એકલો હું કેમ ગાળો ખાઉં, ખરાબ કામ કરે એ બધાને લોકો ઓળખે

31 October, 2025 07:32 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દેશમાં ખરાબ ક્વૉલિટીના રોડ-કન્સ્ટ્રક્શન વિશે નીતિન ગડકરીએ આપ્યો સ્પષ્ટ જવાબ

નૅશનલ હાઇવે પર કૉન્ટ્રૅક્ટર, કન્સલ્ટન્ટ સહિત બધાની વિગતોનાં સાઇનબોર્ડ મૂકવામાં આવશે

થોડા સમય પહેલાં જ નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે આવનારા સમયમાં ભારતભરના હાઇવેઝ પર QR કોડ સાથેનાં સાઇનબોર્ડ્‌સ મૂકવામાં આવશે. આ સાઇનબોર્ડ્‌સમાં જે-તે હાઇવે પ્રોજેક્ટ્સને લગતી તમામ માહિતી મળી રહેશે, જેમાં પ્રોજેક્ટ સાથે જોડાયેલી તમામ મહત્ત્વની વ્યક્તિઓના કૉન્ટૅક્ટ-નંબર પણ મૂકવામાં આવશે. 

કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ મિનિસ્ટર નીતિન ગડકરીએ દિલ્હીમાં કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ની નૅશનલ કૉન્ફરન્સમાં ૨૮ ઑક્ટોબરે આ સંદર્ભે એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘રોડ પર સાઇનબોર્ડ્‌સ લગાવવાની મેં વાત કરી છે એટલે સૌને ખબર પડે કે કોણ રોડ-મિનિસ્ટર છે, કોણ સેક્રેટરી છે, તેમના ફોન-નંબર કયા છે, કૉન્ટ્રૅક્ટર કોણ છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર કોણ છે. એ બધી જ વિગતો લોકોને સીધી મળી શકશે.’

આટલું કહ્યા પછી નીતિન ગડકરીએ એવું કહ્યું હતું કે ‘હું શું કામ ગાળો ખાઉં? પ્રેસવાળા મારો એકલાનો ફોટો કેમ છાપે? કૉન્ટ્રૅક્ટરનો ફોટો પણ પ્રિન્ટ કરે, કન્સલટન્ટનો ફોટો પણ છાપે, સેક્રેટરીનો ફોટો પણ લે. ખરાબ રસ્તાની સમસ્યા મારા એકલાના ગળે કેમ લટકે? બધા જવાબ આપે. જે ખરાબ કામ કરશે તેમના વિશે લોકોને ખબર પડશે.’

રોડ-પ્રોજેક્ટ્સની વિગતો સાથેનાં સાઇનબોર્ડ્‌સ હાઇવેના ટોલ-પ્લાઝા, રેસ્ટ એરિયા, ટ્રકોના પાર્કિંગ માટેના એરિયા અને હાઇવેના સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પૉઇન્ટ્સ પર મૂકવામાં આવશે. સાઇનબોર્ડ્‌સમાં જરૂરી સુવિધાઓ અને ઇમર્જન્સીમાં મદદ માટેના નંબરો પણ હશે. NHAIનું કહેવું છે કે આ સાઇનબોર્ડ્‌સ નાગરિકોની સુવિધામાં વધારો કરશે અને સાથે પારદર્શિતા અને સેફ્ટીમાં પણ વધારો કરશે.

national news india nitin gadkari maharashtra state road transport corporation national highway indian government