24 October, 2025 08:35 PM IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ચંદીગઢના એક પિતાએ મુરાદાબાદમાં મદરેસાના મૅનેજમેન્ટ પર તેમની સાતમા ધોરણમાં ભણતી 13 વર્ષની દીકરીનું વર્જિનિટી સર્ટિફિકેટ માગવાનો આરોપ લગાવ્યો છે. મુરાદાબાદના પાકબારા વિસ્તારમાં આવેલી મદરેસામાં જામિયા અસનુલ બનાત ગર્લ્સ શાળા કૉલેજ છે. પિતાનો દાવો છે કે શાળાએ તેમની દીકરીને આ અસામાન્ય માગણીનું પાલન નહીં કરે તો તેમને કાઢી મૂકવાની ધમકી આપી હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પિતા મોહમ્મદ યુસુફે 14 ઑક્ટોબરે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી. પરિવારના જણાવ્યા અનુસાર, મદરેસાના મૅનેજમેન્ટે આ વિનંતી કરીને છોકરી અને તેમના પોતાના ચારિત્ર્ય બન્નેને બદનામ કર્યા. તેમણે એમ પણ કહ્યું કે પરિવાર દ્વારા ચંદીગઢની ટૂંકી મુલાકાત માટે બહાર લઈ જવાયા પછી શાળાએ તેમની દીકરીને ફરીથી પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો.
યુસુફે જણાવ્યું કે તેની પત્ની તેની બીમાર માતાને મળવા અલ્હાબાદ ગઈ હતી, અને આ સમય દરમિયાન, તેણે તેની દીકરીને ચંદીગઢ બોલાવી. જ્યારે તેની પત્ની બાળકી સાથે પરત આવી, ત્યારે મદરેસાના મૅનેજમેન્ટે તેમને ફોન કરીને દાવો કર્યો કે “બાળકીના પિતાએ તેની સાથે અયોગ્ય વર્તન કર્યું છે.” આ અપ્રમાણિત દાવાને આધારે, શાળાએ બાળકીને ફરીથી શાળામાં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો અને તેને પાછો પ્રવેશ આપતા પહેલા તેની તબીબી તપાસ કરાવવાનો આદેશ આપ્યો. યુસુફે જણાવ્યું કે આવા આરોપો ખોટા અને અપમાનજનક છે. તેમણે પ્રશ્ન કર્યો કે એક પિતાએ ફક્ત તેની દીકરીને શાળાએ લઈ જવા અને લાવવા માટે તબીબી રિપોર્ટ કેમ આપવો પડે છે. પરિવારે તેમની દીકરીને બીજી શાળામાં દાખલ કરવા માટે મદરેસાને ટ્રાન્સફર સર્ટિફિકેટ (TC) માગ્યું ત્યારે પરિસ્થિતિ વધુ વણસી. શાળાએ TC આપવાના બદલામાં 500 રૂપિયાની ચુકવણીની માગણી કરી હોવાનું કહેવાય છે. પરિવારનો દાવો છે કે તેમની પાસે પુરાવા તરીકે ચુકવણી રસીદ અને TC ફોર્મ છે. જોકે, વારંવાર વિનંતીઓ છતાં, શાળાએ હજી સુધી TC પૂરું પાડ્યું નથી, જેના કારણે બાળકી બીજી શાળામાં ટ્રાન્સફર થઈ શકતી નથી.
પિતાએ એ એવો ખુલાસો કર્યો કે મદરેસાએ જાન્યુઆરીથી ઑગસ્ટ સુધીના વર્ષ માટે સંપૂર્ણ ફી લીધી હતી, જોકે તેમની દીકરી ફક્ત સાત દિવસ જ ભણી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શાળા માત્ર તેના શિક્ષણમાં જ રોક લગાવી રહી નથી પરંતુ પરિવારને બિનજરૂરી માનસિક તાણમાં પણ મૂકી રહી છે. મોહમ્મદ યુસુફે માગ કરી છે કે પોલીસ અને વહીવટીતંત્ર બન્ને આ મામલાની સંપૂર્ણ તપાસ કરે. તેમણે પોલીસને ફી સ્લિપ, ટીસી ફોર્મ અને ચુકવણી રસીદ સહિતના તમામ પુરાવા આપ્યા છે. પરિવારે મદરેસા મૅનેજમેન્ટ સામે તેમના કૃત્યો માટે કડક કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. અત્યાર સુધી, જામિયા આસનુલ બનાત ગર્લ્સ કૉલેજના વહીવટીતંત્ર તરફથી કોઈ સત્તાવાર જવાબ મળ્યો નથી. એસપી સિટી રણ વિજય સિંહે પુષ્ટિ આપી હતી કે તપાસ ચાલુ છે અને ખાતરી આપી હતી કે બહાર આવેલા તથ્યોના આધારે કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.