09 March, 2026 03:05 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના દીકરા નિશાંત કુમાર ગઈ કાલે જનતા દલ યુનાઇટેડમાં જોડાયા એ પછી રાજ્યભરમાં તેમના સમર્થનમાં નારા લાગ્યા હતા. પટનામાં તેમના સમર્થકો ‘નિશાંત હૈ તો નિશ્ચિંત હૈં’નાં પોસ્ટરો સાથે જોવા મળ્યાં હતાં.
૫૦ વર્ષના નિશાંત કુમારે પાર્ટીના નૅશનલ વર્કિંગ પ્રેસિડન્ટ સંજય ઝા પાસેથી પાર્ટીનું સભ્યપદ લઈને ઔપચારિક રીતે પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન લાલન સિંહ, બિહારના નાયબ મુખ્ય પ્રધાન વિજય ચૌધરી સહિત JDUના ઘણા મોટા નેતાઓ અને પાર્ટીના ઘણા કાર્યકરો હાજર રહ્યા હતા. જોકે નીતીશ કુમાર હાજર રહ્યા નહોતા. નિશાંતે પછીથી પિતા નીતીશકુમારનું મોઢું મીઠું કરાવીને પોતાના રાજકારણ-પ્રવેશની ઉજવણી કરી હતી.