18 February, 2026 11:38 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
૧૦ મહિનાની બેબી આલિન. કેરલાના સૅન્ટ થૉમસ ચર્ચમાં તેના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.
કેરલાની સૌથી નાની વયની ઑર્ગન-ડોનર બનેલી ૧૦ મહિનાની બેબી આલિનના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. એક માર્ગ-અકસ્માતમાં ૧૦ મહિનાની આલિન ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને ઉપચાર દરમ્યાન તેને બ્રેઇન-ડેડ જાહેર કરવામાં આવી હતી. તેનાં માતા-પિતાએ તેનાં અંગોનું દાન કર્યું હતું જેનાથી ૪ લોકોના જીવ બચી ગયા હતા.
કેરલાના પથાનામથિટ્ટાની રહેવાસી ૧૦ મહિનાની આલિન શેરીન અબ્રાહમ પાંચ ફેબ્રુઆરીએ બપોરે કોટ્ટાયમ નજીક પલ્લમના MC રોડ પર થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને વિરુદ્ધ દિશામાંથી આવતા વાહને ટક્કર મારી હતી. ઘટના સમયે આલિન તેની માતા અને દાદા-દાદી સાથે જઈ રહી હતી. તેને શરૂઆતમાં ચાંગનાસેરી અને તિરુવલ્લાની હૉસ્પિટલોમાં સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ ૬ ફેબ્રુઆરીની રાત્રે કોચીની અમૃતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને ૧૩ ફેબ્રુઆરીએ બ્રેન-ડેડ જાહેર કરવામાં આવ્યા બાદ તેનાં માતા-પિતાએ તેનાં ઑર્ગન દાન કરવાનો નિર્ણય લીધો હતો. તેની કિડની, લિવર, આંખોના કૉર્નિયા અને હૃદયના વાલ્વનું દાન કરવામાં આવ્યું હતું. તેની બન્ને કિડની તિરુવનંતપુરમ મેડિકલ કૉલેજ સાથે જોડાયેલી SAT હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૦ વર્ષના છોકરાને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.