તમે કર્મચારીઓને સાચવો, અમે તમને સાચવીશું

30 August, 2025 09:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટૅરિફના તનાવ વચ્ચે નિર્મલા સીતારમણે નિકાસકારોને કહ્યું...

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટૅરિફ લાદી દીધી છે એવા સમયે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઑર્ગેનાઇઝેશન્સ (FIEO)ના પ્રતિનિધિમંડળને મળ્યાં હતાં. તેમણે ગુરુવારે નિકાસકારોને ખાતરી આપી હતી કે અમેરિકાનો ટૅરિફવધારો અમલમાં આવતાં વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે, પણ કેન્દ્ર સરકાર મક્કમતાથી તમારી સાથે ઊભી છે. નાણાપ્રધાને નિકાસકારોને નોકરીઓનું રક્ષણ કરવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે સરકાર નિકાસકારોની તમામ ચિંતાઓને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેમનાં હિતોનું રક્ષણ કરવા માટે દરેક શક્ય માર્ગ શોધશે, પણ નિકાસકારોએ કામદારોની આજીવિકાનું રક્ષણ કરવું પડશે.

FIEOના પ્રમુખ એસ. સી. રલ્હનના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે ભારતીય નિકાસકારોને અમેરિકાની ઊંચી ટૅરિફને કારણે સામનો કરવો પડી રહેલા પડકારો રજૂ કર્યા હતા. રાલ્હને બજારની પહોંચ, સ્પર્ધાત્મકતા અને રોજગાર પર પ્રતિકૂળ અસર પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નિકાસકારો પરની તાણને ઓછી કરવા માટે ઝડપી અને માપાંકિત નીતિગત પગલાં લેવાની કેન્દ્ર સરકારને હાકલ કરી હતી.

nirmala sitharaman tariff indian economy united states of america donald trump india national news