નીતીશ કુમાર આજે દસમી વાર બિહારના ચીફ મિનિસ્ટર બનશે

20 November, 2025 10:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સવારે ૫૦ મિનિટના શુભ સમયમાં શપથ ગ્રહણ કરશે ઃ નરેન્દ્ર મોદી, અમિત શાહ હાજર રહેશે

ગઈ કાલે નીતીશ કુમારને NDA વિધાનસભા પક્ષના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા હતા.

ગઈ કાલે NDAના વિધાનસભ્યોની બેઠકમાં નીતીશ કુમારને NDAના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમના નામનો પ્રસ્તાવ BJPના નેતા સમ્રાટ ચૌધરીએ મૂક્યો હતો જેને તમામ વિધાનસભ્યોએ સમર્થન આપ્યું હતું. આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાનાં નામ પણ ફાઇનલ થઈ ગયાં છે.

મુખ્ય પ્રધાન પદનું નામ ફાઇનલ થયા પછી બિહારમાં નવી સરકારની રચના માટેની તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે અને ઐતિહાસિક ગાંધી મેદાનમાં નીતીશ કુમાર દસમી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. જ્યોતિષીઓ દ્વારા આજે સવારે ૧૧થી ૧૧.૫૦ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે જે શુભ ૫૦ મિનિટનો સમયગાળો છે. એ દરમ્યાન નીતીશ કુમાર તેમના કૅબિનેટ સાથીદારો સાથે શપથ લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, BJP પ્રમુખ જે. પી. નડ્ડા અને NDA શાસિત રાજ્યોના તમામ મુખ્ય પ્રધાનો શપથગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

શપથ ગ્રહણ સમારોહમાં દોઢથી બે લાખ લોકો હાજર રહે એવી અપેક્ષા છે. આ કદને ધ્યાનમાં રાખીને સ્ટેજ અને ગ્રાઉન્ડની ગોઠવણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. NDAએ શપથગ્રહણ સમારોહને તાજેતરનાં વર્ષોમાં બિહારમાં સૌથી મોટા કાર્યક્રમોમાંનો એક બનાવવાની તૈયારીઓ કરી છે. 

નીતીશ કુમારનો નવો રેકૉર્ડ
નીતીશ કુમાર હવે સૌથી વધુ વખત મુખ્ય પ્રધાન બનવાનો રેકૉર્ડ બનાવશે. તેમણે ૯ વખત આ પદ સંભાળ્યું છે. જ્યારે આ વખતે તેઓ શપથ લેશે ત્યારે તેઓ દસમી વખત મુખ્ય પ્રધાનપદના શપથ લેશે, જે એક નવો રેકૉર્ડ બનશે.

નીતીશ કુમાર દસમી વખત મુખ્ય પ્રધાન બનીને રેકૉર્ડ બનાવશે, પણ ટૉપ ટેન કાર્યકાળમાં સૌથી છેલ્લા છે

આજે નીતીશ કુમાર રેકૉર્ડ દસમી વાર મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવાના છે. જોકે સૌથી લાંબો સમય મુખ્ય પ્રધાન તરીકે કાર્યકાળનો રેકૉર્ડ ઘણા અન્ય નેતાઓના નામે છે.
૧ - પવન કુમાર ચામલિંગ

સિક્કિમના મુખ્ય પ્રધાન તરીકે પવન કુમાર ચામલિંગના નામે સૌથી લાંબા સમય સુધી મુખ્ય પ્રધાન તરીકે રહેવાનો રેકૉર્ડ છે. તેઓ સતત પાંચ વખત સિક્કિમના મુખ્ય પ્રધાન રહ્યા હતા. તેમનો કાર્યકાળ ૨૪ વર્ષ ૧૬૫ દિવસનો હતો. 

૨ - નવીન પટનાયક

નવીન પટનાયક ૨૪ વર્ષ ૯૯ દિવસ ઓડિશાના મુખ્ય પ્રધાન રહ્યા હતા.

૩ - જ્યોતિ બાસુ

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાનના પદ પર તેઓ ૨૩ વર્ષ ૧૩૭ દિવસ રહ્યા હતા.

૪- ગેગૉન્ગ અપાંગ

અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે તેઓ ૨૨ વર્ષ ૨૫૦ દિવસ રહ્યા હતા.

૫ - લલથનહવલા

મિઝોરમના મુખ્ય પ્રધાનના પદ પર તેઓ ૨૨ વર્ષ ૬૦ દિવસ રહ્યા હતા.

૬ - વીરભદ્ર સિંહ

હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનના પદ પર તેઓ ૨૧ વર્ષ ૧૩ દિવસ રહ્યા હતા.

૭ - માણિક સરકાર

ત્રિપુરાના મુખ્ય પ્રધાનના પદ પર તેઓ ૧૯ વર્ષ ૩૬૩ દિવસ રહ્યા હતા.

૮ - એમ. કરુણાનિધિ

તામિલનાડુના મુખ્ય પ્રધાનના પદ પર તેઓ ૧૮ વર્ષ ૩૬૨ દિવસ રહ્યા હતા.

૯ - પ્રકાશ સિંહ બાદલ

પંજાબના મુખ્ય પ્રધાનના પદ પર તેઓ ૧૮ વર્ષ ૩૫૦ દિવસ રહ્યા હતા.

૧૦ - ​​નીતીશ કુમાર

બિહારના મુખ્ય પ્રધાનના પદ પર તેઓ ૧૮ વર્ષ ૩૪૭ દિવસ રહ્યા છે.

national news india nitish kumar political news narendra modi amit shah bihar elections bihar indian government