શંકાસ્પદ આતંકવાદીઓને શોધવા માટેનું ઑપરેશન શેરાંવાલી ત્રીજા દિવસે પણ ચાલુ

26 May, 2026 09:19 AM IST  |  Jammu and kashmir | Gujarati Mid-day Correspondent

‘ઑપરેશન શેરાંવાલી’ શરૂ થયા બાદ ૨૩ મેએ ડોરીમલ-ગંભીર મોગલા પટ્ટામાં આતંકવાદીઓએ થોડા સમય માટે ગોળીબાર કર્યો હતો

શંકાસ્પદ આતંકવાદીઓની મૂવમેન્ટ થઈ હોવાની ખુફિયા માહિતીના આધારે રાજૌરીમાં સુરક્ષાદળોએ સઘન સર્ચ-ઑપરેશન હાથ ધર્યું હતું.

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાનાં ગાઢ જંગલોમાં છુપાયેલા શંકાસ્પદ આતંકવાદીઓને શોધવા માટેનું સર્ચ ઑપરેશન ‘ઑપરેશન શેરાંવાલી’ ગઈ કાલે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું. શંકાસ્પદ આતંકવાદીઓની હિલચાલ અંગે ચોક્કસ માહિતી મળ્યા બાદ સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની સંયુક્ત ટીમે શનિવારે ૨૩ મેએ આ વિસ્તારમાં ઑપરેશન શરૂ કર્યું હતું. 

‘ઑપરેશન શેરાંવાલી’ શરૂ થયા બાદ ૨૩ મેએ ડોરીમલ-ગંભીર મોગલા પટ્ટામાં આતંકવાદીઓએ થોડા સમય માટે ગોળીબાર કર્યો હતો. રવિવારે હેલિકૉપ્ટર, ડ્રોન અને શ્વાન ઉપરાંત મોરચા પર વધારાના સૈનિકો તહેનાત કરવામાં આવ્યા હતા. જવાનો જંગલો અને દુર્ગમ પહાડી વિસ્તારોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવામાં રોકાયેલા છે.

આતંકવાદીઓ ગાઢ જંગલો અને પહાડી વિસ્તારનો લાભ લઈને ભાગી જવામાં સફળ રહ્યા હતા. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. પ્રારંભિક માહિતી બેથી ૩ આતંકવાદીઓની હાજરી સૂચવે છે. એજન્સીઓનું માનવું છે કે આતંકવાદીઓ હજી પણ જંગલોમાં છુપાયેલા હોઈ શકે છે.

national news india jammu and kashmir terror attack indian army