરોધમાં પાન શૉપ ધરાવનારાઓએ તથા તમાકુના વેપારીઓએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ૭ લાખ પાન અને તમાકુના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા મહારાષ્ટ્ર પાન વ્યાપારી મહાસંઘના નેતૃત્વ હેઠળ આઝાદ મેદાનમાં ગઈ કાલે આ વિરોધ-પ્રદર્શન યોજાયું હતું. ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરો, પરંતુ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટ​ માટે બનાવાયેલા કડક કાયદા હેઠળ સામાન્ય વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરો એવી માગણી આ દરમ્યાન કરવામાં આવી હતી. પોતાની લડત ન્યાય માટે  હોવાનું તેમણે કહ્યું હતું.

વસઈ-વિરારમાં વાવાઝોડાને કારણે રાહદારી મહિલા પર પતરું પડ્યું, બાવીસ ટાંકા આવ્યા

વસઈ-વિરારમાં ભારે પવન અને વરસાદથી એક મકાનનું પતરું ઊડીને રસ્તા પરથી પસાર થઈ રહેલી એક મહિલાના માથા પર પડવાની ઘટના ક્લોઝ્ડ સ​ર્કિટ ટેલિ​વિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં વાઇરલ થતાં હવે સામે આવી છે. પાંચમી જુલાઈની સાંજે એક મહિલા ફુટપાથ પરથી જઈ રહી હતી ત્યારે અચાનક એક પતરું તેના માથા પર આવીને પટકાયું હતું. સદ્નસીબે તે જે દુકાન પાસેથી પસાર થઈ રહી હતી એના છાપરાને કારણે પતરાની ગતિ ધીમી પડી હતી એટલે મહિલાનો જીવ બચી ગયો હતો. આ અકસ્માતમાં મહિલાને માથાના ભાગમાં ગંભીર ઈજા થતાં બાવીસ ટાંકા આવ્યા છે. હાલ તેની સ્થિતિ જોખમની બહાર હોવાનું જાણવા મળ્યું છે.

યાદેં સૌ સાલ કી

બરાબર ૧૦૦ વર્ષ પહેલાં ૧૯૨૬ની ૧૫ જુલાઈએ મુંબઈમાં પહેલી મોટરાઇઝ્ડ બસ દોડી હતી. એની યાદ તાજી કરવા આજે મુંબઈમાં એની ઉજવણી થવાની છે. એ મોટરાઇઝ્ડ બસમાં ત્યાર બાદ સમયાંતરે ફેરફાર થતા ગયા અને હવે ઇલેક્ટ્રિક AC અને એ પણ પાછી ડબલ ડેકર દોડી રહી છે. જોકે એ બધાના મૂળમાં એ પહેલી મોટરાઇઝ્ડ બસ હતી.    

શેલની ભારતીય કંપની ૧૭,૨૦૦ કરોડ રૂપિયામાં હસ્તગત કરશે આદિત્ય બિરલા ગ્રુપ

ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના આદિત્ય બિરલા ગ્રુપે બ્રિટિશ તેલ કંપની શેલની ભારતીય કંપની ૧૭,૨૦૦ કરોડ રૂપિયામાં હસ્તગત કરવાની જાહેરાત કરી છે. આના પગલે હવે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં તેઓ અંબાણી અને અદાણીને ટક્કર આપશે. આદિત્ય બિરલા ગ્રુપની પેટાકંપની આદિત્ય બિરલા રિન્યુએબલ્સ લિમિટેડ (ABREn)એ વૈશ્વિક ઊર્જા જાયન્ટ શેલની ભારતીય રિન્યુએબલ એનર્જી કંપની સ્પ્રિંગ એનર્જીને ૧૭,૨૦૦ કરોડ રૂપિયા (૧.૮ અબજ ડૉલર)ના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં હસ્તગત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ગોવંડીમાં ગેરકાયદે બનેલી તહઝીબ ઍકૅડેમી ઇંગ્લિશ સ્કૂલને તોડી પડાઈ

