અમરિન્દર સિંહનાં ખાસંખાસ અરુસા આલમ આઇએસઆઇ લિન્કની તપાસનો આદેશ

23 October, 2021 10:55 AM IST  |  New Delhi | Agency

અમરિન્દરને સાણસામાં લેવા માટે પંજાબની કૉન્ગ્રેસ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે

અમરિન્દર સિંહનાં ખાસંખાસ અરુસા આલમ આઇએસઆઇ લિન્કની તપાસનો આદેશ

પંજાબના નાયબ મુખ્ય પ્રધાન સુખજિન્દર રંધાવાએ શુક્રવારે કહ્યું હતું કે પંજાબ સરકાર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહની તપાસ કરશે. પત્રકાર અરુસા આલમના માધ્યમથી આઇએસઆઇ સાથેના જોડાણ શોધવા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની તપાસ કરવામાં આવશે.
અરુસા આલમ પાકિસ્તાનના સુરક્ષા ક્ષેત્રના પત્રકાર છે, તેમનું નામ કૅપ્ટન અમરિન્દર સિંહ સાથે અગાઉ પણ ચમકેલું છે. કૅપ્ટન અમરિન્દર સિંહ દ્વારા વારંવાર પંજાબની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને પાકિસ્તાન તરફથી આવતા ડ્રોન્સ અંગે ચેતવણીઓ આપવામાં આવી છે. તેમણે સિધુને પંજાબની સુરક્ષા માટે જોખમી ગણાવ્યા હતા અને તેમના આઇ.એસ.આઇ. સાથે છેડા અડેલા હોવાનો આરોપ મૂક્યો હતો. ત્યાર બાદ અમરિન્દર સિંહની અરુસા આલમ સાથેની તસવીરો ફરી એક વાર સામે આવી હતી. ૨૦૦૭માં પહેલી વાર કૅપ્ટન અમરિન્દર સિંહ અને અરુસા આલમના સંબંધોએ ચર્ચા જગાવી હતી. ત્યારે અરુસાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે હું એમની મિત્ર છું, એમના પ્રેમમાં નથી.
ઉલ્લેખનીય છે કે પંજાબમાં આવી રહેલી ચૂંટણીઓ માટે કૅપ્ટન અમરિન્દર સિંહે જુદી પાર્ટી રચીને ચૂંટણી લડવાની રણનીતિ જાહેર કરી દીધી છે. હાલમાં તેઓ દિલ્હી ગૃહપ્રધાન અમિત શાહ ઉપરાંત સુરક્ષા સલાહકાર અજિત ડોભલને પણ મળ્યા હતા.

national news