Odisha Fire: ઓડિશાની સરકારી હોસ્પિટલમાં ભભૂકી આગ- જીવ ગયો ૧૦ પૅશન્ટ્સનો

16 March, 2026 09:59 AM IST  |  Odisha | Gujarati Mid-day Online Correspondent

Odisha Fire: કુલ ૨૩ કેટલા દર્દીઓ ભરતી થયેલા હતા. જેમને બચાવવા હૉસ્પિટલનો સ્ટાફ મદદે દોડી ગયો હતો. આ બચાવકામગીરી દરમિયાન ૧૧ જેટલા હોસ્પિટલ સ્ટાફના સભ્યોને ઇજાઓ થઈ હતી

આગ લાગ્યા બાદ હૉસ્પિટલનો આઈસીયુ વિભાગ (તસવીર સૌજન્ય- પીટીઆઈ)

ઓડિશાના કટકમાં આવેલ શ્રીરામ ચંદ્ર ભાંજા મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં ગઇકાલે રાત્રે લગભગ ત્રણ વાગ્યે ભીષણ આગ લાગવાની (Odisha Fire) ઘટના બની છે. આ હાદસામાં દસ પૅશન્ટ્સના દર્દનાક મોત થયા હોવાનો અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યો છે. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ સહુ પ્રથમ હૉસ્પિટલના પહેલે માળે આવેલ ટ્રોમા કેરના આઈસીયુમાં લાગી હતી. જ્યાં કુલ ૨૩ કેટલા દર્દીઓ ભરતી થયેલા હતા. જેમને બચાવવા હૉસ્પિટલનો સ્ટાફ મદદે દોડી ગયો હતો. આ બચાવકામગીરી દરમિયાન ૧૧ જેટલા હોસ્પિટલ સ્ટાફના સભ્યોને ઇજાઓ થઈ હતી. અહેવાલો અનુસાર દર્દીઓને બચાવવા વહારે થયેલો સ્ટાફ ઘાયલ થયો છે. આગને કારણે હૉસ્પિટલમાં આવેલ ટ્રોમા કેર યુનિટ તો લગભગ સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયો છે. અહીંના લગભગ તમામ બેડ બળી ગયા છે.

મુખ્યમંત્રીએ વિઝિટ કરી- મૃતકોના પરિવાર માટે વળતરની પણ જાહેરાત કરાઇ

હ્રદયદ્રાવક ઘટના (Odisha Fire)ની માહિતી મળ્યા પછી તરત જ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી આરોગ્ય મંત્રી મુકેશ મહાલિંગ સાથે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મ એલવ્યો હતો. તેઓએ આ સમગ્ર બનાવમાં ઘાયલ થયેલ દર્દીઓની પણ મુલાકાત લીધી હતી કે જ્યાં આ દર્દીઓની અત્યારે સારવાર કરવામાં આવી રહી છે. તેઓએ જણાવ્યું હતું કે, કુલ ૨૩ દર્દીઓને અન્ય વિભાગોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. સાત ગંભીર દર્દીઓને આ બનાવ દરમિયાન ICU અને અન્ય વોર્ડમાં શિફ્ટ વખતે મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય ત્રણ દર્દીઓનું પણ મોત નીપજ્યું છે. મેં સંબંધિત અધિકારીઓને ઇજાગ્રસ્ત દર્દીઓની યોગ્ય સારવાર માટે નિર્દેશો આપી દીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકના પરિવારને ૨૫ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ઘટનાક્રમ

આ ભયાવહ આગ (Odisha Fire) મોડી રાત્રે લગભગ  અઢીથી ત્રણ વાગ્યાની વચ્ચે શરૂ થઈ હતી. આ સમયે આઈસીયુ વિભાગમાં દર્દીઓની સારવાર ચાલી રહી હતી. બનાવ અંગે તાબડતોબ ફાયર વિભાગને જાણ કરાઇ હતી. ફાયર એન્જિનનો કાફલો ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો સાથે રેસ્ક્યૂ કાર્ય માટે દોડી આવ્યો હતો. હૉસ્પિટલનો સ્ટાફ પણ દર્દીઓને બચાવવા પુરી મહેનત કરી રહ્યો હતો. સ્ટાફ દ્વારા આઈસીયુમાં સારવાર લઈ રહેલાં દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવાનું શરૂ કરી નાખ્યું હતું. જોકે, ગંભીર રીતે બીમાર સાત દર્દીઓને અન્ય ICU તેમજ અન્ય વોર્ડમાં શિફ્ટ કરવાની કામગીરી શરૂ હતી ત્યાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય ત્રણ દર્દીઓએ પછીથી દમ (Odisha Fire) તોડ્યો હતો. 

સંસ્થા વિશે

એસ.સી.બી. મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલની સ્થાપના ૧૯૪૪માં થઈ હતી. આ સંસ્થા પૂર્વ ભારતની સૌથી જૂની અને સૌથી મોટી સરકારી મેડિકલ સંસ્થા છે. ઓડિશાની સૌથી મોટી રેફરલ હૉસ્પિટલ તરીકે સેવા આપતી આ સંસ્થા ખૂબ જ જાણીતી છે. ન માત્ર રાજ્ય, પરંતુ અહીં આસપાસના પ્રદેશોમાંથી પણ પૅશન્ટ્સ આવે છે.

national news india odisha fire incident mohan charan majhi indian government