15 November, 2025 01:56 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગંગા નદીમાં ક્રૂઝ શિપ પર મૉક ડ્રિલ
ગઈ કાલે વારાણસીમાં નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ અને ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉર્ડ ગંગા નદીમાં એક ક્રૂઝ શિપ પર અને એની આસપાસ મૉક ડ્રિલ કરતાં જોવા મળ્યાં હતાં. આતંકવાદી હુમલો થાય તો એ પરિસ્થિતિમાં કઈ રીતે રીઍક્ટ કરવું એની સજ્જતા આ મૉક ડ્રિલ દ્વારા ચકાસવામાં આવી હતી.
કાઉન્સિલ ફૉર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE)એ ૨૦૨૫-’૨૬ માટે દસમા ધોરણની ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)ની અને બારમા ધોરણની ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ (ISC)ની પરીક્ષા માટેની તારીખો જાહેર કરી છે. ISCની પરીક્ષા ૧૨ ફેબ્રુઆરીથી શરૂ થશે અને ICSEની પરીક્ષા ૧૭ ફેબ્રુઆરીથી શરૂ થશે. ICSEની પરીક્ષામાં ૨.૬ લાખ વિદ્યાર્થીઓ અને ISCની પરીક્ષામાં ૧.૫ લાખ વિદ્યાર્થીઓ બેસે એવી શક્યતા છે. ૧૨ ફેબ્રુઆરીથી શરૂ થતી ISCની પરીક્ષા ૬ એપ્રિલ સુધી ચાલશે જ્યારે ICSEની પરીક્ષા ૧૭ ફેબ્રુઆરીથી ૩૦ માર્ચ સુધી ચાલશે.
થાણેના ઘોડબંદર રોડ પર ઇન્દિરાપાડામાં આવેલી એક મોબાઇલ ટાવરની સર્વર-પૅનલમાં ગઈ કાલે સવારે ૧૦.૨૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના ડિઝૅસ્ટર મૅનજમેન્ટ સેલ, ફાયર-બ્રિગેડ અને પોલીસને કરવામાં આવતાં એના કર્મચારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ કહ્યું હતું કે આગમાં કોઈ ઈજાગ્રસ્ત થયું નહોતું, અને ટૂંક સમયમાં એના પર કાબૂ મેળવી લેવાયો હતો.
પ્રખ્યાત પર્યાવરણવિદ અને ૨૦૧૯નાં પદ્મશ્રી પુરસ્કારવિજેતા ૧૧૪ વર્ષનાં સાલુમરદા થિમ્મક્કાએ ગઈ કાલે બૅન્ગલોરની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતાં અને તેમની સારવાર ચાલી રહી હતી. થિમ્મક્કાને પ્રેમથી સાલુમરદા કહેવામાં આવે છે, જેનો કન્નડામાં અર્થ થાય છે ‘વૃક્ષમાતા’. ૧૯૧૧ની ૩૦ જૂને કર્ણાટકમાં જન્મેલાં થિમ્મક્કાએ કોઈ ઔપચારિક શિક્ષણ લીધું ન હોવા છતાં તેઓ પાયાના સ્તરે પર્યાવરણને બચાવવાનું કામ કરતાં હતાં. રામનગર જિલ્લામાં હુલીકલ અને કુદુર વચ્ચે ૪.૫ કિલોમીટરના પટ્ટામાં તેમણે ૩૮૫ વડનાં વૃક્ષો વાવીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી હતી. તેઓ નિઃસંતાન હોવા છતાં પ્રકૃતિ સાથેનો તેમનો ઊંડો સંબંધ હતો અને વ્યક્તિગત દુઃખથી નિરાશ થયા વિના તેમણે વૃક્ષોનું પાલન-પોષણ પોતાનાં બાળકોની જેમ કરવાનું શરૂ કર્યું હતું એટલે જ તેમને ‘વૃક્ષમાતા’નું બિરુદ મળ્યું હતું.
દુબઈના દેરા વિસ્તારમાં બિલ્ડિંગની અગાસી પરથી વિમાનના ફોટો પાડતી વખતે નીચે પડી જવાથી કેરલાના ૧૯ વર્ષના મોહમ્મદ મિશાલે જીવ ગુમાવ્યો હતો. માતા-પિતાનો એકમાત્ર પુત્ર મિશાલ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરતો હતો અને તેને ફોટોગ્રાફીનો શોખ હતો. તે ૧૫ દિવસ માટે તેનાં પિતરાઈ ભાઈ-બહેનોને મળવા દુબઈ ગયો હતો. બિલ્ડિંગ પરથી ફોટો લેતી વખતે નીચે પડી જતાં તેને ગંભીર આંતરિક ઈજાઓ થઈ હતી. તેને સારવાર માટે રાશિદ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ બચાવી શકાયો નહોતો. તેના પાર્થિવ દેહને સ્વદેશ પાછો લાવવા માટેની કાનૂની પ્રક્રિયાઓ ચાલી રહી છે. કોઝીકોડ જિલ્લાના વતની એવા મિશાલને બે બહેનો છે.