News In Shorts: દેશમાં સંરક્ષણ વિભાગની ૧૦,૮૦૦ એકર જમીન પર હજીયે ગેરકાયદે કબજો

16 September, 2026 07:32 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધીમાં ૨૨૪૨ એકર જમીન મુક્ત કરાવી લેવામાં આવી છે, સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ સબમિટ થયો

સુપ્રીમ કોર્ટ

દેશભરમાં સંરક્ષણ વિભાગની જમીનો પર થયેલા ગેરકાયદે દબાણો અંગેની એક સ્વતંત્ર કમિટીએ ૧૦ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો છે. આ રિપોર્ટ મુજબ ૧ જાન્યુઆરી, ૨૦૧૫થી જુલાઈ ૨૦૨૫ સુધીમાં સંરક્ષણ વિભાગે ૨૨૪૨ એકર જમીન દબાણમાંથી મુક્ત કરાવી છે. જોકે હજુ પણ ૧૦,૮૦૦ એકરથી વધુ જમીન પર ગેરકાયદે કબજો છે. કૉમન કૉઝ નામના નૉન-પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન દ્વારા દાખલ કરાયેલી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL)ના સંદર્ભમાં સંરક્ષણ મંત્રાલયે ૧૪ જુલાઈએ આ તપાસ-કમિટી બનાવી હતી.

૩૫,૦૦૦+ મહિલાઓએ કર્યું શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ સમક્ષ ગણેશ અથર્વશીર્ષનું પઠન

પુણેના શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરની સામે ગણપતિ અથર્વશીર્ષના સામૂહિક પાઠનું ગઈ કાલે આયોજન કરવામાં આવ્યું હતું. સતત ૪૧મા વર્ષે ઋષિપંચમીની ઉજવણી નિમિત્તે મહિલાઓ દ્વારા ગણપતિ અથર્વશીર્ષના સામૂહિક પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩૫,૦૦૦થી વધુ મહિલાઓ મંદિરના પરિસરથી લઈને લાલ મહેલ સુધીના પુણેના મુખ્ય માર્ગ પર વહેલી સવારે બે વાગ્યાથી જ પહોંચી ગઈ હતી. અનેક મહિલાઓ મુંબઈ, કોલ્હાપુર, સાતારા અને લાતુર જેવા જિલ્લાઓમાંથી આવી હતી. સવારે ૬ વાગ્યે શંખનાદ અને ઓમકારના જાપ સાથે શરૂઆત કરીને અથર્વશીર્ષનો પાઠ કરવામાં આવ્યો હતો. આ વર્ષે શ્રીમંત દગડુશેઠ હલવાઈના ગણેશોત્સવની સજાવટ વૃંદાવનના પ્રેમ મંદિરની પ્રતિકૃતિ છે. 

મોતનો મલાજો રાખીને ભુલેશ્વરચા રાજાની સાદાઈથી ભક્તિ

ભુલેશ્વરના રાજાના ગણેશ પંડાલમાં આ વર્ષે ગણેશોત્સવ સાદાઈથી મનાવવામાં આવી રહ્યો છે અને ગણપતિબાપ્પાની નાનકડી મૂર્તિ રાખીને એની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. બાવીસમી ઑગસ્ટે સાઉથ મુંબઈમાં ભુલેશ્વરચા રાજાની બાવીસ ફુટની ૩ ટનની વિશાળકાય મૂર્તિ લાવવામાં આવી રહી હતી ત્યારે દુર્ઘટના બની એમાં ૩૩ વર્ષના સંકેત નેવસે અને ૩૦ વર્ષના બ્રિજેશ જોશીનાં દુઃખદ મૃત્યુ થયાં હતાં અને બે બાળકો સહિત અન્ય પાંચ જણને ઈજાઓ થઈ હતી. એને પગલે આ વર્ષે ભુલેશ્વરમાં શાંતિપૂર્વક કોઈ પણ જાતના ભપકા વગર સાદાઈથી ગણોશોત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. તસવીર :  આશિષ રાજે

national news india supreme court