હવે ભારતમાં પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન શરૂ થશે

06 July, 2022 10:20 AM IST  |  Mumbai | Shailesh Nayak

દેશનાં રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે એવી જાહેરાત કરી હતી કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૪માં ભારતમાં પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.

હવે ભારતમાં પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન શરૂ થશે


અમદાવાદ ઃ દેશનાં રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે એવી જાહેરાત કરી હતી કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૪માં ભારતમાં પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. આ ટેક્નૉલૉજી ત્યાર બાદ તબક્કા વાર જહાજોમાં પણ ઉપયોગમાં લેવાશે.’
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગઈ કાલે નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (એન.એફ.એસ.યુ.)ના વિદ્યાર્થીઓ–ઇનોવેટર્સ સાથે કેન્દ્રીય રેલવે–આઇ.ટી. પ્રધાન અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં ફોસ્ટરિંગ મેક ઇન ઇન્ડિયા થ્રુ સ્ટાર્ટઅપ ઍન્ડ ઇનોવેશન વિશે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓએ કહ્યું હતું કે ‘અમદાવાદ અને મુંબઈ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ઑગસ્ટ ૨૦૨૩ સુધીમાં નવી ૭૫ ટ્રેન, જ્યારે આગામી ત્રણ–ચાર વર્ષમાં અંદાજે ૪૦૦ નવી ટ્રેન ભારતીયોની સેવામાં જોડાશે. વંદે ભારત ટ્રેનના વધુ બીજા બે આધુનિક વર્ઝન આગામી સમયમાં લૉન્ચ કરાશે, જેની ઝડપ અંદાજે પ્રતિ કલાક ૨૦૦ કિલોમીટરથી વધુ હશે.’
અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓ અને ઇનોવેટર્સને ટીમ બનાવી રેલવે ઇલેક્ટ્રિક નેટવર્ક પ્રોજેક્ટ તેમ જ રેલવેમાં ગુના–અકસ્માતમાં તપાસ અને એના ઉકેલ લાવવા માટે રેલવે સાથે જોડાવવા આહ્‍‍વાન કરીને કહ્યું હતું કે ‘રેલવે વિભાગ નૅશનલ ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે નૅશનલ ફૉરેન્સિક લૅબ તેમ જ મોબાઇલ ફૉરેન્સિક લૅબની સ્થાપના માટે એમ.ઓ.યુ. કરશે. આ સમજૂતી કરાર દ્વારા રેલવેમાં થતા ગુના ઉકેલવામાં ફૉરેન્સિક તપાસ અને અકસ્માતોના નિવારણમાં મદદ મળશે. રેલવેમાં ટેક્નૉલૉજીનો મહત્તમ ઉપયોગ કરીને કેવી રીતે વધુ સારી સેવાઓ આપી શકાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દેશભરના યુવાનોને સ્ટાર્ટઅપના માધ્યમથી આવકારી રહી છે. 
રેલવે ક્ષેત્રે નવીન સંશોધનના હેતુથી સ્ટાર્ટઅપ માટે ૧.૫ કરોડ રૂપિયા સુધીની સહાય કરવામાં આવે છે. રેલવે સેવાને વધુ શ્રેષ્ઠ – ઝડપી બનાવવા હાલમાં ૧૫૦ સ્ટાર્ટઅપ કાર્યરત છે.’
આ પ્રસંગે એન.એફ.એસ.યુ.ના વાઇસ ચાન્સેલર પ્રો. જુનારે સહિત ગુજરાતના અધિકારીઓ, એન.એફ.એસ.યુ.ના ફૅકલ્ટીઝ, વિદ્યાર્થીઓ તેમ જ ઇનોવેટર્સ ઉપસ્થિત રહ્યા હતા. 

national news