દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે લૉકડાઉન જેવી અસર

21 December, 2025 09:05 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

૩૦૦થી વધારે ફ્લાઇટ્સ કૅન્સલ, સંખ્યાબંધ ટ્રેનો મોડી પડી, હવાની ગુણવત્તા વધુ બગડી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ખરાબ હવામાનના કારણે લૉકડાઉન જેવી અસર જોવા મળી રહી છે. ગાઢ ધુમ્મસને કારણે લો વિઝિબિલિટીથી દિલ્હી ઍરપોર્ટ પર ૭૦૦થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે, શુક્રવાર અને શનિવાર વચ્ચે રદ કરાયેલી કુલ ફ્લાઇટ્સની સંખ્યા ૩૦૬ થઈ ગઈ છે, જેમાં બે ઇન્ટરનૅશનલ ફ્લાઇટનો સમાવેશ છે. ધુમ્મસને કારણે ડઝનબંધ ટ્રેનો કલાકો મોડી દોડી રહી છે. 

દિલ્હી ગાઢ ધુમ્મસ અને ખતરનાક વાયુપ્રદૂષણના બેવડા સંકટનો સામનો કરી રહ્યું છે. શનિવારે સતત નવમા દિવસે દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ અથવા ગંભીર શ્રેણીમાં નોંધાઈ હતી. ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ગંભીર શ્રેણીની નજીક પહોંચી ગયો છે. દિલ્હીનો ૨૪ કલાકનો સરેરાશ AQI ૩૭૪ નોંધાયો હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. ગઈ કાલે સવારે AQI વધીને ૩૮૨ થયો હતો, જે ૪૦૧ના ગંભીર સ્તરથી થોડો નીચે હતો. શહેરનાં ૪૦માંથી ૧૧ મૉનિટરિંગ સ્ટેશનો પર હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં નોંધાઈ હતી.

હવામાન વિભાગે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થવાની ચેતવણી આપી છે. આજે અને આવતી કાલે ઘણા વિસ્તારોમાં મધ્યમ ધુમ્મસ રહેશે, સવારે કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે.

national news india delhi delhi news new delhi Weather Update air pollution