17 November, 2026 11:29 AM IST | Panipat | Gujarati Mid-day Correspondent
ભારતીય શિક્ષક સાથેના ઑનલાઇન પ્રેમમાં છેતરાઈ ગઈ કૅનેડાની મહિલા?
ઑનલાઇન ડેટિંગ ઍપ પર પ્રેમ પાંગર્યા બાદ કૅનેડાની ૬૧ વર્ષની મહિલા લગ્નની આશા સાથે સાત સમંદર પાર કરીને ભારત આવી, પરંતુ અહીં તેની પ્રેમકહાનીનો કરુણ અંજામ આવ્યો હતો. રાજસ્થાનના નીમરાણા પહોંચ્યા બાદ હરિયાણાના પાનીપતના એક પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકે મહિલાની ઉંમર વધુ હોવાનું કારણ આપીને લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
નીમરાણા પોલીસ-સ્ટેશનના અધિકારી સુરેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે પાનીપતના નીતિન નામના યુવકની મુલાકાત એક ડેટિંગ ઍપ દ્વારા કૅનેડાની મહિલા સાથે થઈ હતી. બન્ને વચ્ચે પ્રેમ થયો અને લગ્ન કરવા માટે સંમત થયાં હતાં. ૧૧ નવેમ્બરે આ મહિલા ટૂરિસ્ટ-વીઝા પર દિલ્હી ઍરપોર્ટ પહોંચી ત્યારે નીતિન તેને રિસીવ કરવા આવ્યો અને તેને નીમરાણા સ્થિત પોતાના કાકાના ફ્લૅટ પર લઈ ગયો હતો. બે દિવસ સાથે રહ્યા બાદ જ્યારે લગ્નની વાત આગળ વધી ત્યારે તીતિનને ખબર પડી કે મહિલાની ઉંમર ૬૧ વર્ષ છે.
ઉંમરનો મોટો તફાવત જોઈને તેણે લગ્નનો નનૈયો ભણ્યો, જેના કારણે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. નિરાશ થયેલી મહિલાએ કૅનેડા દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. દૂતાવાસની સૂચના મળતાં જ નીમરાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને નીતિનની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.