ગોવંડીની બૈંગનવાડીમાં ગેરકાયદે બનાવાયેલી ૪ માળની તહઝીબ ઍકૅડેમી ઇંગ્લિશ સ્કૂલને મંગળવારે સવારે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે BMC દ્વારા તોડી પાડવામાં આવી હતી. નકલી બર્થ-સર્ટિફિકેટ બનાવનારા ગેરકાયદે બંગલાદેશીઓ સામે લડત શરૂ કર્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ ૩ જૂને સ્કૂલ જેહાદ વિરુદ્ધ પોતાની લડત જાહેર કરી હતી. ગેરકાયદે જમીન પર શરૂ થયેલી સ્કૂલો બનાવટી સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ આપીને ભારતમાં ગેરકાયદે ઘૂસેલા બંગલાદેશીઓને બનાવટી ID કાર્ડ મેળવવામાં મદદ કરે છે. તેથી આવી ગેરકાયદે ચાલતી ૬૫ સ્કૂલો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાંની એક તહઝીબ ઍકૅડેમી ઇંગ્લિશ સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હોવાની માહિતી કિરીટ સોમૈયાએ તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આપી હતી.  

ચીનમાં ગાડીઓને રમકડાંની જેમ તરતી કરી દીધી વાવાઝોડા બાવીએ

ચીનના પૂર્વ દરિયાકાંઠે ત્રાટકેલા આ વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડા ‘બાવી’એ ઉત્તરી હેબેઈ અને ઉત્તર-પૂર્વી લિયાઓનિંગ પ્રાંતમાં ભયાનક પૂરની સ્થિતિ સર્જી છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં પૂરના પ્રચંડ પ્રવાહમાં અનેક કાર એકબીજા સાથે અથડાઈને રમકડાંની જેમ તણાતી જોવા મળી હતી. હેબેઈ પ્રાંતની કુઆનચેંગ કાઉન્ટીમાં રસ્તાઓ પર બે મીટરથી વધુ પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ પૂરની વચ્ચે પણ લોકો શેરીઓમાં સ્વિમિંગ, પેડલબોર્ડિંગ અને વેકસર્ફિંગ કરતા જોવા મળ્યા હતા.

ડોમ્બિવલીમાં બાંધકામ-સાઇટ પર લોખંડનો બીમ પડ્યો, શ્રમિકનું મોત : કૉન્ટ્રૅક્ટર સામે ગુનો દાખલ

ડોમ્બિવલીમાં અન્ડર-કન્સ્ટ્રક્શન સાઇટ પર લોખંડનો બીમ માથા પર પડતાં ૧૯ વર્ષના શ્રમિકે જીવ ગુમાવ્યો હતો. ઝારખંડનો વતની શ્રમિક સોમવારે સાંજે કામ પૂરું કરીને સાઇટ પર ફરી રહ્યો હતો ત્યારે ઉપલા માળથી લોખંડનો ભારે બીમ તેના પર પડ્યો હતો. એને કારણે તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. શ્રમિકના પિતરાઈ ભાઈની ફરિયાદના આધારે શીળ-ડાઇઘર પોલીસે કૉન્ટ્રૅક્ટર પ્રતીક પટેલ સામે બેદરકારીનો ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કૉન્ટ્રૅક્ટરે સાઇટ પર ફરજિયાત સુરક્ષાનાં સાધનો પૂરાં પાડ્યાં નહોતાં અને સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ મામલે હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

તળોજામાંથી ૧.૦૫ કરોડ રૂપિયાનો પ્રતિબંધિત ગુટકાનો જથ્થો જપ્ત, ત્રણ જણની ધરપકડ

નવી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે તળોજા વિસ્તારમાં દરોડો પાડીને ૧.૦૫ કરોડ રૂપિયાથી વધુની કિંમતનો પ્રતિબંધિત ગુટકા અને સુગંધિત પાનમસાલાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ એકની ટીમે તળોજામાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડીને એક ટ્રક અને બે ટેમ્પો સહિત કુલ ૧,૦૫,૬૩,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ ગેરકાયદે આંતરરાજ્ય સપ્લાય નેટવર્કમાં સામેલ ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ૪ ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ પ્રતિબંધિત જથ્થો નવી મુંબઈ અને મુંબઈનાં બજારોમાં સપ્લાય કરવાનો હતો. 

national news india indian railways indian government ahmedabad Rathyatra