નિર્મલા સિતારમણના જમાઈ પ્રતીક દોશી છે નરેન્દ્ર મોદીના ‘આંખ અને કાન’

09 June, 2023 03:14 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણના જમાઈ પ્રતીક દોશી મૂળ ગુજરાતના છે અને વડાપ્રધાન કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી તરીકે કામ કરી રહ્યા છે

નિર્મલા સીતારમણ

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીના લગ્ન ગુરુવારે થયા. લગ્ન ખૂબ સાદાઈથી કરવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં પરિવારના સભ્યો ઉપરાંત મિત્રોએ ભાગ લઈને ચાર ચાંદ લગાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગમાં રાજકીય મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ઉડુપી અદમારુ મઠના સંતો ત્યાં કન્યા અને વરરાજાને આશીર્વાદ આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન વખતે અદમારુ મઠના વૈદિક રીત-રસમોનું પાલન કરવામાં આવ્યું હતું.

નિર્મલા સીતારમણની પુત્રીનાં લગ્ન પીએમ નરેન્દ્ર મોદીના મુખ્ય સહયોગી એવા પ્રતીક દોશી સાથે થયાં છે. લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર સાથે પરકલા વાંગમયી અને પ્રતીકનાં લગ્ન કરાવી રહ્યા હોય એવાં દ્રશ્યો છે. નિર્મલા સીતારમણ પણ નજીકમાં ઉભેલા જોવા મળી રહ્યા છે.

વાંગમયીના વ્યવસાય વિષે વાત કરી તો તે એક પત્રકાર છે. પરકલા વાંગમયી એક પત્રકાર હોવા ઉપરાંત કટારલેખક પણ છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી લિટરેચરમાં બી.એ. તેમ જ યુનાઇટેડ સ્ટેટ્સમાંથી પત્રકારત્વમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તે અવારનવાર કલા, પુસ્તકો, જીવનશૈલી અને ટેકનોલોજી જેવા વિષયો પર પોતાની કલમ ચલાવતા હોય છે.
તેણે દેશનાં અનેક અગ્રણી મીડિયા સંગઠનો સાથે કામ કર્યું છે.

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણના જમાઈ પ્રતીક દોશી મૂળ ગુજરાતના છે અને વડાપ્રધાન કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી તરીકે કામ કરી રહ્યા છે. જ્યારે પીએમ મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ વર્ષ 2014માં દિલ્હી ગયા હતા. જૂન 2019માં તેમને જોઈન્ટ સેક્રેટરીના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું હતું. પ્રતીક દોશીએ સિંગાપોર મેનેજમેન્ટ સ્કૂલમાંથી સ્નાતકની ડીગ્રી મેળવેલી છે.

તેઓએ અગાઉ નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં સંશોધન સહાયક તરીકેનો અનુભવ લીધેલો છે. પીએમઓની વેબસાઈટ અનુસાર પ્રતીક દોશી પીએમઓની રિસર્ચ એન્ડ સ્ટ્રેટેજી વિંગમાં કામ કરી રહ્યા છે. પીએમને ભારત સરકાર (વ્યવસાયની ફાળવણી) નિયમો, 1961ના સંદર્ભમાં સચિવ સહાય પૂરી પાડવાની મહત્વની ભૂમિકા તેઓ ભજવી રહ્યા છે. તેઓના કામમાં સંશોધન અને વ્યૂહરચનાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: શું ​૨૦૨૪માં દિલ્હીની ખુરસીનો રસ્તો પટના થઈને જશે?

પ્રતીક દોશી સોશિયલ મીડિયા અને સમાચારોમાં બહુ જ ઓછું નામ છે. તેઓ કોઈપણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા નથી અને તેઓ લાઈમલાઈટથી ખૂબ જ દૂર રહેનાર વ્યક્તિ છે. તેમ છતાં પણ એક સમાચારપત્રના અહેવાલ મુજબ તેઓ ટોચના અમલદારો અને સરકારમાં મહત્ત્વના લોકોનું 360-ડિગ્રી સર્વેલન્સ કરે છે. આમ પ્રતીક દોશીના વ્યવસાય પર નજર કરતાં એટલું અચૂકપણે કહી શકાય કે પ્રતીક દોશી પીએમ મોદીના `આંખ અને કાન` છે, એમાં જરાય ખોટું નથી. 

nirmala sitharaman narendra modi national news india new delhi delhi