ન્યુઝ શોર્ટમાં : સેતલવાડના બચાવ બદલ ભારતે યુએનની સંસ્થાની ટીકા કરી

30 June, 2022 08:41 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

HEAT ‘અભ્યાસ’નું સફળ પરીક્ષણ કર્યું ભારતે અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

ઉપરાષ્ટ્રપતિના પદ માટે છઠ્ઠી ઑગસ્ટે ચૂંટણી

નવી દિલ્હી : ચૂંટણી પંચે ગઈ કાલે જાહેર કર્યું હતું કે ઉપરાષ્ટ્રપતિના પદ માટે છઠ્ઠી ઑગસ્ટે ચૂંટણી યોજવામાં આવશે. એ માટે પાંચમી જુલાઈએ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે અને ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ૧૯ જુલાઈ રહેશે. ઉમેદવારીપત્રોની ચકાસણી ૨૦ જુલાઈએ કરવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૨૨ જુલાઈ રહેશે. નોંધપાત્ર છે કે આ પદ પર રહેલા એમ. વેન્કૈયા નાયડુની મુદત ૧૦ ઑગસ્ટે સમાપ્ત થશે. 

 

સેતલવાડના બચાવ બદલ ભારતે યુએનની સંસ્થાની ટીકા કરી

નવી દિલ્હી : ભારતે સોશ્યલ ઍક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડની ધરપકડના મામલે સંયુક્ત રાષ્ટ્રની હ્યુમન રાઇટ્સ ઑફિસનાં નિવેદનોને ‘સંપૂર્ણપણે અસ્વીકાર્ય’ ગણાવીને ગઈ કાલે ફગાવી દીધાં હતાં. ભારતે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ નિવેદનો દેશની સ્વતંત્ર ન્યાયિક પ્રણાલીમાં હસ્તક્ષેપ ગણાશે. નોંધપાત્ર છે કે સંયુક્ત રાષ્ટ્રની હ્યુમન રાઇટ્સ ઑફિસે મંગળવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘ભારતઃ તીસ્તા સેતલવાડ અને બે ભૂતપૂર્વ પોલીસ ઑફિસર્સની અટકાયત અને ધરપકડથી અમે ખૂબ જ ચિંતિત છીએ અને તેમને તાત્કાલિક મુક્ત કરવા માટે હાકલ કરીએ છીએ. તેમની સામાજિક ચળવળ અને ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોના પીડિતોને સમર્થન આપવા બદલ તેમની સતામણી ન જ થવી જોઈએ.’ 

 

HEAT ‘અભ્યાસ’નું સફળ પરીક્ષણ કર્યું ભારતે

ચાંદીપુર : ભારતે ગઈ કાલે ઘરઆંગણે વિકસાવવામાં આવેલા હાઈ-સ્પીડ એક્સ્પાન્ડેબલ એરિયલ ટાર્ગેટ (HEAT) ‘અભ્યાસ’નું ઓડિશાના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ-રેન્જ ખાતેથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ એક માનવરહિત એરિયલ ટાર્ગેટ સિસ્ટમ છે.  ‘અભ્યાસ’ની જુદી-જુદી સિસ્ટમની તપાસ કરવામાં આવી હતી. બધું જ ખૂબ ચોક્કસ અને સફળતાપૂર્વક હોવાનું જણાયું હતું. આ ટેસ્ટમાં આ ઍરક્રાફ્ટની સર્વેલન્સ ટેલિમેટ્રી, રડાર અને ઇલેક્ટ્રો-ઑપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ સહિત જુદાં-જુદાં ટ્રેકિંગ સેન્સર્સની ચકાસણી કરવામાં આવી હતી. ‘અભ્યાસ’ને ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન દ્વારા ડેવલપ કરાયું છે. 

 

અમેરિકા યુરોપમાં પોતાની સૈન્યશક્તિ વધારશે

મૅડ્રિડ : રશિયા અને યુક્રેનના યુદ્ધની વચ્ચે નાટો સમિટમાં ભાગ લેવા માટે સ્પેન પહોંચેલા અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને ગઈ કાલે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા યુરોપમાં નાટોની તાકાતને વધારવા માટે અમેરિકન સૈન્ય ભાગીદારીમાં જબરદસ્ત વધારો કરશે. બાઇડને હવા, જળ અને જમીન પર અમેરિકન મિલિટરીની તાકાત વધારવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે નાટોને વધારે પાવરફુલ બનાવવાની આજે સૌથી વધુ જરૂર છે. તેમણે નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટેનબર્ગની સાથે મીટિંગ કરીને યુરોપમાં અમેરિકન સૈન્યની હાજરી વધારવા વિશે વાતચીત કરી હતી. હવે એ મુજબ સ્પેનના રોટામાં અમેરિકન નેવલ ડિસ્ટ્રોયરની સંખ્યા ચારથી વધારીને છ કરવામાં આવશે. પોલૅન્ડમાં પાંચમા આર્મી કૉર્પ્સનું કાયમી મુખ્યાલય રહેશે. ૩૦૦૦ ફાઇટર્સ અને બીજી ૨૦૦૦ પર્સનલ કૉમ્બેટ ટીમ ધરાવતી વધારાની રોટેશનલ બ્રિગેડ રોમાનિયામાં રહેશે. યુરોપમાં નાટોની હાજરી રશિયાને ખૂબ જ ખૂંચે છે. અમેરિકાના આ પગલાથી રશિયા વધુ રોષે ભરાય એવી શક્યતા છે.

national news international news