ત્રણ દિવસથી માઘમેળામાં અનશન પર બેઠેલા અવિમુક્તેશ્વરાનંદને નોટિસ મોકલી

21 January, 2026 08:55 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

જોકે સોમવારે રાતે ૧૨ વાગ્યે મેળાના પ્રશાસને તેમને ‘શંકરાચાર્ય’ શબ્દના ઉપયોગ માટે ખુલાસો માગતી નોટિસ મોકલી હતી.

અવિમુક્તેશ્વરાનંદ

મૌની અમાવસ્યા પર માઘમેળામાં રથ રોકવાના મુદ્દે નારાજ થયેલા જ્યોતિર્પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ તેમની શિબિરની બહાર જ ધરણાં પર બેસી ગયા હતા.  જોકે સોમવારે રાતે ૧૨ વાગ્યે મેળાના પ્રશાસને તેમને ‘શંકરાચાર્ય’ શબ્દના ઉપયોગ માટે ખુલાસો માગતી નોટિસ મોકલી હતી. આ નોટિસમાં તેમને તેમના નામની આગળ ‘શંકરાચાર્ય’ લખવા પર વાંધો ઉઠાવ્યો છે.
મેળા પ્રશાસને સુપ્રીમ કોર્ટના કેસનો સંદર્ભ આપ્યો છે અને તેમને ૨૪ કલાકની અંદર જવાબ આપવા કહ્યું છે. મેળા પ્રશાસને પૂછ્યું છે કે તેઓ તેમના નામ પહેલાં ‘શંકરાચાર્ય’ શબ્દનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા છે? જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આ પદ વિશે વધુ આદેશ ન આપે ત્યાં સુધી કોઈ પણ ધાર્મિક નેતાને જ્યોતિર્પીઠના શંકરાચાર્ય તરીકે પટ્ટાભિષેકિત કરવામાં આવ્યા નથી.

પ્રશાસનની નોટિસથી નારાજ અવિમુક્તેશ્વરાનંદનો તીખો જવાબ - રાષ્ટ્રપતિને પણ શંકરાચાર્યની નિમણૂક કરવાનો અધિકાર નથી 

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને માઘમેળા પ્રશાસને નોટિસ મોકલ્યા બાદ હવે તેમણે સરકાર અને પ્રશાસન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પાસે પણ શંકરાચાર્યની નિમણૂક કરવાનો અધિકાર નથી. તેમણે કહ્યું હતું કે ‘શંકરાચાર્ય એ છે જેને અન્ય ત્રણ પીઠોના શંકરાચાર્ય પણ શંકરાચાર્ય કહે છે. ત્રણ પીઠોમાંથી બે પીઠના શંકરાચાર્ય મને શંકરાચાર્ય કહે છે.  તેઓ મને ગયા માઘમેળામાં સ્નાન કરવા માટે પોતાની સાથે લઈ ગયા હતા. જ્યારે દ્વારકા અને શ્રૃંગેરીના શંકરાચાર્ય પોતે કહી રહ્યા છે કે તમે શંકરાચાર્ય છો અને સ્નાન કરી રહ્યા છો તો તમારે કયા પુરાવાની જરૂર છે? શું પ્રશાસન નક્કી કરશે કે અમે શંકરાચાર્ય છીએ કે નહીં? શું ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન નક્કી કરશે કે અમે શંકરાચાર્ય છીએ કે નહીં? કે દેશના રાષ્ટ્રપતિ નક્કી કરશે? ભારતનાં રાષ્ટ્રપતિને પણ એ નક્કી કરવાનો અધિકાર નથી કે કોણ શંકરાચાર્ય છે અને કોણ નહીં. શંકરાચાર્યનો નિર્ણય શંકરાચાર્ય કરે છે. પુરીના શંકરાચાર્યે કંઈ કહ્યું નથી; તેઓ ચૂપ છે. તેમનું ઍફિડેવિટ સૌપ્રથમ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું જેમાં તેમણે વિરોધ કર્યો હતો એમ જણાવવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે અમે ઍફિડેવિટની કૉપી મેળવી ત્યારે એમાં તેમણે લખ્યું હતું કે તેમની પાસેથી કોઈ સમર્થન માગવામાં આવ્યું નહોતું, એથી તેમણે એ આપ્યું નહીં. અમને બે શંકરાચાર્યોનો સીધો લેખિત અને વ્યવહારુ ટેકો છે અને ત્રીજા શંકરાચાર્યની મૌન સંમતિ છે. બીજું કોણ શંકરાચાર્ય છે? નિર્વિવાદપણે અમે જ્યોતિર્વિદના શંકરાચાર્ય છીએ.’ 

national news india prayagraj indian government uttar pradesh