ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

24 October, 2021 07:31 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લખીમપુર હિંસા મામલે વધુ ત્રણની કરાઈ ધરપકડ; શ્રીનગરથી શાર્જાહાની ડાયરેક્ટ ફ્લાઇટ; રાજસ્થાનમાં બળાત્કાર-હત્યાના આરોપીને ૨૪ દિવસમાં મૃત્યુદંડ અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

અયોધ્યા જશે કેજરીવાલ

નવી દિલ્હી : દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દિવાળી પહેલાં ઉત્તર પ્રદેશમાં અયોધ્યાની મુલાકાતે જવાના છે. અયોધ્યામાં જઈ કેજરીવાલ રામલલ્લાના દર્શન કરવાના છે.

દિલ્હીના મુખ્ય પ્રધાનની ઑફિસમાંથી સૂચના જાહેર કરીને કેજરીવાલની મુલાકાત વિશે માહિતી આપવામાં આવી છે. સૂચનામાં જણાવ્યા પ્રમાણે ૨૬ ઑક્ટોબરે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અયોધ્યાની મુલાકાતે જશે, ત્યાં તેઓ રામલલ્લાના દર્શન કરશે.

 

લખીમપુર હિંસા મામલે વધુ ત્રણની કરાઈ ધરપકડ

લખીમપુર : લખીમપુર હિંસા કેસમાં પોલીસે શનિવારે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૧૩ આરોપીઓ ઝડપાયા છે.

૩ ઑક્ટોબરે લખીમપુરમાં તિકોનિયા વિસ્તારમાં ખેડૂતો વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે ફાટી નીકળેલી હિંસામાં ૮ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં, તેમાં ચાર ખેડૂત હતા. આ હિંસામાં અત્યાર સુધી પકડાયેલા ૧૩ આરોપીઓમાં એક કેન્દ્રીય પ્રધાનનો પુત્ર આશિષ મિશ્ર પણ છે. શનિવારે પકડાયેલા ત્રણ આરોપીઓની ઓળખ મોહિત ત્રિવેદી, રંકુ રાણા અને ધર્મેન્દ્ર તરીકે થઈ છે. ત્રણેય તિકોનિયા કોટવાલી વિસ્તારના રહેવાસીઓ છે.

 

મધ્ય પ્રદેશમાં માર્ચ સુધી સરકારી ઓફિસોમાં શનિ-રવિ રજા રહેશે

ભોપાલ : કોરોના વાઇરસ મહામારીને ધ્યાનમાં રાખતા મધ્ય પ્રદેશ સરકારે આગામી માર્ચ મહિના સુધી સરકારી કચેરીઓમાં શનિ-રવિની રજા જાહેર કરી છે. રાજ્ય સરકારના વહીવટી વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડીને માર્ચ ૨૦૨૨ સુધી શનિ-રવિની રજા વિશે જાહેરાત કરવામાં આવી છે. અગાઉ કોરોના મહામારીને કારણે મધ્ય પ્રદેશની રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં ૩૧ ઑક્ટોબર સુધી સપ્તાહમાં પાંચ જ દિવસ કામ કરવાની નીતિ જાહેર કરાઈ હતી. બીજી લહેર પછી ૨૨ જુલાઈએ કચેરીઓ ફરી શરૂ થઈ અને લૉકડાઉન હળવું થયું ત્યારથી આ નીતિનો અમલ કરવામાં આવ્યો હતો. શનિવારે મધ્ય પ્રદેશમાં આઠ નવા કેસ નોંધાયા હતા. જોકે રાજ્યમાં કોરોના ગાઇડલાઇન હજી અમલમાં છે.

 

શ્રીનગરથી શાર્જાહાની ડાયરેક્ટ ફ્લાઇટ

શ્રીનગર : વાડિયા ગ્રુપ દ્વારા સંચાલિત ઍરલાઇન ગો ફસ્ટ દ્વારા શ્રીનગરથી યુએઇના શાર્જાહ માટેની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરાઈ છે. આ ફ્લાઇટ શનિવારે સાંજે ૬.૩૦ વાગે ઉપડશે. દર સપ્તાહે ચાર ફ્લાઇટ ઉડાવવામાં આવશે. બન્ને શહેરો વચ્ચે આ ફ્લાઇટથી વેપાર અને પ્રવાસનમાં વધારો થશે.

 

ફૈઝાબાદ સ્ટેશનનું નામ અયોધ્યા કેન્ટ થશે

લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને ફૈઝાબાદ રેલવે સ્ટેશનના નવા નામની જાહેરાત કરી હતી. ટ્વીટમાં લખ્યું હતું કે ફૈઝાબાદ રેલવે સ્ટેશન હવે અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન તરીકે ઓળખાશે. ટ્વીટમાં એવી પણ જાણકારી આપવામાં આવી હતી કે આ નિર્ણય મુખ્ય પ્રધાન દ્વારા લેવામાં આવ્યો છે.

 

રાજસ્થાનમાં બળાત્કાર-હત્યાના આરોપીને ૨૪ દિવસમાં મૃત્યુદંડ

જયપુર : રાજસ્થાનમાં બળાત્કાર અને હત્યાના આરોપીને પકડી ૨૪ દિવસમાં મૃત્યુદંડની સજા ફરમાવી દેવામાં આવી છે.

