05 January, 2026 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંકુર જૈન, આદર્શ હિરેમઠ, સૂર્યા મિધા, નિખિલ કામથ
ફૉર્બ્સ 40 અન્ડર 40 લિસ્ટમાં ભારતીય મૂળના ૪ અબજોપતિનો સમાવેશ થયો છે, જેમાં નિખિલ કામથ એકમાત્ર ભારતીય છે. ટેક્નૉલૉજી, ફાઇનૅન્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સમાં પોતાનું નામ બનાવનારા ભારતીય મૂળના ૪ ઉદ્યોગસાહસિકોને આ વૈશ્વિક લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય મૂળના આ ૪ ઉદ્યોગસાહસિકોની સંયુક્ત નેટવર્થ ૧૧ અબજ ડૉલરથી વધુ છે. નોંધપાત્ર રીતે નિખિલ કામથ એમાંથી એકમાત્ર ભારતીય ઉદ્યોગસાહસિક છે.
ન્યુ યૉર્કસ્થિત ૩૫ વર્ષના ઉદ્યોગસાહસિક અંકુર જૈન આ લિસ્ટમાં ઓગણીસમા ક્રમે છે. તેમની નેટવર્થ ૩.૪ અબજ ડૉલર હોવાનો અંદાજ છે. અંકુર જૈન બિલ્ટ રિવૉર્ડ્સના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) છે. આ એક અનોખું પ્લૅટફૉર્મ છે જે ભાડે રાખનારાઓને પુરસ્કાર આપે છે. ખાનગી રોકાણકારોના મતે બિલ્ટનું મૂલ્યાંકન ૧૦.૮ અબજ ડૉલર સુધી પહોંચી ગયું છે. વાર્ટન સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અંકુર જૈનને અમેરિકન ટેક ઇકોસિસ્ટમના સૌથી પ્રભાવશાળી યુવા સ્થાપકોમાંના એક માનવામાં આવે છે.
આ લિસ્ટમાં વીસમા સ્થાને ૩૯ વર્ષના નિખિલ કામથ છે જેમની કુલ સંપત્તિ ૩.૩ અબજ ડૉલર છે. તેઓ બૅન્ગલોરસ્થિત ડિસ્કાઉન્ટ બ્રોકરેજ ફર્મ ઝીરોધાના સહસ્થાપક અને CFO છે. ૨૦૧૦માં તેમણે તેમના ભાઈ નીતિન કામથ સાથે ઝીરોધાની સ્થાપના કરી હતી, જે હવે ભારતની સૌથી મોટી બ્રોકરેજ ફર્મ્સમાંની એક છે. ફૉર્બ્સ અનુસાર ઝીરોધાનું મૂલ્યાંકન આશરે ૮ અબજ ડૉલર હોવાનો અંદાજ છે.
બાવીસ વર્ષની ઉંમરે અબજોપતિ
બાવીસ વર્ષના આદર્શ હિરેમઠ અને સૂર્યા મિધા સંયુક્ત રીતે લિસ્ટમાં ૨૭મા ક્રમે છે. તેઓ વિશ્વના સૌથી નાના અબજોપતિઓમાંના એક છે. બન્ને ૨૦૨૩માં શરૂ કરેલા AI રિક્રૂટમેન્ટ સ્ટાર્ટઅપ Mercorના સહસ્થાપક છે. Mercor સિલિકૉન વૅલીમાં મુખ્ય AI લૅબ્સને તેમનાં મૉડલોને તાલીમ આપવામાં મદદ કરે છે. તેમની વ્યક્તિગત કુલ સંપત્તિ આશરે ૧૮૨૬ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.