News In Short : ભારતમાં ઑમિક્રૉનનો કેસ નથી : આરોગ્યપ્રધાન

01 December, 2021 01:25 PM IST  |  New Delhi | Agency

કોરોનાની કટોકટી દરમ્યાન અમે ખૂબ શીખ્યા છીએ. આજે આપણી પાસે વ્યાપક રિસોર્સિસ અને લૅબોરેટરીઝ છે. અમે કોઈ પણ સ્થિતિને સંભાળી શકીએ છીએ.’

મનસુખ માંડવિયા (ફાઇલ તસવીર)

સાઉથ આફ્રિકાથી ઇન્ડિયા આવેલા કેટલાક પૅસેન્જર કોરોના પૉઝિટિવ આવતાં તાણની સ્થિતિ વચ્ચે કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ ગઈ કાલે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમ્યાન જણાવ્યું હતું કે ‘ઇન્ડિયામાં અત્યાર સુધીમાં કોરોનાના વેરિઅન્ટ ઑમિક્રૉનનો એક પણ કેસ નોંધાયો નથી.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘અમે તાત્કાલિક શંકાસ્પદ કેસની ટેસ્ટ અને જિનોમ સીક્વન્સિંગ પણ કરીએ છીએ. કોરોનાની કટોકટી દરમ્યાન અમે ખૂબ શીખ્યા છીએ. આજે આપણી પાસે વ્યાપક રિસોર્સિસ અને લૅબોરેટરીઝ છે. અમે કોઈ પણ સ્થિતિને સંભાળી શકીએ છીએ.’

‘હર ઘર દસ્તક’ અભિયાન ૩૧ ડિસેમ્બર સુધી રહેશે

કેન્દ્ર સરકારનું ‘હર ઘર દસ્તક’ અભિયાન ૩૧ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. જેમાં ફોકસ કોરોનોની રસીના પહેલા ડોઝના ટાર્ગેટને ૧૦૦ ટકા કમ્પ્લીટ કરવા સાથે જ પહેલો ડોઝ લઈ લેનારા તમામને બીજો ડોઝ આપવા પર છે. બીજી નવેમ્બરે ધન્વંતરી દિવસે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે-ઘરે જઈને લોકોને કોરોનાની વૅક્સિનનો ડોઝ આપે છે. દરમિયાનમાં સોર્સિસે જણાવ્યું હતું કે ‘આ નવો ઑમિક્રૉન વેરિઅન્ટ આરટી-પીસીઆર અને રૅપિડ ઍન્ટિજન ટેસ્ટમાં પકડાય છે.’

લદ્દાખમાં ચીન પર નજર રાખશે ઇઝરાયલનાં ડ્રૉન 

ભારતીય સેનાને ઇઝરાયલમાં બનેલાં ઍડ્વાન્સ હેરોન ડ્રૉન મળ્યાં છે જેને લીધે સેના લદ્દાખના દુર્ગમ વિસ્તારોમાં ચીનની ગતિવિધિઓ પર નજર રાખશે. કોરોનાને કારણે આ ડ્રૉન મળવામાં થોડો વિલંબ થયો હતો. આ ડ્રૉનની ઍન્ટિ જેમિંગ ક્ષમતા અગાઉના વર્ઝન કરતાં સારી છે. ગયા મહિને જ મોદી સરકારે આર્મીને જરૂર હોય ત્યારે ઇમર્જન્સી ખરીદીના અધિકાર આપ્યા હતા, જે મુજબ આર્મી ૫૦૦ કરોડ રૂપિયા સુધીનાં ઇક્વિપમેન્ટ્સ અને સિસ્ટમની ખરીદી કરી શકે છે. ઇઝરાયલથી આ ડ્રૉન આ અધિકાર દ્વારા જ મગાવાયા છે. 

જાતિ આધારિત વસ્તી ગણતરીની કોઈ જ યોજના નથી : કેન્દ્ર

કેન્દ્ર સરકારે ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે શેડ્યુલ કાસ્ટ (એસસી) અને શેડ્યુલ ટ્રાઇબ (એસટી)ને બાદ કરતાં આઝાદી બાદ જાતિ આધારિત વસ્તીગણતરી કરવામાં આવી નથી. ગઈ કાલે સંસદમાં એક સવાલ ઉઠાવ્યો હતો જે મુજબ સરકાર ૨૦૨૧-’૨૨માં જાતિ આધારિત વસ્તીગણતરી કરવાની છે કે નહીં ? જો નહીં તો એનું કારણ આપવામાં આવે. જેના જવાબમાં રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન નિત્યાનંદ રાયે લોકસભામાં કહ્યું હતું કે ‘બંધારણની જોગવાઈ મુજબ એસસી અને એસટીની જ ગણતરી થાય છે. આઝાદી બાદ અન્ય કોઈ જ્ઞાતિની વસ્તીગણતરી થઈ નથી. સરકારે ૨૦૧૯માં બહાર પાડેલા ગૅઝેટ્સમાં પણ આ વિશે પોતાની વાત સ્પષ્ટ કરી છે.’ 

national news south africa