ડીજીપી એમ. એલ. લાઠરે કહ્યું હતું કે ૨૦ સપ્ટેમ્બરે ફરિયાદ નોંધાઈ હતી. તે દિવસે આરોપી ૭ વર્ષની બાળકીને તેના ઘેરથી ભેટ આપવાની લાલચે લઈ ગયો હતો. બાળકીના પિતા દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી. ત્યાર બાદ તરત જ શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. બાળકીનો મૃતદેહ જમીનમાં દાટેલો મળી આવ્યો હતો. સ્થિતિની ગંભીરતા જોઈને અજમેર રેન્જ આઇજી સહિતના ઉચ્ચ અધિકારીઓ નાગોર દોડી આવ્યા હતા અને પુરાવા ભેગા કરવાની કામગીરી ધમધમવા લાગી હતી. થોડા જ દિવસમાં પોલીસની સ્પેશ્યલ ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેને છ જ દિવસમાં મેરતાની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. અજમેર રેન્જ આઇજી દ્વારા સ્પીકઅપ કેમ્પેઇન હેઠળ આ કેસની પસંદગી કરવામાં આવી હતી અને ૨૮ સપ્ટેમ્બરે ટ્રાયલ શરૂ થઈ ગઈ હતી. દરરોજ સાક્ષીઓને બોલાવવામાં આવ્યા હતા, જેને અંતે ૨૧ ઑક્ટોબરે આરોપી દિનેશ જાટ ગુનેગાર ઠર્યો હતો. શુક્રવારે કોર્ટે તેને મૃત્યુદંડની સજા જાહેર કરી હતી.

 

કૅનેડિયન સરકારે બિનજરૂરી યાત્રા માટેની ટ્રાવેલ ઍડ્વાઇઝરીને હટાવી દિવાળી પર ભારત-કૅનેડા વચ્ચેની સીધી ફ્લાઇટ્સ વધારી

નવી દિલ્હી : કૅનેડા સરકારે દેશની બહાર તમામ બિનજરૂરી યાત્રા પર પોતાની ગ્લોબલ ટ્રાવેલ ઍડ્વાઇઝરીને હટાવી દીધી છે. ખરેખર, કોવિડ-૧૯ રોગચાળાને ધ્યાનમાં રાખીને સાવચેતીરૂપે ગયા વર્ષે આ ઍડ્વાઇઝરી બહાર પાડવામાં આવી હતી. હવે આ ઍડ્વાઇઝરીને અપડેટ કરવામાં આવી છે. આ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે કૅનેડિયન સરકારે પણ સ્થાનિક અને

આંતરરાષ્ટ્રીય ઍર કૅનેડા પણ દિલ્હીથી મોન્ટ્રિયલની સીધી ફ્લાઇટ ચલાવી રહી છે. ક્યુબૅકનું એ શહેર ભારત અને કૅનેડાને જોડનારી ડાયરેક્ટ ફ્લાઇટ સાથે ટૉરન્ટો અને વૈંકુઅરથી જોડાય જશે. ઍર કૅનેડાએ જણાવ્યું હતું કે ‘દિવાળીની ઉજવણી ૩૧ ઑક્ટોબરથી શરૂ થશે, ઍર કૅનેડા મોન્ટ્રિયલમાં રહેતા ભારતીય સમુદાય માટે દર અઠવાડિયે ત્રણ ફ્લાઇટ્સ શરૂ કરશે.’ તેણે ટૉરન્ટો અને દિલ્હી વચ્ચેની તેની ફ્લાઇટની આવર્તન પણ દર અઠવાડિયે દસ કરી દીધી છે.

 

સિંગાપોરે ભારતના પ્રવાસીઓ પરના પ્રતિબંધ હટાવ્યા

સિંગાપોર : સિંગાપોરે ૨૩ ઑક્ટોબરના રોજ ભારત સહિત પાંચ એશિયાઇ રાષ્ટ્ર સામેના પ્રવાસ સંબંધિત પ્રતિબંધ દૂર કર્યા છે. કોરોના મહામારીના સંજોગોને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરવાની શરૂઆત કરી છે. સિંગાપોરના સ્વાસ્થ્ય વિભાગ તરફથી થયેલી જાહેરાત પ્રમાણે બંગલા દેશ, ભારત, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકામાં છેલ્લા ૧૪ દિવસનો પ્રવાસ ધરાવતા લોકોને પણ બુધવારથી સિંગાપોરમાં પ્રવેશ આપવામાં આવશે. જોકે આ પ્રવાસીઓને ૧૦ દિવસનું હોમ ક્વૉરન્ટીન પાળવાનું રહેશે.

 

બંગલા દેશમાં ફેસબુક લાઇવ કરી હિંસા ભડકાવનારો મુખ્ય આરોપી ઝડપાયો

ઢાકા : બંગલા દેશમાં દુર્ગાપૂજા દરમ્યાન હિન્દુ સામેફાટી નીકળેલી હિંસામાં પોલીસની વિશેષ ટીમે બીજા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે.

ત્રીસીની ઉંમરનો શૈકત મોંદોલ નામનો યુવાન ૧૭ ઑક્ટોબરે રંગપુરમાં થયેલી હિંસાના મુખ્ય ષડયંત્રકારોમાંનો એક હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેના સાથીઓ સાથે શનિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. મોંદોલે ફેસબુક લાઇવના માધ્યમથી હિંસા ભડકાવી હતી. તેણે ફેસબુક લાઇવ થઈને લોકોને ઉશ્કેર્યા હતા, જેના પરિણામે પિરગંજમાં હિન્દુઓની ૭૦ જેટલી દુકાનો અને ઘરો પર હુમલા થયા હતા.

૨૪ કલાક પહેલાં જ પોલીસે દુર્ગા પંડાલમાં કુરાન મૂકનાર મુખ્ય આરોપી ઇકબાલ હુસૈનની ધરપકડ કરી હતી. તે અત્યારે સાત દિવસની પોલીસ કસ્ટડીમાં છે. હિન્દુઓ સામેની હિંસાની તપાસ માટે પોલીસે જુદા-જુદા વિસ્તારોમાંથી આશરે ૬૦૦ જેટલા લોકોની અટકાયત કરી છે.

national news international news