ઓમાઇક્રોન તમામ મોટાં શહેરોમાં હોવાની શક્યતા છે

05 December, 2021 09:02 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મૉલેક્યુલર બાયોલૉજીના ભૂતપૂર્વ ચીફે એમ પણ જણાવ્યું કે ઓમાઇક્રોન ઑલરેડી ઇન્ડિયામાં છે, એ વિદેશોમાંથી નથી આવ્યો

પ્રતીકાત્મક તસવીર

ઓમાઇક્રોન વેરિઅન્ટના કારણે ઍરપોર્ટ્સ પર પૅસેન્જર્સનાં ટેસ્ટિંગ માટે કડક નિયમો લાગુ કરાયા છે. જોકે હૈદરાબાદસ્થિત સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મૉલેક્યુલર બાયોલૉજી (સીસીએમબી)ના ભૂતપૂર્વ ચીફનું કહેવું છે કે ઇન્ડિયામાં કોઈ ટ્રાવેલ-હિસ્ટરી ન ધરાવતી કોરોના પૉઝિટિવ વ્યક્તિમાં ઓમાઇક્રોન વેરિઅન્ટ ડિટેક્ટ થયો એનાથી ખ્યાલ આવે છે કે આ ‘અત્યંત મ્યુટેડ’ વાઇરસ માત્ર ઍરપોર્ટ્સ પરથી જ આવ્યો નથી, પરંતુ એ ઑલરેડી ઇન્ડિયામાં છે અને તમામ મોટાં શહેરમાં હોવાની શક્યતા છે. સીસીએમબીના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રાકેશ મિશ્રાએ કહ્યું હતું કે ‘પૉઝિટિવ બાબત એ છે કે આ વેરિઅન્ટનાં કદાચ અવગણી શકાય એવાં લક્ષણો છે એટલે એ મોટા પાયે ફેલાવા છતાં એની અત્યાર સુધીમાં ખૂબ જ અસર થઈ નથી.’ 
હૈદરાબાદ બેઝ્ડ સીસીએમબી લાઇફ સાયન્સિસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ હેઠળ કામ કરે છે.  
ઇન્ડિયામાં ઓમાઇક્રોન વેરિઅન્ટના પહેલા કેસ કર્ણાટકમાં નોંધાયા હતા. આ બે કેસમાંથી એક પેશન્ટ બૅન્ગલોરનો નિવાસી છે કે જેની કોઈ ટ્રાવેલ-હિસ્ટરી નથી. ડૉ. મિશ્રાએ કહ્યું હતું કે ‘એનો ચોક્કસપણે અર્થ થાય કે તમામ કેસ વિદેશોમાંથી નથી આવતા. એનો અર્થ એ છે કે ઓમાઇક્રોન ઑલરેડી અહીં છે. વાસ્તવમાં ઇન્ડિયામાં મોટા ભાગનાં સિટીઝમાં આ વેરિઅન્ટ હોવાની શક્યતા છે.’

national news Omicron Variant