શું ​૨૦૨૪માં દિલ્હીની ખુરસીનો રસ્તો પટના થઈને જશે?

09 June, 2023 11:13 AM IST  |  New Delhi | Harsh Desai

લોકસભાની ચૂંટણીમાં બીજેપીને હરાવવા માટે વિપક્ષો એક મંચ પર આવી રહ્યા છે, પરંતુ બેઠકોની વહેંચણી માટે ફૉર્મ્યુલા નક્કી કરવામાં તેઓ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે

રાહુલ ગાંધી અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર એ કામ કરી રહ્યા છે કે જે તેમના પહેલાં વિપક્ષના નેતાઓ કરી શક્યા નથી. નંબર-વન મોદી વિરોધી લીડર તરીકે પોતાની ઓળખ બનાવવા આતુર નીતીશે એ તમામ વિપક્ષોને એક મંચ પર લાવવાની સફળતા મેળવી છે કે જેઓ જુદાં-જુદાં કારણસર એક મંચ પર આવતા નહોતા. નીતીશે વિપક્ષોના નેતાઓને એક મંચ પર લાવવાના જે પ્રયાસો કર્યા હતા એનાં પરિણામ જોવા મળી રહ્યાં છે.

૨૩ જૂને પટનામાં યોજાનારી વિપક્ષોના નેતાઓની મીટિંગમાં કૉન્ગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી, એનસીપીના લીડર શરદ પવાર, શિવસેના (યુબીટી)ના ચીફ ઉદ્ધવ ઠાકરે, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, તામિલનાડુના સીએમ એમ. કે. સ્ટાલિન, ઝારખંડના સીએમ હેમંત સોરેન હાજર રહેવાનાં છે. કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષો વચ્ચે એ બાબતે સંમતિ થઈ ગઈ છે કે લોકસભાની ઓછામાં ઓછી ૪૫૦ બેઠકો પર વિપક્ષોનો સંયુક્ત ઉમેદવાર બીજેપીના ઉમેદવારનો સામનો કરશે. વિપક્ષોનો પૂરેપૂરો પ્રયાસ છે કે બીજેપી વિરોધી મતોનું વિભાજન કોઈ પણ રીતે ન થાય, જેના માટે વિપક્ષો થોડીક બેઠકો ગુમાવવા માટે પણ તૈયાર છે. 

અત્યાર સુધી કહેવામાં આવ્યું હતું કે કૉન્ગ્રેસ ૩૫૦ બેઠકો પર પોતાના ઉમેદવારોને ઊભા રાખવા માટે મક્કમ રહી હતી. જોકે, હવે કૉન્ગ્રેસ પણ ઝૂકી છે. રિસન્ટલી રાહુલ ગાંધીએ અમેરિકાની વિઝિટ દરમ્યાન સ્પષ્ટ જણાવ્યું હતું કે બીજેપી અને આરએસએસને હરાવવા માટે કૉન્ગ્રેસે મોટું બલિદાન આપવું પડશે તો એ આપશે. હાલમાં બીજેપીની પાસે પોતાના બળે લોકસભામાં ૩૦૧ બેઠકો છે. વિપક્ષોનો આગામી લોકસભામાં ૪૫૦ બેઠકો પર જીત મેળવવાનો ટાર્ગેટ છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ રાષ્ટ્રીય સ્તરે વિપક્ષોની એકતા માટે પહેલાં જ ફૉર્મ્યુલા આપી છે કે જે રાજ્યમાં જે પાર્ટી મજબૂત છે એને બાકી તમામ વિપક્ષો પૂરેપૂરું સમર્થન આપે, જેથી બીજેપીનો પૂરી તાકાતથી સામનો કરી શકાય. જોકે, આ ફૉર્મ્યુલા સામે સૌથી વધુ વાંધો કૉન્ગ્રેસને જ છે. કૉન્ગ્રેસને અનેક રાજ્યોમાં જનાધાર છે અને કેટલાંક રાજ્યોમાં પ્રાદેશિક પાર્ટીઓએ એની પાસેથી સત્તા છીનવી છે. એવામાં કૉન્ગ્રેસ માટે સૌથી મોટી મુશ્કેલી એ જ રહેશે કે એ કેવી રીતે દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી સમક્ષ આત્મસમર્પણ કરી દે. કૉન્ગ્રેસ માટે પડકાર એ છે કે એના કેન્દ્રીય નેતાઓ તો માની ગયા છે, પરંતુ રાજ્યોના પ્રાદેશિક નેતાઓ આવી કોઈ પણ ફૉર્મ્યુલાની વિરુદ્ધ છે. શરદ પવારે મમતાની ફૉર્મ્યુલામાં સુધારો કરીને રાજ્યોના બદલે સીટ્સ પર ફોકસ કરવા જણાવ્યું છે. વળી, પ્રાદેશિક પાર્ટીઓની સાથે ખભાથી ખભા મિલાવીને સાથે ચાલતા કૉન્ગ્રેસના નેતાઓ હજી સંકોચ કરી રહ્યા છે, જેમ કે અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં ઍડ‍્મિનિસ્ટ્રેટિવ સર્વિસિસ પર કન્ટ્રોલ મામલે કેન્દ્ર સરકારના વટહુકમની વિરુદ્ધ વિપક્ષોનો સપોર્ટ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. જોકે તેમને હજી સુધી કૉન્ગ્રેસ તરફથી પૂરેપૂરો સપોર્ટ મળ્યો નથી. બીજી પ્રાદેશિક પાર્ટીઓનું પણ એમ જ કહેવું છે કે કૉન્ગ્રેસે મોટા ભાઈ હોવાનું વલણ છોડવું જોઈએ. 

nitish kumar Lok Sabha rahul gandhi congress new delhi bihar patna